ન વી આશા, નવી આકાંક્ષા-અભિલાષા, આનંદ અને ઉમંગ સાથે નૂતન વર્ષ આપના સૌના આંગણે પ્રવેશ માટે આતુર છે - વિક્રમ સંવત ૨૦૭૯ વિતેલ વર્ષ કેવું બની રહ્યું તેનો હિસાબ નથી, સરવૈયું નથી પણ આગંતુક નવા વર્ષના રાબેતા મુજબના વૈવિધ્યસભર દૃઢ સંકલ્પો નિર્ધારિત છે. આ વર્ષથી મક્કમપણે નિર્ધાર કર્યો છે - "ઈર્ષ્યા કરવી નહીં - અહમ્ રાખવો નહીં." કુભાવ-દુભાવ-ધૃણા-તિરસ્કાર, અપમાન-અણગમો જેવા દુર્ગુણો પ્રત્યે સજાગ રહી મનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિના અધ્યાત્મભાવે અને સમજણે આવી વૃત્તિઓને ક્રમશઃ કૂણી પાડવી છે, મોળી પાડવી છે જેથી શાંત-સૌમ્ય અને આનંદમય જીવનયાત્રા ગતિમાન બને જ્યાં જીવન જીવવાની શ્રેષ્ઠ ગુણવત્તાની હાજરી હોય ! નૂતન વર્ષથી નક્કી કર્યું છે - રોજબરોજના સંવાદ-વાર્તાલાપ-વ્યવહારમાં નમ્રતા, સરળતા, સહજતા અને સૌમ્યતાને પ્રાધાન્ય આપવું તેમજ આળસ-પ્રમાદ-મત્સરને તિલાંજલી આપી પરિશ્રમી, ઉદ્યમી, કાર્યશીલ અને ઉમદા ઉત્સાહભર્યું જીવન જીવવું. જીવનસમયની દરેક પળ-ક્ષણને સાચવવાની છે જેથી નિર્ધારિત મહેચ્છા-મનોકામના સિદ્ધ થાય. વિશેષ નૂતન વર્ષના મંગલ, પ્રભાતથી નક્કી કર્યું છે - "કાર્ય સતત કરવું, કાર્ય સમયસર કરવું અને શ્રેષ્ઠ કાર્ય કરવા અથાક પ્રયત્નો કરવા." નૂતન વર્ષથી સર્વધર્મ આદર સન્માન રાખવો છે. મૈત્રીભાવનો મહાવરો કેળવી સદૈવ દિવ્ય શાંતિ, સમાધાનકારી ઉદારતા અને સાત્વિક સંતોષ સાથેની કાર્યશૈલી-જીવનશૈલી બની રહે ! અન્યમાં મૌન-ક્ષમા-સહિષ્ણુતા સાથેની સદ્ભાવનાને કેળવી વાણી-વ્યવહારને માધુર્યમય મીઠાશથી ભરી દેવાનો આ વર્ષનો મંગલમય ઉચ્ચ કોટિનો સંકલ્પ છે. ખાસ નોંધપાત્ર સંકલ્પ રજૂ કરું તો - આપણે સૌ જાણે-અજાણે સંઘર્ષમય-ઘર્ષણયુક્ત વ્યર્થ નિરર્થક વૃત્તિઓ-પ્રવૃત્તિઓમાં રચ્યા-પચ્યા રહી ગજબની ઉર્જા-શક્તિ-સમયનો વેડફાડ કરીએ છીએ તે તરફ સભાનતા કેળવી સમય-શક્તિનો નાશ ટાળવો છે.
આવો નૂતન વર્ષથી આપણે સૌ હૃદયમંદિરમાં સૌ પ્રત્યે મૃદુતા અને કોમળતાની વૃદ્ધિ-અભિવૃદ્ધિ કરીએ, સમૂહમાં પ્રેમભર્યા-આદર-સન્માન સાથે સ્વસ્થ અને ઉદાર જીવન જીવીએ સાથે સાથે કોઈ વ્યક્તિપાત્રની નિંદાત્મક- કડવી વાતો-વાણી-સંવાદોનો પ્રતિભાવ ક્ષમાભાવે સ્મિતપૂર્વક ઉત્તમ વાણીએ આપીએ. કોઈને કદી લેશમાત્ર દુઃખ, વ્યથા, હાનિ ન પહોંચાડીએ તેમજ અન્યના દુઃખદર્દને સમજી મદદરૂપ થવા પ્રયાસ કરીએ જેથી જીવનયાત્રાની ખરી ધન્યતા-સાર્થક્તા ઉદ્ભવે. સદવિચાર-સત્સંગ-શુભચિંતન સાથે દાનપ્રીતિ, સેવાપ્રીતિ, સત્યપ્રીતિ અને પ્રેમપ્રીતિ જેવા શુભભાવોમાં અભિવૃદ્ધિ કરીએ અને આનંદસ્વરૂપ જીવનના સાક્ષી બનીએ. આગંતુક નૂતન વર્ષથી નીતિમતા અને પારદર્શક પ્રમાણિક્તાને સાથે રાખવા છે. હવેના સમયમાં ઉર્જા સ્વરૂપ રચનાત્મક્તા, સર્જનાત્મક્તા અને પ્રમાણિક્તાનો સંનિષ્ઠ પ્રયાસ કરવો છે. આવો આપણે સૌ નૂતન વર્ષના શુભ પ્રભાતથી આનંદમાં રહીએ, આનંદ આપીએ - સ્મિત સ્નેહ ફેલાવી જીવનને ધન્ય, સાર્થક અને જ્યોતિર્મય દિવ્યતા-ભવ્યતા ભરી આપણાં સ્વયં પ્રયાસે આપણા જીવનના શ્રેષ્ઠ ઘડવૈયા બનીએ. સૌનું શુભ થાઓ - મંગલમય થાઓ તેવા હૃદયમંદિરના ભાવ સાથે ! શુભમ્ ભવતુ.
- કમલેશ હરિપ્રસાદ દવે


