મનના નિગ્રહ માટે અભ્યાસ અને વૈરાગ્ય
માણસના મનની તમામ પ્રકારની વૃતિ અને વિચારનો નિરોધ કરવો તેને જ યોગ કહેવામાં આવે છે, યોગનો અર્થ છે જોડાવું એટલે કે પોતાની પરમ ચેતના સાથે જાગૃતતા પૂર્વક જોડાવું એટલે કે આત્મ તત્વમાં સ્થિર થવું તેનું નામ યોગ, અને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જ મનની તમામ પ્રકારની વૃત્તિઓ અને વિચારનો નિરોધ કરી મનને અક્રિય કરવું તેનું નામ નિગ્રહ..
અભ્યાસ એટલે નિરંતર આંતર સ્વાધ્યાય કરવો એટલે કે સ્વનો અભ્યાસ કરવો, એટલે કે પોતાની પરમ ચેતનાને જાણીને તેમાં જાગૃતતા પૂર્વક સ્થીર થવું તેનું નામ સ્વ અભ્યાસ..
વૈરાગ્ય એટલે ત્યાગ અને ભોગ બન્નેથી ઉપર ઉઠીને એટલે કે બન્નેની પારની અવસ્થામાં સ્થિર થઈને જાગૃતિપૂર્વક અસંગ અને અલિપ્ત થઈને રહેવું તેનું નામ વૈરાગ્ય છે.
જ્યારે માણસ અભ્યાસ અને વૈરાગ્યમાં જાગૃતિ પૂર્વક સ્થિર અને બન્નેમાં પારંગતતા પ્રાપ્ત કરે છે, અને જીવનમાં જાગૃતિ પૂર્વક બન્નેનું શુદ્ધ બુદ્ધિથી અનુસરણ, આચરણ કરે છે, ત્યારે જ મનનો નિગ્રહ શક્ય બને છે, એટલે કે મન અક્રિય થઈ શકે છે. એટલે કે મનની તમામ વૃત્તિઓ, વિચાર અને તેના રસો કાબુમાં આવે છે.
એકલા અભ્યાસથી કે એકલા વૈરાગ્યથી મનનો નિગ્રહ કે અક્રીયતા શક્ય બનતી જ નથી, એટલે મનના નિગ્રહ અને અક્રીયતા માટે વૈરાગ્ય અને અભ્યાસ બન્નેની આવશ્યકતા પડે જ છે.
વૈરાગ્યથી સાધકની બહિર્મુર્ખતા હોય છે, તેમાં પરિવર્તન થાય છે, અને અંતર્મુખમાં સ્થિર થાય છે, આમ મનના નિગ્રહ અને અક્રીયતા માટે અંતરમૂર્ખતાની સ્થિતિ આવશ્યક અને જરૂરી છે. જેથી મનનો પ્રવાહ અંદર વહેવા માડે, તે નિગ્રહ માટે જરુરી છે.
આંતરિક અભ્યાસ એટલે કે સ્વનો અભ્યાસ એટલે સ્વાધ્યાય. આમ સ્વ અભ્યાસ અને સ્વાધ્યાય દ્વારા આત્મભિમુખ સાધક બની જાય છે, અને તેથી, પરમ ચેતનામાં સ્થિર થઈ જાય છે. જેથી મનનો નિગ્રહ શક્ય બને છે, અને મનનો આખો પ્રવાહ અંદર વહેવા માંડે છે, જે નીગ્રહ માટે આવશ્યક છે.
આમ વૈરાગ્ય અને અભ્યાસથી સાધક પોતાના આત્માની જાગૃતતામાં સ્થિત થઈ. આત્માને જાણી પોતાની પરમ ચેતનામાં જાગૃતિ પૂર્વક સ્થિર થાય છે, જેથી સાધક આંતરિક પ્રવાહમાં સ્થીર થાય છે, જેથી મનનો નિગ્રહ અને અક્રીયતા ફલિત થાય છે.
આમ મનની વૃત્તિઓ અને તેના રસોનાં પ્રવાહને આત્માં તરફ વાળવા એનું નામ મન નિગ્રહ છે, આમ મનની આત્મામાં સ્થિરતા એ જ મનનો નિગ્રહ છે.
માણસનું ચિત્ત નદી જેવું છે. જેમાં વૃત્તિઓ અને વિચારનો પ્રવાહ નિરંતર વહેતો જ રહે છે, એની બે ધારાઓ છે, એક ધારા સંસારની તરફ વહે છે અને બીજી આંતરિક કલ્યાણની ધારા આત્મા તરફ વહે છે, સંસાર તરફ વહેતી ધારા સુખ અને દુખ પ્રદાન કરે છે. જ્યારે આંતરિક કલ્યાણ એટલે કે આત્મા તરફ વહેતી ધારા પરમ શાંતિ, પરમ આનંદ અને અમૃત પ્રદાન કરે છે.
