- પાર્વતી માતાજીએ પોતાની સખીઓને કહ્યું કે, 'ચાલો આપણે સ્થાન છોડી બીજે ચાલ્યા જઈએ.' જ્યાં જવાની તૈયારી કરે છે એ જ સમયે મહાદેવજીએ બ્રહ્મચારીનું સ્વરૂપ છોડયું અનેમૂળ રૂપમાં પ્રગટ થયાં
શિવ મહાપુરાણની રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં પાર્વતી માતાજીની તપસ્યા વિશે આપણે જોયું. જ્યારે પર્વતી માતાજી તપસ્યા કરતાં હતાં ત્યારે એમની પરીક્ષા કરવા માટે મહાદેવજીએ સપ્તઋષિઓને મોકલ્યાં. સપ્તઋષિઓએ પાર્વતી માતાજીને કહ્યું કે, 'તમે કોના માટે થઈ તપસ્યા કરો છો!?' તે સમયે પાર્વતી માતાજીએ સપ્તઋષિઓને કહ્યું કે, 'હું મહાદેવજીને મેળવવા માટે થઈને તપ કરું છું. મારા મનમાં એવો ભાવ છે કે, ભગવાન શિવ મને પતિના રૂપમાં પ્રાપ્ત થાય.' ત્યારે તે સમયે સપ્તઋષિઓએ કહ્યું કે, 'તમને આવો ઉપદેશ કોણે આપ્યો?' ત્યારે પાર્વતી માતાજીએ કહ્યું કે, 'દેવર્ષિ નારદજીના માર્ગદર્શનથી હું આ તપસ્યા કરું છું.' સપ્તઋષિઓએ કહ્યું કે, 'જે સ્મશાનમાં રહે છે, જે ભભૂત ચોળે છે, એ તમને સુખી નહિં કરી શકે. તમારે પતિ જોઈએ તો અમે તમને આપીએ - વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ.' એ સમયે પાર્વતી માતાજીએ સપ્તઋષિઓને કહ્યું કે, 'મેં દેવર્ષિ નારદજીને ગુરુ માન્યા છે અને એમણે મને માર્ગદર્શન આપ્યું છે કે તમને શિવ પતિના રૂપમાં મળશે. તો મને દેવર્ષિ નારદજીના વચન ઉપર વિશ્વાસ છે અને મારો સંકલ્પ પણ છે કે હું પરણીશ તો શિવજીને નહિંતર હું કુંવારી રહીશ.'
શિવ મહાપુરાણનો આ સમગ્ર પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવો એ જ સાચી શિવ પૂજા છે. ગુરુને માનવા એ તો ભક્તિ છે પણ એના વચનો ઉપર વિશ્વાસ રાખવો એ ગુરૂ પ્રત્યેની નિષ્ઠા છે. આપણે ક્યાંય બહારગામ જવું હોય અને આપણે ગાડીમાં બેઠાં હોઈએ તો આપણને પાક્કો વિશ્વાસ છે કે આ ડ્રાઈવર મને મારા નિશ્ચિત સ્થળ સુધી પહોંચાડશે. તો જેવો ડ્રાઈવર પર વિશ્વાસ છે એવો જ વિશ્વાસ આપણે જગતપતિ ઉપર કેળવવો જોઈએ.
મારા ભગવાન, મારા સદ્ગુરુ એ મારી નાવને ડૂબવા નહિં દે. આ સમગ્ર પ્રસંગ પાર્વતી માતાજી અને સપ્તઋષિઓના સંવાદથી આપણને સમજવા મળે છે. પાર્વતી માતાજીનો પ્રેમ જોઈ સપ્તઋષિઓ બહુ પ્રસન્ન થયાં. કૈલાસમાં આવી ભગવાન સદાશિવને કહ્યું કે, 'તમારી માટે જે પ્રેમ છે એ તો અલૌકિક છે. જેનું વર્ણન થઈ શકે એમ નથી.' સપ્તઋષિઓ ગયા પછી મહાદેવજીએ વિચાર કર્યો કે, 'હું સ્વયં પરીક્ષા કરવા માટે જાઉં.' મહાદેવજી જટીલ બ્રહ્મચારીના સ્વરૂપમાં જે સ્થાને પાર્વતી માતાજી તપસ્યા કરતાં હતાં એ સ્થાને ગયાં અને પોતાના મુખેથી એમણે પોતાની નિંદા કરી. નિંદા કર્યા પછી કહ્યું કે, 'હે દેવી ! હજી પણ સમય છે તમે શિવજીને પ્રાપ્ત કરવાનો વિચાર છોડી દો.' ત્યારે પાર્વતી માતાજીએ કહ્યુ કે, 'હું પરણીશ તો શિવજીને નહિતર હું કુંવારી રહીશ. તમે બ્રહ્મચારી છો એટલે હું તમને બાળીને ભસ્મ નથી કરતી. એક સ્ત્રી માટે પતિની નિંદા સાંભળવી એ પણ અપરાધ છે.'
પાર્વતી માતાજીએ પોતાની સખીઓને કહ્યું કે, 'ચાલો આપણે સ્થાન છોડી બીજે ચાલ્યા જઈએ.' જ્યાં જવાની તૈયારી કરે છે એ જ સમયે મહાદેવજીએ બ્રહ્મચારીનું સ્વરૂપ છોડયું અને મૂળ રૂપમાં પ્રગટ થયાં. પાર્વતી માતાજીને ભગવાન શિવજીના દર્શન થઈ ગયાં. મહાદેવજીએ કહ્યું કે, 'કૈલાસમાં પધારો.' ત્યારે પાર્વતી માતાજીએ કહ્યું કે, 'તમે મારા પિતાજી પાસે આવો અને મારા હાથની માંગણી કરો.' મહાદેવજી અંતરધ્યાન થયાં. સપ્તઋષિઓએ હિમાચલ મહારાજને સમાચાર આપ્યાં કે, 'તમારી દિકરીનું તપ સફળ થયું છે.' પાર્વતી માતાજી જ્યારે ઘરે પધાર્યાં ત્યારે મહાદેવજી નટરાજ સ્વરૂપે તેમજ વૈષ્ણવ સાધુના સ્વરૂપે હિમાચલ મહારાજ અને મહારાણી મૈનાની પરીક્ષા કરી. પણ, શિવ મહાપુરાણનો આ સમગ્ર પ્રસંગ એ સમજાવે છે કે, આપણા અંદર જો શ્રદ્ધા અને વિશ્વાસ હશે અને તેની સાથે થોડો પુરુષાર્થ કરીશું તો આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીશું. શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ શિવ અને શક્તિ આપણી અંદર બિરાજમાન રહે એ જ અભ્યર્થના...!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


