Get The App

નવા વરસની શરૂઆત શુભ સંકલ્પથી

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
નવા વરસની શરૂઆત શુભ સંકલ્પથી 1 - image

- માતાના આગ્રહથી ગુરૂકૂળ અભ્યાસી એક બાળકનો હાથ જોઈ જ્યોતિષીએ કહ્યું, 'તારી હસ્તરેખાઓ સારી છે તું જીવનમાં સમૃધ્ધિ અને કીર્તિ મેળવીશ. પણ...' 'પણ શું?'

બૃહદેવતામાં સંકલ્પ બળની એક કથા આવે છે. મહર્ષિ અત્રિના પુત્ર અર્ચનાના યજ્ઞા કરવા દાર્ભ્ય નામની રાજધાનીમાં પધાર્યા હતા. યજ્ઞાકુંડમાં વૈદિક-મંત્રોથી આહુતિ આપતી હતી. ત્યાંનું વાતાવરણ પવિત્ર થઈ રહ્યું હતું. યજ્ઞાવેદી પાસે મહારાજ રથવીતિ, તેમનાં મહારાણી અને રાજકુંવારી મનોરમા આસન પર બેઠાં હતાં. ઋષિ અર્ચનાનાની નજર હરતી ફરતી રાજકુંવરી પર સ્થિર થતી હતી. આસન પર બેઠેલી કુંવરી સુકોમળ, સુશોભિત, લાવણ્યમયી, આકર્ષક લાગતી હતી. ઋષિને વેદવેદાંગ પારંહત પોતાના પુત્ર શ્યાવાશ્ચ માટે આ યૌવના યોગ્ય લાગી. યજ્ઞાવિધિ સંપૂર્ણ થઈ. સૌએ શ્રદ્ધા અને ભક્તિથી પ્રસાદ ગ્રહણ કર્યો. ઋષિએ મહારાજ આગળ પ્રસ્તાવ મૂક્યો. 'મહારાજ, આપ મને અને મારા ગુરૂપિતા અત્રિને જાણો છો. હું મારી પુત્રવધૂના રૂપે આપની કન્યાની યાચના કરૃં છું. ત્યાં પધારેલ મહેમાનો અને ઋષિગણો આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયાં. રાજકુંવરી મનોરમાએ નજર ઊેંચી કરી સામે બેઠેલા ઋષિકુમાર શ્યાવાશ્વ સામે જોયું. જાણે સંકેત કરતી હોય કે હું આપની સાથે લગ્નગ્રંથિથી જોડાવા ઉત્સુક છું. આ સંકેત સૂચક વાત રાજાના ધ્યાનમાં આવી. રાજાએ કહ્યું, 'મહર્ષિ અત્રિના આશ્રમમમાં મારી દીકરી નિવાસ કરે એનાથી મોટું અહોભાગ્ય બીજું કયું હોઈ શકે!'  પણ મહારાણીએ આ પ્રસ્તાવ અસ્વીકાર કર્યો. યજ્ઞામંડળમાં સોપો પડી ગયો. 'મહર્ષિ, અમે ઉચ્ચ રાજવંશીકુળના છીએ. અમે ઋષિપદ પ્રાપ્ત કરેલા મંત્રદર્શી ઋષિને જ અમારી કન્યા સોંપીશું. ભારેખમ શાંતિ છવાઈ ગઈ. બધા એકબીજાને જોતા જ રહ્યા. શ્યાવાશ્ચ સ્થાન પરથી ઉભો થયો. ઋષિ પિતા અર્ચનાનાને ચરણસ્પર્શ કરી પોતાનો ઉદ્દેશ જાહેર કર્યો. પિતાજી આ પવિત્રસ્થળે સંકલ્પ લઉં છું. હું આપના આશીર્વાદથી આપણી કુળ-યોગ્યતા સિધ્ધ કરી ઋષિપદ પ્રાપ્ત કરીશ. મારા માટે રાજકન્યા કરતાં ઋષિપદ અધિક મહત્વનું છે. જ્યાં સુધી ઋષિપદ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરૃં !!' સૌને નમન કરી શ્યાવાશ્વ ત્યાંથી વિદાય થયો.

ઋષિપદ પ્રાપ્ત કરવું એક તપ હતું. તેણે સાધના શરૂ કરી. કેટલીયે ઋતુઓ પસાર થઈ પણ શ્યાવાશ્વ અડગ રહ્યો. શરીર કંતાવા લાગ્યું. આંખો ઊંડી ઉતરી ગઈ. છેવટે તેની અખંડ સાધના અને એક નિષ્ઠાથી પ્રસન્ન થઈ રૂદ્રપુત્ર મરૂદગણોએ રૂકમમાળા આપી. મંત્રદીક્ષા આપી. ગુરૂકૃપાથી તેને મંત્રદર્શી ઋષિપદ પ્રાપ્ત થયું. સૌએ તેનો સત્કાર કર્યો. રાજકુંવરી મનોરમા સાથે લગ્ન થયાં. આગળ જતાં શ્યાવાશ્ચ વેદપિતા અને મનોરમા વેદમાતા બન્યાં.