જ્યાં સત્ય સાથે છે, ત્યાં શાંતિ જ છે, તે આ જગતનો શાશ્વત સિધ્ધાંત છે, એટલે કે જ્યાં સત્ય સ્વરૂપ આચરણ હશે ત્યા અમૃત રુપ જ જીવન હશે, આ સત્ય એટલે પોતાના આત્માનું સત્ય, બીજાનું સત્ય હરગીજ નહીં.
જો આપણે આપણા જીવનમાં આત્મસ્થ થઈને પરમ ચેતનામાં સ્થિર થઈને જાગૃતિ પૂર્વક આત્માનો અવાજ સાંભળીને તે પ્રમાણે જ જીવનમાં વ્યવહાર આચરણ કર્મ, કાર્ય જ કરીએ તો જીવનમાં કોઈ મુશ્કેલી આવે જ નહીં, ને આપણા સુખ અને શાંતિમાં કદી ભંગ થાય જ નહીં, કારણકે આત્મા એજ સત્ય છે, સત્ય એ જ પરમાત્મા છે, અને આત્મા એજ પરમાત્મા છે. માટે આત્માનો અવાજ સત્યનો જ અવાજ હોય છે,અને સત્યનો રસ્તો કદી દુ:ખ દાયક હોય શકે જ નહીં, તે આ જગતનો શાશ્વત સિધ્ધાંત છે.
આપણા જીવનમાં જેમ જેમ સદઅભ્યાસ, સદવર્તન, સદ્દવ્યવહાર અને સદ આચરણ અને વિવેકમાં સ્થિર થઈશું તેમ તેમ આપણું મન આંતરિક રીતે રૂપાંતરિત થતું જ જશે, અને મનની સ્થિરતા પ્રસ્થાપિત થશે. અને મન શુદ્ધ થશે, એજ જીવનની સિદ્ધિ બની રહેશે.
એટલે જ સ્વ અભ્યાસની સાથે વૈરાગ્યને સાથે રાખવામાં આવેલ છ, તે માત્રને માત્ર જે મનની દોડ અને ચચળતા છે, તે રોકવાના કામમાં આવે છે, આપણે જાણીએ જ છીએ કે રાગ આસક્તિ મોહ કામના વાસના તૃષ્ણા અને ઇચ્છા વગેરેથી મન ચંચળ થાય છે.
જ્યારે આપણે વૈરાગ્યમાં સ્થિર હોઈએ છીએ ત્યારે અસંગ અને અલિપ્તતા ધારણ કરેલ હોય છે. એટલે એ અવસ્થામાં અનાસક્ત ભાવ, સાક્ષી ભાવ, સમતા, ઇચ્છા રહિતતા વગેરે આપો આપ આવી જ જતા હોય છે. આ બધા જ અલિપ્તતા અને અસંગતાનાં ફળો છે, એટલે મન સ્થિર થઈ જ જાય છે. એટલે જ વૈરાગ્યનું મહત્ત્વ છે, જ્યાં સુધી માણસના મનમાં કાંઈ પણ પ્રાપ્ત કરવાની લાલસા છે કામના છે, ત્યાં સુધી મન સ્થિર થઈ શક્તું જ નથી, તે ચચળ જ બની રહેશે.
વૈરાગ્યએ એવી અવસ્થા છે જેમાં પુરેપુરી અસંગતતા અને અલિપ્તતા હોય છે, જેથી લોલુપતા આસક્તિ અને તૃષ્ણા મનમાં રહેવા પામતી નથી, આમ લોકીક કે અલોકિક વિષયોમાં તૃષ્ણા ન હોવી તેનું નામ જ વૈરાગ્ય છે. ત્યાં મનની સ્થિરતા શુદ્ધતા અને સાત્વિકતા હોવાની જ.
આમ મનના નિગ્રહ માટે, વૈરાગ્ય અને અભ્યાસ આવશ્યક છે. આ બન્નેની જોડી દ્વારા જ મનનો નીગ્રહ શક્ય બને છે, અને જેમનું મન શુદ્ધ, સ્થિર સાત્વિક તેનું સમગ્ર જીવન અમૃત મય.. ચાલો આપણે અમૃત મય જીવન જીવવા માટે સત્ય સ્વરૂપ, વૈરાગ્ય અને સ્વભ્યાસમાં સ્થિર થઈને અમૃતરૂપ જીવન જીવીએ.
- તત્વચિંતક વી પટેલ