કસોટી ભક્તિ કી...!!!
- જો ઈચ્છે તો દરેક જણ પોતપોતાના ઘરે ઘરના સભ્યો સાથે ઘરમાં કે ધાબે માતાજીની તસવીરને દીવા-અગરબત્તી-આરતી કરીને યાદગાર રહી જાય એવી નવરાત્રિ કરી શકે.
સા વ એવું નથી કે કસોટી કેવળ જિંદગીની જ થાય. ધર્મની પણ થાય અને ભક્તિની પણ થાય. અને આ કસોટી છે શું એ તો પૂછો!! શું ભગવાન કે માતાજીએ કસોટી કરવા અહીં મોકલ્યા છે આપણને..? પશુ-પંખીઓ આ કસોટીથી મુક્ત છે ? શું છે આ...? આપણા બાપદાદા પાસ થઈને ગયા કે નાપાસ ?... શું ખબર !! છતાંય આપણે સૌ વર્ષો થી જિંદગીને કસોટી સમજીએ છીએ. અને સદ્ભાગ્યે જાત ઉપર ભરોસો ન રાખવા સિવાય બધા મોટેભાગે આ કસોટીમાંથી પાર ઉતરે છે ? જિંદગીને કસોટી સમજવાવાળા હજુ સુધી એ નથી સમજી શકયા કે ધર્મ અને ભક્તિ પણ જિંદગીની કસોટી કરતા વધુ આકરી છે. અલબત્ત, જિંદગીની કસોટીમાં આ બંને આવી જાય છે. તેમ છતાં એ તો નક્કી છે કે ધર્મ અને ભક્તિની સાચી-સચોટ (ગોખણપટ્ટી નહિં) તૈયારી કરવાવાળા જિંદગીની કસોટીમાં રમતાં-રમતાં પાસ થઈ જાય છે.
આવી જ ધર્મ અને ભક્તિની કસોટીમાં પાસ થવાની પળ આવી રહી છે. અને તે છે 'માઁ' ના રૂડા નોરતાં. આ વખતે રઢિયાળી રાતો સુની લાગી શકે. ઢોલના તાલે હિલોળા લેતા જોબનિયા જોવા ના પણ મળે. તારામૈત્રક ઓછા પણ રચાય. નાસ્તા-પાણીની મિજબાની ઓછી પણ થાય. બે પૈસા ઓછા ય કમાવાય. કશું નક્કી નથી શું થાય કે શું ના થાય... ચમચી અભિષેક કરીને વધેલા રૂપિયા સમાજઉપયોગી વાપરી શકાય.
કારણ કે અત્યારે કોરોના નામના રાક્ષસે આપણને સૌને ભયમાં નાખી દીધા છે. ઓછા સંક્રમણથી ધીરે ધીરે એ નામશેષ થઈ શકે છે. માટે ભક્તિ અને ધર્મની કસોટીની પળ આવી ગઈ છે. અને ખરેખર જોવા જઈએ તો કસોટી તો માણસની શ્રદ્ધાની થતી હોય છે, એની મહેનતની થતી હોય છે. એની ઈમાનદારીની તથા પ્રામણિકતાની થતી હોય છે. એના વિશ્વાસની થતી હોય છે. ચાલો આ કસોટી વિશે તૈયારી કરીએ..
આપણે જેના સંતાન છીએ તે માં જગદંબાએ જ આપણને આ કોરોનાકાળમાં ટકાવી રાખ્યા છે. એના પ્રત્યેની આપણી કૃતજ્ઞાતા જાહેર કરવાનો સમય આ વખતે તો ખાસ આવ્યો છે. આ માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડીસ્ટન્સથી કોરોના સામે લડી શકાય છે, એવી સદ્બુદ્ધિ આ જોગમાયાએ જ આપી છે.
એ સદ્બુદ્ધિનો ઉપયોગ કરીને આપણી ભક્તિની કસોટી થવાની છે. 'માઁ'ના ગરબા 'માઁ'ના ગુણલા ગાવાની રીતમાં ફેરફાર કરવો પડશે. એક વર્ષ બધા હૈયે-હૈયુ દળાય એ રીતે ગરબા નહીં ગાઈએ તો દયાળુ'માઁ' કંઈ નારાજ નહીં થાય !! ઉલટાનું આપણા ગાંડપણથી વધારે નારાજ થાય. નથી ને નવરાત્રી પછી કોરોનાનો પોઝિટિવ આંકડો વધ્યો તો...?!? જબ ચિડીયા ચૂગ ગઈ ખેત, અબ પછતાયે હોત ક્યા... જેવા હાલ થાય. કોઇપણ ધાર્મિક પ્રસંગ હોય જ્યાં બહુબધી પબ્લિક ભેગી થવાની હોય તેને રદ કરવામાં જ નિર્ભયતા છે.
જો ઈચ્છે તો દરેક જણ પોતપોતાના ઘરે ઘરના સભ્યો સાથે ઘરમાં કે ધાબે માતાજીની તસવીરને દીવા-અગરબત્તી-આરતી કરીને યાદગાર રહી જાય એવી નવરાત્રિ કરી શકે. આપણા ઘરે નારાયણીનું સ્વરૂપ ધરીને પધારેલી હિરવા જેવી અસંખ્ય દિકરીઓ માં જગદંબાનું રૂપ જ છે. પત્નિ અને મમ્મી પણ આ જ મા ભવાનીનું સ્વરૂપ છે. એકવાર તો એને મનભરીને પામી લઈએ. ચાલો, આપણે સૌ આપણી ભક્તિની કસોટી આવી પહોંચી છે. ત્યારે એની તૈયારીના ભાગરૂપે માઁ જગતજનનીને આરાધીએ કે હે... માઁ ...
।। યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ, સંસ્થીતા ।।
।। નમસ્તસ્યૈ.... નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ.. નમો નમઃ ।।
મિત્રો, માતાજીની કસોટી નથી કરતા, સમય સંજોગ કસોટી કરે છે.
- દિલીપ રાવલ