Get The App

તસ્મૈ શ્રી ગુરવે નમઃ

Updated: Jul 17th, 2024

GS TEAM

Google News
Google News
તસ્મૈ શ્રી ગુરવે નમઃ 1 - image


વ્યાસ પૂર્ણિમાનું બીજું નામ ગુરુ પૂર્ણિમા છે. આપણા મનની અંદર સાત્ત્વિક વિચારનું સર્જન કરવાવાળા ગુરુ બ્રહ્મા છે.

અષાઢ મહિનાની સુદ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. આ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય થયું. જેમણે વેદોને વ્યવ સ્થત કર્યા. ચાર વેદ ચાર શિષ્યોને ભણાવ્યા. અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ એ પૈલ ઋષિને ભણાવ્યો, સામવેદ એ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ એ વૈષમ પાયન ઋષિને ભણાવ્યો. આપણા ૧૮ પુરાણો અને મહાભારત તેની રચના પણ ભગવાન વેદવ્યાસજીએ જ કરી. માટે વિદ્વાનો એવું માને છે કે, વ્યાસોચ્છીષ્ટમ જગત સર્વમ. જે કંઈ બોલાય છે એ વ્યાસજીનું જ ઉચ્છીષ્ટ છે. જ્યારે કથા કરવા માટે પણ કોઈ વક્તા પીઠ ઉપર બેસે છે ત્યારે તે પીઠનું નામ પણ વ્યાસપીઠ જ રહ્યું છે. યુગો બદલાયા, સદીઓ બદલાઈ ગઈ પણ પીઠનું નામ નથી બદલાયું.

અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદ વ્યાસજીની પુજા કરવાનું વિધાન છે. આપણો વારસો આપણી સંસ્કૃતિ જો કોઈએ ટકાવી હોય તો તે વ્યાસજીએ ટકાવી છે. વ્યાસ પૂર્ણિમાનું બીજું નામ ગુરુ પૂર્ણિમા છે. આપણા ગુરુ એ વ્યાસ સ્વરૂપ જ છે. આપણા મનની અંદર સાત્ત્વિક વિચારનું સર્જન કરવાવાળા ગુરુ બ્રહ્મા છે. આપણા સાત્ત્વિક વિચારો ટકી રહે તેની સંભાળ લેવામાં ગુરુ વિષ્ણુ છે. આપણી અંદર રહેલી વિકૃતિઓ એનો નાશ કરવા માટે ગુરુ શિવ છે. એક અર્થમાં જોઈએ તો ગુરુ શિષ્યને માટે ભગવાન જ છે. તુલસીદાસજી મહારાજે તુલસીકૃત રામાયણનો આરંભ જ ગુરુ વંદનાથી કર્યો. રામાયણની પહેલી ચોપાઈ જેમા ગુરુના ચરણની રજનું મહત્ત્વ છે. 

બંદૌ ગુરુપદ પદમપરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા

અમી અમુરી મય ચુરનચારુ, શમન સકલ ભવરૂજ પરિવારુ

અર્થ એવો થાય છે કે, ગુરુના ચરણની રજ એ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાવાળી છે. ગુરુ ચરણ રજ જ્યારે સાધકને સ્પર્શે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એક મસ્તિ છે. એ જ્યારે પ્રસન્ન થાય ત્યારે શિષ્યને ઘણું બધું આપી દે છે. વ્ય ક્તને ગુરુ ન માનશો અને ગુરુને વ્યક્તિ ન માનશો. ગુરુનો સ્વભાવ છે કે, ગુરુ જેટલું પોતાના પુત્રને નથી આપતાં એટલું તેમના શિષ્યને આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મહાભારતમાં એવું વર્ણન છે કે, અશ્વત્થામા એ ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે અને અર્જુન એ ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય છે. અશ્વત્થામાને ગુરુ દ્રોણાચાર્યએ બ્રહ્માસ્ત્ર છોડતાં જ શિખવાડયું છે જ્યારે અર્જુને છોડતાં અને પાછું વાળતાં એમ બન્ને વિદ્યા શિખવાડી છે.

મારા સદ્ગુરુ સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ એ સદા એક વાક્ય કહેતાં કે, ગુરુ ભક્તિ ત્યારે જ સફળ થશે જ્યારે સદ્ગુરુના વચન ઉપર આપણે વિશ્વાસ રાખીશું. આ જ વાક્ય ગંગાસતિ પણ પોતાના પદમાં એમ કહે છે કે, "સદગુરુ વચનોના થાઓ અધિકારી પાનબાઈ." આ વાક્ય પણ એ વાત સ્પષ્ટ કરવા માંગે છે કે ગુરુની આજ્ઞાા માનવી એ જ ગુરુ ભક્તિ છે. પ્રાચિનકાળમાં જ્યારે શિષ્ય ગુરુ આશ્રમમાંથી ભણીને જાય ત્યારે ગુરુને ગુરુ દક્ષિણા આપતાં. અત્યારના સમયમાં આપણે ગુરુને દક્ષિણા શું આપી શકીએ ! આપણી પાસે દક્ષિણા આપવા માટે એક જ ચીજ છે જેનું નામ છે સમર્પણ. શિષ્ય જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે એને જ્ઞાાન મળે, એનું ઉદાહરણ અર્જુન છે. ગીતાજીના બીજા અધ્યાયમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત થયાં ત્યારે તેમને જ્ઞાાન મળ્યું. પરિક્ષિત મહારાજ જ્યારે શુકદેવજી મહારાજને સમર્પિત થયાં ત્યારે તેમને જ્ઞાાન મળ્યું અને એ નિર્ભય બન્યા.

આપણે ત્યાં પ્રથમ ગુરુ એ માતા-પિતા છે. બીજા આપણા દિક્ષાગુરુ છે. જેમણે આપણને મંત્ર દિક્ષા આપી છે. અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ છે જેમણે આપણને શિક્ષણ આપ્યું છે. આ બધા ગુરુજનોનો આદર કરવો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે. બીજો ગુરુ પૂર્ણિમાનો સંદેશ એ છે કે, જે ગુરુએ આપણને શિક્ષણ આપ્યું છે પછી ભલે આપણે ઉચ્ચક્ષેત્રમાં જઈએ તો પણ એ શિક્ષાગુરુને ભુલવા ન જોઈએ. સ્વામી વિવેકાનંદજી શિકાગોની ધર્મ પરિષદમાં ગયા પણ પોતાના ગુરુ પરમહંસજીને ભુલ્યા નથી. આપણી અંદર ગુરુ ભક્તિ, ગુરુ નિષ્ઠા સદૈવ બની રહે એ જ અભ્યર્થના સાથે અસ્તુ.!

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Tags :