- લાચાર માણસ પોતાનું લોહી વેચે, પોતાની કીડની વેચે કે પોતાનું કશું વેચે તે કદાચ સમજી શકાય, પણ માણસ પોતાની વેદના કે પોતાના શોકને વેચવા નીકળે છે ત્યારે તેનો અર્થ એટલો જ નીકળે કે તેના વેદના અને શોક સાચા નથી. સાચા શોકની કિંમત ઘણી મોટી છે
માણસ આજે જ્યાં ને ત્યાં નુકશાની પછી તે મોટી હોય કે મામુલી હોય તરત નગદ નાણાંનાં રૂપમાં ભરપાઈ કરવા યા કરાવવા તલપાપડ થાય છે. મોટરની એક ટક્કર વાગી સ્કૂટરની એક ટક્કર વાગી યા કંઈક બન્યું અને તરત આખી વાત રૂપિયા પર આવીને ઊભી રહે છે. વાંધો લેવા જેવી બાબત એ જ છે કે માણસ જાતે પોતાની પ્રત્યેક હાનિનો પોતાની ખોટને, પોતાના શોકને એકદમ રોકડા વળતરરૂપે જોવા માંડયો છે. આમ જિંદગીની કોઈ સારી કદર નથી. માણસ પોતાના જખ્મોનો, પોતાની વેદનાનો કદી પૂરી જ ના શકાય તેવી પોતાની ખોટનો આ રીતે રીતસર વેપાર કરવા લલચાય તે હકીકત જ ચિંતાપ્રેરક નથી ? આવી બધી નાની-મોટી બાબતોમાં વેર લેવાની, ખબર પાડી દેવાની વૃત્તિ એકદમ ઉછળી પડે છે. પણ આવી વેરની વૃત્તિમાં પણ કોઈ સાચી ખાનદાની નથી.
બધી જ વાત આવીને રોકડા, હિસાબ પર અટકી જાય છે ! શારીરિક ઇજા થઈ તો લાવો રોકડું વળતર રૂપિયા આટલા ! માનસિક ત્રાસ પહોંચ્યો તો તેના લાવો રોકડા આટલા ! પણ વ્યાજબી ફરિયાદનાં કિસ્સામાં ખરેખર નુકસાનીના કિસ્સામાં ચોક્કસ વળતરની વ્યવસ્થા હોવી જોઈએ. છે પણ ખરી. અને જેને નુકશાન કે જાનહાનિનો ભોગ બનવું પડયું હોય તેને પૂરતું વળતર મળવુ જ જોઈએ તેમાં શંકા જ નથી. પણ દરેક બાબતમાં આ જ ખ્યાલ આગળ કરીને માણસ પોતાની ખોટને એક હિસાબી આંકડા તરીકે જુએ તે આ રીતે પોતાની પીડા કે ખોટને કે શોકને વેચાણની ચીજ બનાવી દે વળતર મેળવવાનું એક બહાનું બનાવી દે તે જાતની દાનત તેને શોભા આપતી નથી. માણસ તરીકેની તેની શોભા આથી ચોક્કસ ઝાંખી પડી જાય છે.
