Get The App

શ્રીમદ્ દેવી ભાગવતના કુલ બાર સ્કંધ છે, 318 અધ્યાય છે અને 18000 શ્લોક છે

Updated: Jan 18th, 2023

GS TEAM

Google News
Google News
શ્રીમદ્ દેવી ભાગવતના કુલ બાર સ્કંધ છે, 318 અધ્યાય છે અને 18000 શ્લોક છે 1 - image


ચા ર વેદો તો આપણે ત્યાં છે જ, પણ પુરાણ એ પાંચમો વેદ છે. આપણા અઢાર પુરાણોમાં શ્રીમદ્ દેવી ભાગવતનો ક્રમ પાંચમો વિદ્વાનો માને છે. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવતજીની રચના કરી પછી એમને વિચાર આવ્યો કે મેં ભાગવતમાં ભગવાનના ગુણ તો ગાયાં પણ ભગવતીના ગુણ ગાયા નહિં. ભગવતીને કેન્દ્રમાં રાખી ભગવાન વેદવ્યાસજીએ જ શ્રીમદ્ દેવી ભાગવતની રચના કરી. વ્યાસજીએ રચના તો કરી અને સાથે કથા પણ ભગવાન વેદવ્યાસજીએ જ કરી.  

દેવી ભાગવતના મહાત્મ્યમાં વર્ણવ્યું છે કે, 'દેવી ભાગવતમ્ તત્ર પુરાણમ્ ભોગ મોક્ષદમ્, સ્વયંતુ શ્રાવયામાસ જનમેજય ભૂપતિ.' આ દેવી ભાગવત પુરાણ એ ભૌતિક જગતનું સુખ અને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. પરિક્ષિત મહારાજના પુત્ર જનમેજયે શ્રીમદ્ દેવી ભાગવતની કથા ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદથી શ્રવણ કરી. શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણના પ્રભાવથી પરિક્ષિત મહારાજનો મોક્ષ થયો. જેવી રીતે શ્રીમદ્ ભાગવત એ પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે એવી જ રીતે શ્રીમદ્ દેવી ભાગવત પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. 

શ્રીમદ્ દેવી ભાગવતની કથા દ્વારિકામાં વસુદેવજીએ સાંભળી. શ્રીમદ્ દેવી ભાગવતના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવંતીજીને લઈ દ્વારિકામાં પધાર્યાં. શ્રીમદ્ દેવી ભાગવતમાં બ્રહ્મ અને શક્તિની એકતા બતાવી છે. જે કાલી છે એ જ કૃષ્ણ છે અને જે કૃષ્ણ છે એ જ કાલી છે. આનો જ આધાર ભક્ત કવિ વલ્લભે આનંદના ગરબામાં વર્ણવ્યો છે. 'મત્સ્ય, કત્સ્ય, વારાહ, નરસિંહ, વામન થઈ માં, અવતારો તારાય તુજ વીણ માત મઈ માં.'  પરશુરામ શ્રી રામ, રામ બની બનજે માં, બુદ્ધ, કલકી નામ દસ વીધધા બનજે માં.' આ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ વર્ણવ્યું છે કે, આપણા જેટલાં અવતારો થયાં તેમાં દરેક સ્વરૂપે 'મા' જ બીરાજમાન છે. એ જગદંબાનો મહિમા શ્રીમદ્ દેવી ભાગવતમાં વર્ણવવામાં આવ્યો છે. દેવી ભાગવતની કથાને નવ દિવસ શ્રવણ કરવી જોઈએ. આમ તો બારેય મહિના માતાજીના છે પણ, આપણે ત્યાં ચાર નવરાત્રી આવે છે. ચૈત્રી નવરાત્રી, આસો મહિનાની નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને અષાઢ માસની નવરાત્રી. આ ચાર નવરાત્રીમાં શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણનો વિશેષ મહિમા છે. 

શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણથી ક્યા ક્યા ફળની પ્રાપ્તિ થાય એનું વર્ણન મહાત્મ્યમાં કર્યું છે. 'અપુત્રો લભતે પુત્ર, દરિદ્રો ધનવાન ભવેત્, રોગી રોગા પ્રમુચ્યેત, બધ્ધો મુચ્યેત બંન્ધન:'. આ દેવી ભાગવતના શ્રવણથી જેને પુત્ર ન હોય તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે, રોગી હોય તે રોગમાંથી મુક્ત થાય અને જે બંધનમાં હોય તે બંધનમુક્ત બને છે. શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણથી ભૂત-પ્રેતાદી ના ભયથી મુક્તિ મળે છે. જે ફળ ગંગા સ્નાનથી મળે, જે ફળ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મળે, જે ફળ મથુરા અને બદ્રિનાથના દર્શનથી મળે એનાથી પણ કરોડો ગણું ફળ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણથી મળે છે. તેમાં પણ જ્યારે આસો મહિનાની નવરાત્રી હોય અને તે નવરાત્રીની આઠમ હોય અને સૂર્ય કન્યા રાશીમાં હોય એ સમયે બ્રાહ્મણને દેવી ભાગવત ગ્રંથનું દાન કરવામાં આવે તો જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે. 

શ્રીમદ્ દેવી ભાગવતના કુલ બાર સ્કંધ છે, ૩૧૮ અધ્યાય છે અને ૧૮૦૦૦ શ્લોક છે. જેમાં પ્રથમ સ્કંધના ૨૦ અધ્યાય છે, બીજા સ્કંધના ૧૨ અધ્યાય છે, ત્રીજા સ્કંધના ૩૦ અધ્યાય છે, ચોથા સ્કંધના ૨૫ અધ્યાય છે, પાંચમા સ્કંધના ૩૫ અધ્યાય છે, છઠ્ઠા સ્કંધના ૩૧ અધ્યાય છે, સાતમાં સ્કંધના ૪૦ અધ્યાય છે, આઠમા સ્કંધના ૨૪ અધ્યાય છે, નવમા સ્કંધના ૫૦ અધ્યાય છે, દસમ સ્કંધના ૧૩ અધ્યાય છે, અગિયારમા સ્કંધના ૨૪ અધ્યાય છે અને બારમા સ્કંધના ૧૪ અધ્યાય છે.

આમ, શ્રીમદ્ દેવી ભાગવત ભૌતિક જગતનું સુખ અને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. માતા જગદંબાની કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર રહે અને દેવી ભાગવત શ્રવણ કરી ભગવતીના કૃપા પાત્ર આપણે બનીએ એ જ અભ્યર્થના... અસ્તુ.

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :