Get The App

તત્ ત્વમ્ અસિ... .

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
તત્ ત્વમ્ અસિ...                                              . 1 - image

- આપણા વર્તમાન જેનાથી આપણે અસંતુષ્ટ છીએ એ આપણને ધર્મ-અધ્યાત્મ તરફ જવા ધકેલે છે. હકીકતમાં તત્ ત્વમ્ અસિ એટલે કે આપણે સ્વયં તે જ છીએ, જેની આપણે શોધ કરતા રહીએ છીએ

'તત્ ત્વમ્ અસિ' નો અર્થ થાય છે કે તે તું જ છે. તમે તે જ પરમ તત્વ પરમાત્મા છો. આ મંત્રમાં જ સમસ્ત આધ્યાત્મિક જ્ઞાાન અને અનુભવોનો સાર છે. આ સૂત્ર પર ઉંડું ચિંતન-મનન કરવાથી સત્યનો અનુભવ થતો હોય છે. જો  કે આ સત્ય-પરમાત્માને ભૂલીને, માત્ર કોઈ ધારી લીધેલી આધ્યાત્મિક ઉન્નતિ પાછળ દોટ મૂકવાનો કોઈ અર્થ નથી. એક બાબત જરૂરી સમજી લેવાની છે કે ધર્મ કે આધ્યાત્મિક સાધના કંઈ મેળવવા કે પ્રાપ્તિ માટે કરવાની હોતી નથી. 'ઉપલબ્ધિ' શબ્દ આધ્યાત્મિક નથી. એ તો આપણા મનમાંની તૃષાની કામના છે. 'ઉપલબ્ધિ' માટેનો વિચાર જ સાંસારિક છે. પછી ભલે ને તે સન્માન મેળવવાની ઇચ્છા હોય કે ધન-પદ કે પછી પરમાત્મા, સમાધિ કે નિર્વાણ હોય.

આધ્યાત્મિક પ્રકાશ તો ત્યારે જ સંભવ છે, જ્યારે મનમાંથી કોઈ પણ પ્રકારના કામના કે લાલસાનો અંધકાર હટાવી દેવામાં આવે. જ્યારે કંઈક હોવાનો અહમ્ કે કંઈક મેળવવાની તૃષ્ણા છૂટી જાય ત્યારે ભીતર સ્વયંનો આવિષ્કાર થતો હોય છે. આપણે સ્વયં તે જ છીએ, પોતે છીએ, એટલે કંઈક 'એવું' પ્રાપ્ત કરવાની દોટ મૂકવાનું વ્યર્થ છે. સૌ જેને મેળવવાની કોશિષ કરતા રહે છે, એ 'સ્વયં' આપણે સદાયથી છીએ. તે સિવાય આપણે ક્યારેય ક્યાં કશું હતા ?

પરમાત્મા તો અત્યારે પણ આ ક્ષણે અને પ્રત્યેક ક્ષણે વિદ્યમાન છે. તે ક્યારે આપણા જીવનથી અને આપણાથી દૂર થયો છે ? આપણા અને પરમાત્મા વચ્ચે આપણો અહમ્ દિવાલ બનીને ઉભો રહેતો હોય છે. સમસ્યા તો આપણી કામના, તૃષ્ણા જ છે. આને કારણે જ આપણે ધર્મ અને અધ્યાત્મને સાચી રીતે સમજી શકતા નથી. આપણ ને જાણતાં અને અજાણતાં કંઈક બનવાની લાલસા આ કહેવાતા ધર્મો શીખવે છે. વાસ્તવમાં કંઈક થઈ જવું કે થવું એ એક પ્રકારનો ભ્રમ છે. સત્ય તો આપણી હયાતિ છે, 'સ્વયં'નું સતત આત્મ સમરણ છે.

આપણા વર્તમાન જેનાથી આપણે અસંતુષ્ટ છીએ એ આપણને ધર્મ-અધ્યાત્મ તરફ જવા ધકેલે છે. હકીકતમાં તત્ ત્વમ્ અસિ એટલે કે આપણે સ્વયં તે જ છીએ, જેની આપણે શોધ કરતા રહીએ છીએ. માત્ર એક સત્ય યાદ રાખવા જેવું છે, 'તમે સ્વયં તે જ પરમાત્માનું સ્વરૂપ છો.'