''ટેવ-કુટેવ'' .
ભગવાન તથાગતના ધ્યાનમાર્ગનો પ્રચાર સમસ્ત વિશ્વમાં કરનારા જાપાનનાં વતની ડો.સુઝીકી પરિભ્રમણ કરતા કરતા પેરિસ આવ્યા હતાં. ત્યારે પોલ બન્ટન એમને ખાસ મળવા ગયો હતો. આમ જોવા જઈએ તો પોલ બન્ટન જ્ઞાાનભિક્ષુ હતો. જગતભરની રઝળપાટ કરીને એણે જ્ઞાાન સંપાદન કર્યું હતું.
ડો.સુઝીકીએ તેને આવકાર આપી કહ્યું. તમારી જ્ઞાાનયાત્રાની વાત તો મેં પણ થોડી થોડી સાંભળી છે તો, બન્ટન બોલ્યા, 'હું તો આપના વિશે, આપની ટેવો વિશે જાણવા આવ્યો છું.'
સુઝીકી બોલ્યા'' ભાઈ આ બધી ટેવો તો આપણને પાછળથી પડેલી છે. બાળક જન્મે છે ત્યારે એ બધી ટેવો લાવતો નથી. માત્ર ટેવ અને કુટેવની વાત હું નથી કરતો આપણા બધા વ્યવહારો, રીતભાતો પણ આપણે બહારથી શીખતા હોઈએ છીએ 'આનો અર્થ તો એ જ થયોને મહાનુભાવ કે આપણી અંદરથી તો કંઈ જ પ્રકટ થતું નથી.'
બન્ટને કહ્યું ભાઈ ચર્ચામાંથી મર્મ મેળવવાને બદલે એને અવળે માર્ગે વાળવાની કુટેવ પણ આપણને પાછળથી પડેલી હોય છે. એ કંઈ આપણી અંદરથી પ્રક્ટેલી નથી હોતી.'
ડો.સુઝીકીનો જડબાતોડ જવાબ સાંભળી બન્ટન તો ડઘાઈ ગયા. પછી વિનયભર્યા સ્વરે બન્ટન બોલ્યા, 'ક્ષમા કરજો મહાનુભાવ! મારી દુષ્ટતા બદલ મને ખુબ જ પસ્તાવો થઈ રહ્યો છે. આવી કુટેવમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવો.' ડો.સુઝીકી બોલ્યા: ''સાવ સીધી સાદી વાત છે. ટેવો-કુટેવો સાથે તાદાત્મય સાધવુ બંધ કરી દો. ટેવો-કુટેવો બધી આપોઆપ છૂટી જશે. અને મુક્તિનો મહાઆનંદ માણી શકશો. સાચુ પુછો તો આ બધી ટેવો-કુટેવો તમારામાં છે, તમે એમાં નથી. આ ભ્રમ ભાંગી જશે એટલે ટેવોની ચૂંગાલમાંથી છુટકારો મળી જશે. ટેવો જીવનમાં હોવી જોઈએ એ જરૂરી નથી.''
ડો.સુઝીકી ભારપૂર્વક બોલ્યા. બન્ટન બોલ્યા: ''મહાનુભાવ આપની વાતની થોડી થોડી ગેડ મગજમાં બેસતી જાય છે.'' ડો.સુઝીકી બોલ્યા ''અરે વાત તો દીવા જેવી સ્પષ્ટ સમજાઈ જાય એવી છે. છતાં હજી ખુબ સરળતાપૂર્વક તમને સમજાવું, ધારો કે તમને સફેદ વસ્ત્રો વધારે ગમતા હોય પણ સફેદ વસ્ત્રો રંગીન વસ્ત્રો કરતા કિંમતમાં મોંધા હોય. મોંધા વસ્ત્રો તમને પરવડતા ન હોય તો તમારે સફેદ વસ્ત્રો પહેરવાની ટેવ બદલવી જોઈએ સફેદ કે રંગીન વસ્ત્રો એ તો તમારો પહેરવેશ છે. તે પહેરવેશ ગમે તે રંગનો હોય, તમે પહેરવેશ બદલો એટલે તમે કંઈ બદલાઈ જતા નથી. તમે પોતે તો વસ્ત્ર નથી જ. વસ્ત્ર તો તમારુ ઢાંકણ છે. વસ્ત્ર અને તમે જેમ અલગ છો તેમ તમે તમારી ટેવથી પણ અલગ છો. આ ગણિત મગજમાં બરાબર બેસી જશે એટલે તમારી ટેવો સાથે ભૂલથી સંધાયેલો સંબધ તૂટી જશે.'' ડો.સુઝીકીની વાત ડો.બન્ટને ખૂબ જ વિનયપૂર્વક નતમસ્તકે સ્વીકારી લીધી.