- જરૂરિયાત પૂરી થાય પરંતુ અમર્યાદિત અપેક્ષાઓ પૂરી થતી નથી. સંતો-મહંતો આપણને અપેક્ષાઓ ઓછી કરવાની સલાહ આપે છે. આપણે જાગૃત રહીને સારું જ્ઞાન મેળવવાનું છે તેને સ્વાધ્યાય કહે છે
નવી નવી વિદ્યા પ્રાપ્ત કરે તે વિદ્યાર્થી. પોતાની કુતૂહલવૃત્તિને પોષવી. નવું નવું જાણવાની ધગશ રાખવી એ જ જીવંતતા છે. જીવતા હોવું એટલે શ્વાસોશ્વાસ ચાલે છે. હૃદય ધબકે છે. હાથ પગ હલે છે. એટલું પુરતું નથી. આપણા પૂર્વજ ઋષિઓએ સમય અને શક્તિ પ્રમાણે સાધના કરી તેમને જે પરમજ્ઞાન પ્રાપ્ત થયું તે આપણા સુધી પહોંચાડીને બહુ મોટો ઉપકાર કર્યો છે.
આજના દોડધામભર્યા જીવન પ્રવાહમાં જપીને બેસવાનું લોકોને અનુકૂળ નથી. કોણ જાણે કેમ. દોડધામ લોકોને અનુકૂળ આવી ગઈ છે. શું મેળવવું છે? કેટલું મેળવવું છે. કેવી રીતે મેળવવું છે? તેનો વિચાર ગંભીરતાપૂર્વક કરતા નથી. તેથી સંતોષનો, તૃપ્તિનો અનુભવ થતો નથી.
જમવા માટે બે રોટલી જોઈએ મતલબ કે ૨૦૦ ગ્રામ અનાજ. પુરતું છે. કરોડપતિ હોય તો કાંઈ હીરા-મોતી અરોગતા નથી. (પ્રાત: સ્મરણીય સંત શ્રી આનંદનાથજી મહારાજ શ્રી શંકરતીર્થ આશ્રમ, આણંદ) વારંવાર સમજાવે છે ભલે મીલ માલિક હોય તે પણ બે ચાર ઝબ્બા ઉપરા ઉપર પહેરતા નથી. સવા ગજ કપડાના બનેલાં કપડાં જ પહેરે છે. પાચ-દસ મોટા બંગલા હોય ભલે આપણે એક બંગલાના એક રૂમમાં ૬ટ૬ ના પલંગમાં જ સૂઈએ છીએ. એમાંય ઘણી વખત ટૂંટીયાવાળીને સૂઈએ ત્યારે અડધો પલંગ ખાલી રહે છે.
આ રીતે ગંભીરતાથી વિચારીએ તો, જે કાંઈ ભેગી કરીએ છીએ તેનો ઉપયોગ પણ આપણે કરી શકતા નથી. આટલી વાત સમજાઈ જાય તો વધારે ભેગું કરવાની હાય બળતરા ઓછી કરી શકાશે. ભગવાન જરૂરિયાત બધાંની પુરી કરે છે. કીડીને કણ, હાથીને મણ. ભગવાને વ્યવસ્થા કરી રાખી છે. બાળકના જન્મ પહેલાં તેના પોષણ માટે માતાના ઉદરમાં જ વ્યવસ્થા કરી છે અને જન્મ પછી પૌષ્ટિક દૂધની વ્યવસ્થા માની છાતીમાં જ કરી રાખી છે. બાળકને છાતી સરસું ચાંપીને તેનું વ્હાલથી જતન કરનારી મા, ભરણપોષણ માટે દોડાદોડ કરતા પિતાજી અને કાળજી રાખનાર પરિવાર. તેના વિકાસ સાથે તાલમેલ જાળવીને યોગ્ય માર્ગદર્શકોની વ્યવસ્થા પરમાત્માએ કરી રાખી છે.
જરૂરિયાત પૂરી થાય પરંતુ અમર્યાદિત અપેક્ષાઓ પૂરી થતી નથી. તેથી સંતો-મહંતો, જ્ઞાનીજનો આપણને અપેક્ષાઓ ઓછી કરવાની સલાહ આપે છે. આ પ્રકારનો બોધ આપે તે માટે સત્ સાહિત્યનું આકલન કર્યું છે. આપણે જાગૃત રહીને સારું જ્ઞાન મેળવવાનું છે તેને સ્વાધ્યાય કહે છે.
સ્વાધ્યાય કરવો એટલે અધ્યયન કરવું. અભ્યાસ કરવો. સાચું જ્ઞાન મેળવવા મથામણ કરતા રહેવું. તેથી ઋષિઓએ સૂત્ર આપ્યું છે : સ્વાધ્યાયન્મા પ્રમદિતવ્યમ્ ।
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