જો જીંદગીમાં દરેક પીડા, દરેક નુકસાની દરેક ખોટને સરભર કરી શકે તેનું કિંમતનું વળતરની રકમનું ભાવપત્રક નિશ્ચિત્ત રૂપમાં હોત તો તો પછી જીંદગીમાં જીવવા જેવું, સહન કરવા જેવું, માણવા જેવું સ્મરણ કરવા જેવું રહ્યું જ શું ? માણસની જિંદગી ખુદ જો આવો એક રોકડિયો વેપાર જ હોય તો પછી માણસને શોભા, તેનું ગૌરવ, એનું ખમીર એની ખાનદાની - કશું જ રહેતું નથી. કોઈક લાચાર માણસ પોતાનું લોહી વેચે, પોતાની કીડની વેચે કે પોતાનું કશું વેચે તે કદાચ સમજી શકાય પણ માણસ પોતાની વેદના કે પોતાના શોકને જ્યારે આ રીતે વેચવા નીકળે છે ત્યારે તેનો અર્થ એટલો જ નીકળે કે તેના વેદના અને શોક સાચા નથી. સાચી વેદના અને સાચા શોકની કિંમત ઘણી મોટી છે. જો માણસ તેનો વેપાર ના કરે તો ! જ્યારે તે તેનો વેપાર કરે છે ત્યારે તેની કિંમત કંઈ જ રહેતી નથી. પછી ભલે તે વળતરની ગમે તેટલી મોટી રકમ મેળવે. અકસ્માતનો ભોગ બનેલો માણસ જરૂર વળતરનો પૂરો હક્કદાર છે. માણસ પોતાની કોઈને કોઈ ઇજા કે ખોટ કે શોકનું સંપૂર્ણપણે અવમૂલ્યન કરી નાખે ત્યારે તે માણસ તરીકેની તેની યોગ્યતાને-શોભાને એક ગંભીર ધક્કો પહોંચાડે છે. આ પ્રકારનું વલણ આપણે જોઈ રહ્યા છીએ અને આ પ્રશ્નમાં કોઈના પક્ષકાર બન્યા વિના તટસ્થ રીતે જ વિચારીએ તો એટલું કબૂલ કરવું જ પડે કે આ રીતે પોતાની ઈજા કે શોકને વટાવવામાં સરવાળે તેને કશો લાભ નથી. અકસ્માતથી મૃત્યુ સુધીના તમામ કિસ્સામાં માણસે આ કે તે માણસને અપરાધી ગણીને ચાલવાનું કે તેની સામે બદલો લેવાની દ્રષ્ટિએ વિચારવાનું યોગ્ય નથી. આમાં એક સારા દયાળુ માણસને શોભે તેવું વર્તન જ વધુ યોગ્ય બને છે. જો આવા કિસ્સામાં સામી વ્યક્તિમાં ઇરાદાનું આરોપણ કરવામાં આવે તેને શત્રુતાનું કૃત્ય ગણીને તેની સામે વેર લેવાનું વલણ અખત્યાર કરવામાં આવે તો. એમ કરવાથી સામી વ્યક્તિ તો જે થવાનું હોય તે થાય. પોતાનું નુકશાન થયું હોવાનું માનનારી વ્યક્તિ આ રીતે વધુ નુકશાન વેઠે છે.
આપણે એક જુદા જ પ્રકારનો દ્રષ્ટાંતનો વિચાર એક વ્યક્તિને ત્યાં કોઈક લૂંટ કરી જાય છે, કિંમતી ચીજો લઈ જાય છે. લૂંટાયેલા પરિવારની પ્રત્યેક વ્યક્તિને એક માનસિક આઘાત પહોંચે છે. હવે આ કિસ્સામાં ફરિયાદ તો અનિવાર્ય છે. આ રીતે લૂંટાયેલી નિર્દોષ વ્યક્તિઓ જો લૂંટનારાઓમાં કોઈ પરિચિત ચહેરા જોવાની કોશિશ કરે, તેમની સામે બદલો લેવાનો વિચાર કરે અને તેમનો પીછો માનસિક રીતે કર્યા જ કરે તો ખુદ તેમનું જીવન બેચેન અને અસહ્ય બની જાય. તેને તે સમયે એટલું જ સમજાય છે કે માણસના હાથમાંથી કોઈ લઈ જઈ શકે છે, તેના 'ભાગ્ય'માંથી કોઈ કશું લઈ જઈ શકતું નથી. એવી જ રીતે ઇજા કે ખોટની બાબતમાં પણ તેણે સમજવું પડે છે કે આવી ઇજા કે ખોટ જિંદગીની કાયમ ખોટને જીંદગીની કાયમી ખોડ ગણીને ચાલવું નહી જોઈએ અને જે કોઈક છીનવી લેનારું છે તેને બે હાથ કે ચાર હાથ હશે પણ જે કોઈક આપનારું છે તેના હજાર હાથ છે.
- ચેતન એસ. ત્રિવેદી


