- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
- સિદ્ધિ કે લબ્ધિનો પ્રયોગ અનિવાર્ય સંજોગોમાં કુદરતી આફત વખતે જીવસૃષ્ટિની રક્ષા માટે કે અન્યની અસહ્ય પીડા દૂર કરવા કે મરણાન્તિક ઉપસર્ગને ખાળવા માટે જ કરે છે
અધ્યાત્મ સાધનામાં આગળ વધવા માટે આપણે પ્રાર્થના કરવાની છે કે, 'હે પ્રભુ ! મારી કાયાની સ્થિરતા અને મનની એકાગ્રતામાં મને સહાય કરજો.'
અનુભવીજન કહે છે કે, જ્યા ંસુધી શરીર સ્થિર અને મન એકાગ્ર ન થાય ત્યાં સુધી અધ્યાત્મ પરિપકવતાના માર્ગે પ્રગતિ થઈ શકતી નથી.
એક મિત્ર રસ્તામાં મળી ગયા. એમને પૂછયું, 'હમણાં ખાસ્સા સમયથી દેખાતા નથી ? પે'લાં તો તમારા પ્રમુખસ્થાને વર્ષમાં બે-ત્રણ પ્રવચનમાળા થતી. હવે તો એ વ્યાખ્યાનમાળામાં પણ તમે દેખાતા નથી.'
'દોસ્ત, પ્રમુખસ્થાન ઘણાં વર્ષ નિભાવ્યું. ગુરૂકૃપાએ હવે અંતર્મુખ થવાના ભાવ જાગ્યા છે.' એમના આ જવાબે મારામાં ચિંતનની ચિનગારી ચાંપી દીધી.
અનંત સંસારના આ પરિભ્રમણને કારણે આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. ઇન્દ્રિયો અને મનમાં નિરંતર ઊઠતી અનેકવિધ વૃત્તિઓ ઉછાળા માર્યા કરે છે. મન અને ઇન્દ્રિયો સતત બાહ્ય વિષયોમાં ભટકે છે. આ ઉછાળા શાંત પડે તો અંતર્મુખી થવાય છે. અંતર્મુખતા ચિત્તની એકાગ્રતા અને શુદ્ધિમાં મદદ કરે છે. અશાંત મન સ્થૂળ તરફ, ઇન્દ્રિયો, પુદ્ગલ-સ્થૂળમાં સુખ શોધે છે. શાંત અને એકાગ્ર ચિત્તધારા સૂક્ષ્મ તરફ વહ્યા કરે છે. સૂક્ષ્મતા આત્મમાર્ગની યાત્રાનું એકમાત્ર પ્રયોજન છે.
ગિરનારની યાત્રામાં એક સ્થળે ઝીણાબાવાની મઢી છે. જાણવા મળ્યું છે કે, એક સાધુબાવા અહીં સાધના કરતા હતા. બીજા એક પ્રદેશથી ગિરનારની યાત્રાએ આવેલ સાધુબાવાના એક સમૂહને જાણવા મળ્યું કે, આ સાધુને સિદ્ધિ વરેલી છે, એટલે તેઓ જિજ્ઞાસાથી તે સાધુને મળવા આવ્યા. સાધુસમૂહના મુખીએ પૂછયું કે, 'આટલા વર્ષની સાધનાના ફળરૂપે તમને શું સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?'
'કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા હું સાધના કરતો નથી. આ સાધના દ્વારા હું આત્માની નજીક પહોંચવાનો પુરુષાર્થ કરું છું અને તે ચાલુ છે.' એટલું કહેતાં સાધકબાવાનો દેહ નાનો થઈ ગયો. જોતજોતામાં એનું શરીર એટલું ઝીણું થઈ ગયું કે મુખીબાબાના હાથમાં રહેલી ચલમના એક મુખમાં તે પ્રવેશી ગયા અને બીજા મુખમાંથી બહાર નીકળી ગયા અને ક્ષણોમાં તે હતા તેવા જ કદાવર સ્વરૂપના બની ગયા ! સાધુબાવાનું વૃંદ સ્તબ્ધ બની ગયું અને તેમણે આ સાધુબાવાને ઉદ્દેશીને હર્ષાવેશમાં એકઅવાજે 'ઝીણાબાવાની જે' કહી ગિરિપર્વતના વાયુમંડળમાં ઝીણાબાવાના જયજયકારનો નાદ ગુંજતો કરી દીધો.
ઝીણાબાવાએ સાધુઓના વૃંદને સંબોધીને કહ્યું કે, 'આપણે કોઈ પણ સાધના માત્ર લબ્ધિની પ્રાપ્તિના ઉદ્દેશથી કરવાનો નથી. સાધના તો માત્ર આત્મોત્થાન માટે જ કરવાની છે.
જ્ઞાનીઓ લબ્ધિ દિશા-દર્શનની ગહન વાત કરે છે. લબ્ધિ તો સાધનાથી સહજ પ્રાપ્ત થાય છે, પણ સાચા સંતો અને લબ્ધિનો ઉપયોગ પોતાની પ્રસિદ્ધિ માટે કે ચમત્કારી છે એ માટે નથી કરતા જેથી મારા પ્રયોગનો ઉદ્દેશ નિષ્કામભાવે એકાંતમાં આપ સૌને સાધના કરવાની પાવન પ્રેરણા માટેનો જ માત્ર છે.
સંતો કદી નિજી સ્વાર્થ માટે સિદ્ધિ કે લબ્ધિનો ઉપયોગ કરતા નથી. સિદ્ધિ કે લબ્ધિનો પ્રયોગ અનિવાર્ય સંજોગોમાં કુદરતી આફત વખતે જીવસૃષ્ટિની રક્ષા માટે કે અન્યની અસહ્ય પીડા દૂર કરવા કે મરણાન્તિક ઉપસર્ગને ખાળવા માટે જ કરે છે. કટોકટીના સમયે સ્ત્રીના શિયળની રક્ષા, શાસન કે ધર્મની રક્ષા કરવા માટે જ સંતો લબ્ધિનો ઉપયોગ કરતા હોય છે.
આપણે જાણતા નથી આ દંતકથા કે ઉપનયકથા પણ હોઈ શકે, પરંતુ 'ઝીણા' થવામાં સૂક્ષ્મતાની વાત અભિપ્રેત છે. બુદ્ધિ સ્થૂળનો પણ વિચાર કરી શકે. કોઈક વસ્તુની પ્રાપ્તિ માટે બુદ્ધિ વ્યભિચારી પણ બની શકે. અંતર્મુખતા અને ચિત્તની એકાગ્રતા બુદ્ધિનું પ્રજ્ઞામાં પરિણમન કરાવશે. પ્રજ્ઞાની પવિત્રતા સૂક્ષ્મમાં જશે અને તે આત્મમાર્ગની દ્યોતક બનશે.


