જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કારતક વદ-૧૦ના રોજ સર્વસંગનો ત્યાગ કરીને દીક્ષાનો માર્ગ સ્વીકાર્યો હતો, આજ એને ૨૫૯૪ વર્ષ વહી ગયા. અર્થાત્ આવનારી કાતરક વદ-૧૦, તા. ૧૪ નવેમ્બરના રોજ શ્રમણ ભગવાન મહાવીરનો ૨૫૯૪ મો દીક્ષા કલ્યાણક દિવસ આવે છે.
માતા-પિતાને સહેજ પણ દુ:ખ ન થાય તે હેતુથી જ્યાં સુધી માતા-પિતા જીવિત હતા, ત્યાં સુધી એમણે ક્યારેય દીક્ષાની વાત પણ ઉચ્ચારી ન હતી. માતા-પિતાના સ્વર્ગવાસ પછી મોટાભાઈ નંદીવર્ધન પાસે તેમણે આજ્ઞા માંગી હતી. પણ મોટાભાઈના ભાઈ-પ્રેમનો સ્વીકાર કરીને તેઓ વધુ બે વરસ મોટાભાઈ સાથે રોકાયા હતા. છેવટે ૩૦ વર્ષની ઉંમરે મોટાભાઈની સહર્ષ આજ્ઞા સાથે સંયમ માર્ગનો કારતક વદ-૧૦ ના પવિત્ર દિવસે સ્વીકાર કર્યો.
સાડા બાર વરસ સુધી નિર્મલ સાધના કરી. ઉગ્ર તપ સાધનામાં ૬-૬ મહિનાના સળંગ નિર્જલા (ચોવિહારા) ઉપવાસ પણ આદર્યા હતા. ૪-૪ મહિનાના, ૨-૩ અઢી મહિના, મહિનાના ૧૫ દિવસના, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ), ૨ ઉપવાસ પણ અનેકાનેક કર્યા. સાડા બાર વરસમાં ક્યારેય ઉપરાઉપરી બે દિવસ સુધી ભોજન લીધું નથી. જે દિવસે ભોજન લીધું, તે દિવસે પણ માત્ર એક જ ટાઈમ અને જે મળ્યું તે લીધું. ક્યારેય પોતાના માટે કશું જ બનાવડાવ્યું નહીં. પાણી પણ માત્ર એક જ વાર પીધું. બધા જ ઉપવાસ નિર્જલા કર્યા. કુલ મળી માત્ર ૩૯૪ દિવસ જ પાણી પીધું અને ભોજન કર્યું. સાડા બાર વરસમાં બધું મળીને માત્ર ૪૮ મિનિટની જ ઊંઘ કરી હતી.
હવે છ વરસ પછી અર્થાત્ વિક્રમ સંવત ૨૦૮૮માં શ્રમણ ભગવાન મહાવીરની ૨૬૦૦ મી દીક્ષા શતાબ્દી વરસ આવશે. જે આ સદીનો એક અનોખો દિવસ હશે.


