શ્રીમદ્ રાજચન્દ્રના વચનામૃત-વિવેચન .
એવી રીતે ગોપાંગનાઓનું ચિત્ત કૃષ્ણમાં રહેતું હતું. સિદ્ધ ભગવાનની ભક્તિ કરે તો જીવને સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. દેહાધ્યાસથી છૂટવા માટે દેહધારી પરમાત્માઓમાં વૃત્તિ રહે તો બહાર ખસે નહીં. પુદ્ગલનો પ્રેમ છોડવા માટે દેહધારી પરમાત્માની ભક્તિની જરૂર છે. સિદ્ધ કરતાં અરિહંતને પહેલાં નમસ્કાર કરવાનું કારણ એ જ છે કે અરિહંતમાં વૃત્તિ સ્થિર રહી શકે છે. મહાત્મામાં લીનતા થાય તો મહાત્માનું જ્યાં મન હોય ત્યાં મન રહે. ''જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે.'' (૪૯૩) ''સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.'' (૨૫૪)
સદ્ગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એમ રહે તો પરાભક્તિ ન થાય. મન લીન થાય નહીં. સંપૂર્ણ સ્વરૂપનો લક્ષ થાય એનું મન બીજે જાય નહીં. જેમ જેમ વિચારદશા વધે તેમ તેમ વધારે ભક્તિ થાય. જેટલી સમજણ હોય તેટલું થાય. સાચી ભક્તિવાળાને દુઃખ આવે એ કસોટી છે. સોભાગભાઈને કૃપાળુદેવે લખ્યું હતું કે તમને જે કઠણાઈ છે તે કર્મ ખપવાનું કારણ છે. રાજ્ય કરવું અને ભક્તિ કરવી, એ બહુ કઠણ વાત છે, પણ જનક વિદેહીએ તે કર્યું. દુઃખ એ ભક્તિ થવાનું એક સાધન છે. જેને છૂટવું છે તે જગતની વસ્તુઓ માગે નહીં. આપણે બાંધેલું જે ઉદય આવે તેમાં ચિત્ત દેવું નહીં. ભક્તિમાં ચિત્ત રાખવું. એ તો જવાનું છે.
- અરવિંદભાઈ શાહ