Get The App

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનાં દસ સ્વપ્નો !

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનાં દસ સ્વપ્નો ! 1 - image


શ્રી મહાવીર દીક્ષા લીધા બાદ પ્રથમ ચાતુર્માસ શરૂ થાય તે પહેલાં વિહાર કરતાં કરતાં 'મોરાક' ગામે આવ્યાં, જ્યાં તાપસોનો આશ્રમ હતો, ત્યાં ચાર્તુમાસ કરવાનો આશય હતો, પણ ત્યાંનું વાતાવરણ પોતાની સાધનાને માટે અનુકૂળ નહીં આવતાં વર્ષાઋતુનો અડધોભાગ વીતી ગયો હોવા છતાં તે સ્થળ છોડી દીધું અને 'અસ્થિક' નામના ગામમાં આવ્યા. ત્યાં ટેકરા ઉપર 'શૂલપાણિયક્ષ'નું મંદિર હતું. તેમાં વાસો કરવા ગામ લોકોને વિનંતી કરી, પણ ગામ લોકોએ જણાવ્યું કે,' યક્ષ અહિંઆ કોઈને રાત્રિ રોકાણ કરવા દેતો નથી.' પણ મહાવીરે નક્કી કર્યું કે બીકના માર્યા નિર્ણય બદલવો નથી. એવું થશે તો યક્ષને ઉપદેશ આપી સત્માર્ગે વાળીશ. ગામ લોકો જતાં રહ્યાં બાદ શ્રી મહાવીર ધ્યાનસ્થ થયાં.

રાત્રિ શરૂ થતાં યક્ષે તેનો પરચો બતાવવાની શરૂઆત કરી. જાત-જાતનાં વિચિત્ર અવાજો કર્યા. હાથી-પિશાચ- સર્પ આદિ સ્વરૂપો વડે બીવરાવવાના ખૂબ પ્રયત્નો કર્યા. શ્રી મહાવીરે તો આ બધાં ભયો અને ઉપદ્રવોને સહન કરવાની શક્તિ મેળવી લીધેલી જ હતી. આ કપરી કસોટીમાં પાર ઉતરતાં પોતાને વેઠવા પડેલાં શારીરિક અને માનસિક શ્રમને કારણે શ્રીમહાવીરને મોડી રાત્રે મીઠી નિંદ્રા આવી ગઈ. નિંદ્રામાં હવેથી ભવિષ્યમાં થનારી તેમની પ્રગતિના સૂચક દશ સ્વપ્નો આવ્યાં. બીજા દિવસે સવારે ગામ લોકો સાથે આવેલા ઉત્પલ નામના નિમિત્તશાસ્ત્રીએ તેમને આવેલાં સ્વપ્નોનો અર્થ ઉકેલ જણાવ્યો.

સ્વપ્નો : (૧) તાલપિશાચને હણવો (મોહરૂપી પિશાચનો તમારા હાથે થનાર વધનું સૂચક (૨) શ્વેતરંગનો કોકિલ (તમને પ્રાપ્ત થનાર શુકલ ધ્યાનનું સૂચક. (૩) રંગબેરંગી કોકિલ (તમારા હાથે થનાર ચિત્ર-વિચિત્ર શાસ્ત્ર રચનાનું સૂચક. (૪) બેમાળા (જેનો ઉકેલ તજજ્ઞા પાસે ન હતો.) ૫) સેવા કરવામાં ઉદ્ત ગો વર્ગ ( તે ચતુર્વિધ સંઘથી તમારી થનારી સેવાનું સૂચક) ૬) પદ્મોથી ભરેલું સરોવર (દેવોનો સમૂહ તમારો સેવક થશે. (૭) સમુદ્ર તરી ગયાં ( આ ભવસાગરને તમે તરી જવાના છો.) (૮) સૂર્ય (તમોને ઉત્પન્ન થનાર કેવળજ્ઞાનનું સૂચક. (૯) પોતાના આંતરડાથી વીંટળાયેલો માનુષોત્તર પર્વત (તમારા યશ અને પ્રતાપથી વ્યાપ્ત થનાર ત્રિલોકનું સૂચક (૧૦) પોતાને મેરુપર્વત ઉપર આરૂઢ થયેલાં જોયાં (તે સિંહાસન ઉપર બેસીને તમો ધર્મોપદેશ આપવાના છો તેનું સૂચક).

નિમિત્તશાસ્ત્રીએ જણાવ્યું કે, મને આપના ચોથા સ્વપ્ન 'બેમાળા' છે, તેનો ઉકેલ મળતો નથી. શ્રી મહાવીરે  વિચાર કરીને ઉકેલ જણાવ્યો કે,' હું ગૃહસ્થ તેમજ સાધુનો એમ બે પ્રકારનો ધર્મ વિચારવા ઇચ્છું છું.'

દસ સ્વપ્નો દ્વારા આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરીને તેજ સ્થાનમાં શ્રી મહાવીરે પોતાનું પ્રથમ ચોમાસું વ્યતિત કર્યું. ૧૨ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ ૪૩ વર્ષની વયે વૈશાખ સુદ-૧૦ ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આજે વીર સંવત ૨૫૫૧ ચાલે છે. એટલે કે ૭૨ વર્ષની વયે ઇ.સ.પૂર્વે. ૫૨૭ માં નિર્વાણ પામ્યાં. આ તબક્કે આશ્ચર્યની વાત તો એ છે કે, દીક્ષા લીધાંના પ્રથમ ચાતુર્માસમાં જ તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગૃહસ્થનો તેમજ સાધુઓનો એમ બે પ્રકારનો ધર્મ સ્થાપવા ઇચ્છે છે, સૈકાઓ વર્ષો વિત્યા બાદ આજે પણ સમગ્ર જૈનસમાજમાં 'ચતુર્વિધ' સંઘનું સવિશેષ મહત્વ છે. સાધુ-સાધ્વીઓ 'પંચમહાવ્રતધારી' છે. અને શ્રાવક-શ્રાવિકાઓ અણુવ્રતધારી છે. (આધારઃ  ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સન.૧૯૪૧માં પ્રકાશિત કરેલ ગ્રંથ 'શ્રી મહાવીર કથા')

સંકલન : દિનેશ શાહ


Google NewsGoogle News