આધ્યાત્મ વિચારસરણીને વરેલી ભારત-રાષ્ટ્રની પવિત્રભૂમિમાં કથાવાંચન ભાગવત ગીતા નારાયણ શ્રવણ તેમજ જૈન ગ્રંથો, ધર્મ પુસ્તકોનું પ્રવચનો-ઉપદેશો-વ્યાખ્યાનો સ્વરૂપે વાંચન-શ્રવણનું આસ્તિક અને ધર્મપ્રેમી માનવીમાં મહત્ત્વ રહ્યું છે. કથા પારાયણ-પ્રવચનો એ વર્ષોવર્ષથી હરહંમેશ આધ્યાત્મ જગતનો હિસ્સો બનતું રહ્યું છે. અહીં સંતો-આચાર્યો મુનિ ભગવંતોના પ્રવચનો, ઉપદેશો અને વ્યાખ્યાનોનો વિશેષ મહિમા અને ઉપયોગિતા રહ્યા છે. વિદ્વાન-ગુણીજ્ઞાની સંતો ભગવંતો-સાધ્વીજી મુનિ મહારાજાઓનાં માર્મિક, અર્થસભર અને ગુણાત્મક પ્રવચનો શ્રોતા-જનો માટે કેળવણી-સંસ્કાર-શિક્ષા અને સંસારી સમજણના પ્રેરણાસ્તોત્રો બની રહે છે.
કથા સમયનાં ધર્મપાઠો તેમજ પ્રભુનું ભજન સ્વરૂપે શ્રવણ માનવીને આનંદ-શાંતિ અને પ્રસન્નતા આપે છે. માનવીનાં મન-હ્ય્દયને નિર્મળ પવિત્ર કરે છે. કથાકારો-વ્યાખ્યાનકારો દ્વારા અપાતું કર્ણપ્રિય શ્રવણ શ્રોતાઓ માટે શાંતિદાતા બની રહે છે. આ કર્ણપ્રિય બોધપાઠભર્યા વ્યાખ્યાનો તેનો મર્મ માનવીની અધ્યાત્મ ઉર્જાની વૃધ્ધિ અને અધ્યાત્મ જ્ઞાનની ઉન્નતિ કરે છે. કથા વાંચન-શ્રમણ અને તદ્દપશ્ચાતની સમજણની ફળશ્રુતિરૂપે ધર્મપ્રેમી માનવીના ક્રમશ: તામસી દુર્ગુણોનું દહન થતાં-કૂણાં પડતાં સાત્વિકભાવે કે સાત્વિક સમજ જાણકારી ઉદ્દભવે છે. ઉદય પામે છે. કથાપારાયણના સમયે જ્ઞાનસંપન્ન આચાર્યો-ભગવંતો-પંડિતો દ્વારા શ્રોતાભક્તો-શ્રાવકવૃંદો તેમજ સૌ સત્સંગીઓને જ્ઞાનરસ, પ્રેમભક્તિ રસ અને ધર્મ સંબંધી અમૃતરસનું પાન કરાય છે અહીં ધર્મજ્ઞાન-ધર્મવિદ્યાની વહેંચણી થાય છે જે માનવીને જ્ઞાની-ગુણી-શીક્ષિત, સંસ્કારી અને જીવનઘડવૈયા બનાવે છે. વિશેષ કથાશ્રવણે વિકારો-તૃષ્ણાઓ-ઈચ્છાઓ અને વ્યથા વિષાદ બળે, કૂણાં પડે - ક્રમશ: ધીમે ધીમે શમન થતાં માનવચિત્ત શુધ્ધિ અને આંતરશુધ્ધિ એ શાંતિ-શાતા-આત્મવિશ્વાસ, શ્રધ્ધા-આસ્થા અને પવિત્રતાનો સૂર્યોદય થાય. જ્યારે તમે કથાશ્રવણ કરો છો ત્યારે તમારા કાન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ તમારા હ્ય્દયમાં આવે છે. મન શાંતિ, નિર્મળ અને શુધ્ધ થઈ જાય છે ત્યારે ભગવાનમાં ભક્તિ, અનુરાગ અને પ્રેમ, ઉત્પન્ન થાય છે, ભક્તિ-પ્રભુપ્રીતિ અને ધર્મભાવસેતનું સર્જન અને નિર્માણ થાય છે.
મંદિરો-દેવાલયો કે દેરાસરો માનવીને નયન દ્વારા આંખો દ્વારા પ્રભુદર્શન કરાવે, પ્રભુનું સુંદરસ્વરૂપ બતાવે જ્યારે કથા વ્યાખ્યાનો-પ્રવચન પારાયણ શ્રેણીઓ એ કાન દ્વારા, કર્ણ દ્વારા પ્રભુનું સ્વરૂપનું શ્રવણ, ભજન કીર્તન દ્વારા અધ્યાત્મ ઉન્નતિની પાઠશાળા બની રહે જ. તેથી - ''કથાપારાયણ-ભાગવત સપ્તાહ''નું આયોજનનું સવિશેષ આગવું મહત્ત્વ રહ્યું છે :
- કમલેશ હરિપ્રસાદ દવે


