તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
- પ.પૂ. શ્રી રંગઅવધૂત મહારાજ
'ગુરુપૂર્ણિમા'નો તહેવાર ગુરુ-શિષ્ય બન્ને માટે અનુશાસનનો સંદેશ લઈને આવે છે. આથી એને 'અનુશાસન પર્વ' પણ કહેવામાં આવે છે. અનુશાસન વગર રાષ્ટ્રની કે આત્માની પ્રગતિ શક્ય નથી. ગુરુપૂર્ણિમા પર વ્યાસ પૂજનનો પણ મહિમા છે. આ પર્વનો સંદેશ છે કે લેખક અને વકતા પોતાની કલમ અને વાણીના માધ્યમથી વેદવ્યાસજીનું અનુકરણ કરવા લાગે તો લોકકલ્યાણનું અડધુ કાર્ય પૂર્ણ થઈ જાય.
ગુરુ પોતાના શિષ્યને પોતાના પુણ્ય, પ્રાણ અને તપનો એક અંશ આપે છે. આજ રીતે શિષ્ય પોતાની કમાણી, શ્રદ્ધા, પુરુષાર્થ, પ્રભાવ અને સંપદાનો એક અંશ ગુરુને સમર્પિત કરે છે. આમ ગુરુ-શિષ્યનો સંબંધ આંધળા અને લંગડા જેવો બની રહે છે. દ્વૌણાચાર્ય કૌરવા માટે ફક્ત વેતન લેનાર સામાન્ય શિક્ષક જ બની રહ્યા જ્યારે પાંડવો માટે અજેયવિદ્યાનો સ્ત્રોત. એકલવ્ય માટે તો એક અદ્ભૂત ચમત્કાર બની ગયા.
સમસ્ત બ્રહ્માંડની ઉત્પતિ, સ્થિતિ અને લય કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવની શક્તિ જે એક વ્યક્તિમાં રહેલી હોય તે ગુરુ છે. ગુરુ વ્યક્તિ નથી વિચાર છે. ગુરુની પૂજા એ શ્રેષ્ઠ વિચારોની- સદ્વિધાની પૂજા છે. ત્રિદેવની શક્તિને ધારણ કરતી વ્યક્તિને કોની ઉપમા આપી શકાય ? એનાથી વધારે શક્તિ અને સામર્થ્ય કોનામાં હોય શકે ? આથી જ ગુરુ માટે યથાર્થ કહેવાયુ... ગુરુ બ્રહ્મા.. ગુરુ વિષ્ણુ...
ગુરુની વ્યાખ્યા છે જ સદ્વિદ્યાનું દાન કરે તે ગુરુ ' તે ગુરુ જ દેવતા. સમુદ્ર પાસે પોતાનું તો કશું જ હોતું નથી. તેના અસ્તિત્વનું પાણી પણ પારકુ-નદીઓએ તેને આપેલું હોય છે. સમુદ્ર આ લીધેલું પાણી અનેક ગણુ કરીને નદીઓને પરત કરે છે. આથી તેની પૂજા 'દરીયાલાલની પૂજા' તરીકે પ્રસિધ્ધ પામે છે. ગુરુનું કાર્ય આવું પરોપકારનું હોય છે. ગુરુની પૂજા એ વ્યક્તિમાં રહેલી શક્તિ, સદ્વિચાર, સદ્બુધ્ધિ, સદ્વિદ્યા અને સામર્થ્યની પૂજા છે. જેવી રીતે લક્ષ્મીના બે પ્રકાર છે. સૂરી-લક્ષ્મી અને આસૂરી લક્ષ્મી, બુધ્ધિના બે પ્રકાર છે સદ્બુધ્ધિ અને દુર્બુધ્ધિ, જ્ઞાનના બે પ્રકાર છે સદ્જ્ઞાન અને અસદ્જ્ઞાન એ જ રીતે વિદ્યા પણ બે પ્રકારની હોય છે. સદ્વિદ્યા અને અસદ્વિદ્યા. મનુષ્યમાં ઓછા વત્તા પ્રમાણમાં આ બન્ને વિદ્યા રહેલી હોય છે. કોઈ વિરલ કલાકાર અણઘડ પથ્થરમાંથી બિનજરૂરી ભાગ કાઢી નાખી મૂર્તિનું સર્જન કરે છે આવું જ કાર્ય શિષ્યમાં રહેલી દુર્યોધન અને શકુની જેવી અસદ્વિદ્યાનો નાશ કરી સદ્વિદ્યાની સ્થાપના સદ્ગુરુ કરે છે. આ એક ભગીરથ કાર્ય છે.