સંકલ્પ એટલે પોતાની જાતને એક નિશ્ચિત કાર્ય પૂરૃં કરવા અપાતી ખાત્રી. અતૂટ વચન, લોખંડી પ્રતિજ્ઞાા. જીીઙ્મક ઙ્ઘીંીદ્બિૈહટ્વંર્ૈહ - આત્મ નિર્ણય. મોટે ભાગે આપણે શરીરની ઇચ્છા મુજબ જીવીએ છીએ. શરીરની સ્પર્શ, ગંધ, સ્વાદ, ધ્વનિ કે દૃશ્યની લોલુપ માગણીઓ પૂરી કરી સુખ ભોગવીએ છીએ. પણ જ્યારે સંકલ્પ લેવાય છે ત્યારે સમજાય છે કે શરીરથી ઉપર પણ એક અલૌકિક તાકાત આપણને મળેલી છે. ટી.વી. જોવાની ઇચ્છા થાય એટલે શરીર કહેશે. મારે મારી ગમતી ચેનલ જોવી છે. હમણાંને હમણાં પણ મન કહેશે- ના. હમણા નહિ ! અત્યારે ટી.વી. જોવાની રજા નહિ મળે ! ઇન્દ્રિયો બળવો કરશે. પડકાર ફેંકશે, જીદ કરશે. પણ જો સંકલ્પ શક્તિ આંખો કાઢીને ધમકાવીને હોઠ પર આંગળી મૂકીને ચૂપ કરાવશે તો ઇન્દ્રિયો રોકાઈ જશે. સંકોચાઈને કોકડી વળી જશે. શાંત થઈ જશે. ફરી માગણી નહિ કરે. આમ સંકલ્પ એટલે શરીર સિવાયની અલૌકિક શક્તિનો અનુભવ. સ્વયંની હાજરીનો અનુભવ માણસનું મન એની અણ ચૈતન્ય શક્તિની ગંગોત્રી છે.

માતાના આગ્રહથી ગુરૂકૂળ અભ્યાસી એક બાળકનો હાથ જોઈ જ્યોતિષીએ કહ્યું, 'તારી હસ્તરેખાઓ સારી છે તું જીવનમાં સમૃધ્ધિ અને કીર્તિ મેળવીશ. પણ...' 'પણ શું?' છોકરાએ પૂછયું, 'તારી આ જ્ઞાાનની, વિદ્યાની રેખા ટૂંકી છે. તું વિદ્યાવાન નહિ થઈ શકે !' છોકરો ઘરમાં જઈ છરી લઈ આવ્યો. 'બોલો ક્યાં છે એ રેખા ?' જ્યોતિષીએ એ અધૂરી રેખા બતાવી. છોકરાએ તરત ત્યાં ચીરો પાડી નવી રેખા બનાવી દીધી. આ તેનું ગાંડપણ નહોતું. દૃઢ મનોબળ હતું. એની સંકલ્પશક્તિથી એ છોકરો આગળ જતાં સંસ્કૃતનો વિદ્વાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનિના નામે પ્રસિધ્ધ થયો. સંકલ્પ બે પ્રકારના હોય છે. શુભ અને અશુભ. કંસ રાવણ. દુર્યોધન, હિટલર કે મુસોલિનીના મનસૂબા વિનાશક હોય છે. લિંકન, ગાંધી, બુધ્ધ, મહાવીર કે ધર્મસંસ્થાપનાર્થાય કહી કૃષ્ણની જેમ પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાની પ્રતિજ્ઞાા સુખદાયી અને ઉધ્ધારક હોય છે. સંકલ્પનો અર્થ જ એ કે હવે બીજા વિકલ્પો નહિ જ.

જાપાનમાં એક સંત થઈ ગયા. 'તેપ્સુજેન' સંતની ઇચ્છા હતી કે બૌધ્ધ સૂત્ર ગ્રંથનો જાપાની ભાષામાં અનુવાદ કરી પ્રસિધ્ધ કરવો. તે વખતે જાપાની ભાષાના બ્લોકો બનાવવા પૈસાની જરૂર પડી.

સંત ગામે ગામ ફરી ફંડ ભેગું કરવા લાગ્યા. ચાર વરસ વીતી ગયાં. એ વખતે જાપાનની પ્રસિધ્ધ નદી યૂજી માં અચાનક પૂર આવ્યું. તેપ્સુજેને જે ફંડ ભેગું કર્યું હતું તે પૂરમાં સપડાયેલા લોકોની સેવા કરવામાં વપરાઈ ગયું. સંતનો સંકલ્પ અડીખમ હતો. તેમણે ફરી ફંડ ભેગું કરવાની શરૂઆત કરી. પાંચેક વર્ષ થયાં ત્યાં જાપાનમાં કોલેરા જેવો ચેપી રોગ ફેલાઈ ગયો. પરોપકારી સંતે ભેગું કરેલું ફંડ દર્દીઓની સેવામાં વાપરી નાખ્યું. છેવટે અઢાર વર્ષો બાદ જાપાની ભાષાના બ્લોક બની શક્યા. સૂત્રગ્રંથ, પ્રસિધ્ધ થયો. જો કે ગ્રંથ પ્રથમ વખત જ પ્રસિધ્ધ થયો હતો પણ તેમાં નોંધ હતી- ત્રીજી આવૃતિ.

નિર્ણય લીધા પછી એને પાળવામાં મક્કમ રહેવાની પણ એક મઝા છે. સંકલ્પનો રેશમી ધાગો બાંધ્યા પછી ના એ તોડાય છે. ના એ છોડાય છે. પૈસા, પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, ભક્તિ કે પ્રેમ, કંઈક જોઈતું હોય તો શુભ સંકલ્પ લેવો પડે છે. આળસ અને વિકારો ત્યજવા પડે છે. ભાગ્યના ભરોસે બેસી જિંદગીના સંઘર્ષો અને પડકારોનો સામનો કરવામાં પાછી પાની કરીએ તો ભીતરની ઇચ્છા શક્તિ અને પુરૂષાર્થના મહત્ત્વનું શું ? ધ્યેય નજર સમક્ષ રાખી સીધા રસ્તે આગળ વધવાથી સંકલ્પ જરૂર સિધ્ધ થાય છે. શતરંજની રમતમાં એક નાનકડું પ્યાદું પણ સીધી ચાલ ચાલે તો વજીર બની જાય છે.

- સુરેન્દ્ર શાહ