કોઈ બૌધિક વ્યક્તિ જાણી ન શકે એવા 'લાક્ષાગૃહ'ની રચના કરનાર શકુની, અજ્ઞાન, અસદ્વિદ્યા અને દુર્બુધ્ધિનું પૌરાણિક પાત્ર છે. એક જ ગુરુ દ્વૌણાચાર્યનાં બે શિષ્યો-દુર્યોધન અને અર્જુન સરખી વિદ્યા પ્રાપ્ત કરી હોવા છતાં દુર્યોધન કુલાંગાર બન્યો. અને અર્જુન ભગવાન શ્રીકૃષ્ણનો સખા બને. વિદ્યા પ્રાપ્ત કરનારની પાત્રતા, સદ્બુધ્ધિ, ચિંતન અને સંસ્કારનો આ તફાવત છે. સદ્વિદ્યા પ્રાપ્ત કરનાર નહિ પણ આપનાર ગુરુ છે. ગુરુ આપે છે, દાન કરે છે. વિદ્યા નહિ, સદ્વિદ્યાનું દાન કરે છે. સમાજને જરૂર છે. અર્જુન જેવા શ્રધ્ધા, સમર્પણ અને સામર્થ્ય ધરાવતા શિષ્યોની. આવા શિષ્યોના જીવનમાં ઇન્દ્રીય સંયમ વિચાર સંયમ, સમય સંયમ અને સાધન કે અર્થ સંયમ જેવા તપ હોય છે.
સદ્વિદ્યાનું દાન કરનાર સમર્થ સદ્ગુરુ પોતાના શિષ્યને જગતમાં 'મૂઠ્ઠી ઊંચેરો માનવી' બનાવી દે છે. જેમકે રામકૃષ્ણ, પરમ હંસ, સ્વામી રામાનંદ સ્વામી રામદાસ, સંત રોહિદાસ, દ્રૌણાચાર્ય જેવા સમર્થ ગુરુઓએ અનુક્રમે સ્વામી વિવેકાનંદ, સંત કબીર, છત્રપતિ શિવાજી, મીરાંબાઈ અને અર્જુન જેવા સમર્થ શિષ્યો ઇતિહાસમાં સુવર્ણ અક્ષર સ્થાન પામ્યા છે.
સદ્ગુરુ 'કલ્પવૃક્ષ' છે. સદ્ગુરુ 'કામધેનું' છે. સદ્ગુરુ 'માઈલ સ્ટોન' છે, સદ્ગુરુ 'પારસમણી' છે અરે ! પારસમણી તો માત્ર લોઢાને જ સુવર્ણ બનાવી શકે જ્યારે સમર્થ સદ્ગુરુ તો લોઢાને જ પારસમણી બનાવવા શક્તિમાન હોય છે. અધ્યાત્મ જગતમાં કેટલાય ગુઢ પ્રશ્નો કે સમસ્યાઓ હોય છે. જેનું સમાધાન તો એક માત્ર સમર્થ સદ્ગુરુ જ આપી શકે છે. સંત કબીર સાહેબનું શિષ્યના સંવાદ રૂપે લખાયેલું એક જ ભજન આવી સમસ્યાને ઉજાગર કરે છે. જેમકે -
'ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો,
જળ કેરી મછીયા જળમાં વિયાણી,
ઇંડા એના અધર જમાયા,
ઇ ઇંડામાં વિંધા નોતા.
પવન કહાસે પધારાયા? ઇતના...
કબીર સાહેબ સદ્ગુરુ માટે કહે છે-
'ગુરુ ગોવિંદ દોનો ખડે,
કીસકો લાગુ પાય ?
બલિહારી ગુરુદેવકી,
ગોવિંદ દિયો બતાય.'
આવા ગુરુના ચરણમાં પ્રણામ સાથે 'તસ્મૈ શ્રી ગુરુવે નમઃ'
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