શ્રીકૃષ્ણનો શાક્તતંત્ર સાથેનો સંબંધ! .
શાક્ત, શૈવ અને વૈષ્ણવ અનુયાયીઓ વચ્ચે હંમેશાથી શીતયુદ્ધ જોવા મળ્યું છે. સૌર, ગાણપત્ય, શક્તિ, શિવ અને વિષ્ણુતંત્રના અનુયાયીઓ પોતપોતાના ઈષ્ટને સર્વોપરિ માને છે અને જ્યારે અન્ય દેવતાની સત્તાને સ્વીકારવાની વાત આવે, ત્યારે એમનું મન બળવો પોકારે છે; પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે વિષ્ણુ, શિવ અને શક્તિ એકબીજાથી ભિન્ન નથી.
જન્માષ્ટમીની રાતે નંદબાબાને ત્યાં યોગમાયાનું પ્રાગટય થયું અને દેવકીનાં ખોળે શ્રીકૃષ્ણનો જન્મ થયો. ભવિષ્યવાણીને બ્રહ્મવાક્ય માનીને પોતાનું બાળક નંદબાબાને સોંપી આવ્યા પછી વસુદેવ કારાગારમાં યોગમાયાને લઈને પરત ફર્યા, ત્યારે કંસે યોગમાયાને દેવકીનું આઠમું સંતાન સમજીને તેનો વધ કરવાની કોશિશ કરી. યોગમાયાએ પોતાનું મૂળ પ્રકૃતિસ્વરૂપ ધારણ કરીને પ્રચંડ અટ્ટહાસ્ય કરતાં કહ્યું કે તારો કાળ તો જન્મ લઈ ચૂક્યો છે!
જ્યારે જ્યારે યોગમાયાની વાત આવે, ત્યારે તેમનાં મૂળ સ્વરૂપ અંગે એવી ધારણા કરવામાં આવે છે કે તેઓ માત્ર માયા હતાં... એક પ્રકારનો ભ્રમ! વાસ્તવિકતા એ છે કે યોગમાયા એ ખરેખર તો શ્રીકૃષ્ણનાં બહેન દેવી લલિતા મહાત્રિપુરસુંદરીનું સ્વરૂપ હતાં. મા લલિતાનાં ૧૦૦૦ નામો વર્ણવતી તાંત્રિક નામમાળા 'શ્રીલલિતાસહસ્ત્રનામ'માં એમને એક નામ આપવામાં આવ્યું છે, 'પદ્મનાભસહોદરી'! ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળ (જેના ઉપર ભગવાન બ્રહ્મા બિરાજમાન છે એ)નું પ્રાગટય થયું હોવાને કારણે એમને 'પદ્મનાભ' તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુની બહેન હોવાને નાતે મા લલિતાને 'પદ્મનાભસહોદરી' તરીકે ઓળખવામાં આવે છે. 'સહ+ઉદરી' અર્થાત્ એક જ ગર્ભમાંથી જેમનું પ્રાગટય થયું હોય એ!
ભગવાન કૃષ્ણની કથા સાથે તાંત્રિક મહાવિદ્યા - શ્રીવિદ્યાનું જોડાણ પહેલેથી જોવા મળે છે. એમના જન્મની કથાથી માંડીને રાધારાણી સાથેનાં નિવાસસ્થાન - ગોલોકધામ સુધી શ્રીકૃષ્ણની અનેક કથાઓ ગૂઢાતિગૂઢ રીતે શાક્તતંત્ર સાથે સંકળાયેલી છે. ભારતવર્ષની ચાર મુખ્ય નવરાત્રિઓમાંની બે મુખ્ય - ચૈત્ર અને આસો - નવરાત્રિઓનો અંત વિષ્ણુપર્વ સાથે થાય છે. ચૈત્ર નવરાત્રિનો અંત રામનવમી અને આસો નવરાત્રિનો અંત દશેરા સાથે!
આદિકાળમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞામાં દેવી સતીની ઉપસ્થિતિમાં ભગવાન દેવાધિદેવ મહાદેવનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે માએ મહાયજ્ઞામાં આત્મવિલોપન કર્યુ. અહીંયા સુધીની કથા તો સૌને ખ્યાલ હશે, પરંતુ આગળની કથા વધુ રોચક બની જાય છે. દક્ષ પ્રજાપતિને અંદાજ આવી ગયો હતો કે મહાદેવનાં ગણ હવે એમના યજ્ઞાને ખેદાનમેદાન કરી નાખવા માટે તત્પર છે. આથી, એમણે ભગવાન વિષ્ણુની શરણે ગયા. પ્રાર્થના કરવામાં આવી કે શિવનાં ગણ સામે એમની રક્ષા કરવામાં આવે. ભગવાન વિષ્ણુએ અમુક શરતોને આધીન રહીને દક્ષની સહાયતા કરવા માટે હામી ભણી.
આ બાજુ મહાદેવ દ્વારા અતિ રૌદ્ર એવા વીરભદ્રને દક્ષના યજ્ઞામાં મોકલવામાં આવ્યા. આવતાંવેંત એમણે યજ્ઞાનો વિધ્વંશ કરવાની શરૂઆત કરી. દક્ષને આપેલાં વચન મુજબ, શ્રીહરિ આ યુદ્ધમાં વચ્ચે પડયા અને વીરભદ્રને રોકવાનો પ્રયાસ કર્યો. સામે પક્ષે, વીરભદ્રે ભગવાન વિષ્ણુ સામે ભીષણ યુદ્ધ શરૂ કરી દીધું. એક સમય એવો આવ્યો જ્યારે તેઓ ભગવાન વિષ્ણુનો વધ કરવાની અણી ઉપર હતા, ત્યારે આકાશવાણી થઈ અને દેવી સતીનો સ્વર વીરભદ્રને સંભળાયો.
યજ્ઞામાં ભસ્મીભૂત થઈ ચૂકેલાં અને પ્રકૃતિ સાથે પુન: એકાકાર થઈ ચૂકેલાં મહાદેવીએ વીરભદ્રને કહ્યું કે 'આપ જેનો વધ કરવા જઈ રહ્યાં છો, એ મારું જ પુરુષસ્વરૂપ છે!' એ સમયે વીરભદ્રને સમજાયું કે તેઓ જેમને ભગવાન વિષ્ણુ સમજી રહ્યાં છે, એ વાસ્તવમાં એમના ઈષ્ટદેવી - મા સતીનું જ પૌરુષી સ્વરૂપ છે.
સમજવા જેવી વાત છે કે દેવી અર્થાત્ શક્તિ જ્યારે પુરુષદેહ ધારણ કરે, ત્યારે પદ્મનાભસહોદરી બનીને સચરાચર બ્રહ્માંડનાં સંચાલન માટે કારણભૂત વિષ્ણુની ભૂમિકામાં આવી જાય છે. મીનાક્ષી અમ્મન મંદિર (મદુરાઈ, તમિલનાડુ)ની ભીંતચિત્રોમાં ભગવાન વિષ્ણુ મહાદેવીનાં ભાઈની ભૂમિકામાં આવીને એમના વિવાહ સંમેલિત થયાં હોવાનું વર્ણન મળી આવે છે. ભગવાન શિવ કૈલાશ પરથી ઉતરીને મહાદેવી સાથે વિવાહ કરવા માટે આવ્યા, ત્યારે ભગવાન વિષ્ણુએ નવદંપતિનાં છેડાછેડી બાંધ્યા હતાં.
જેવી રીતે પ્રકૃતિ 'શૃંગારરસસંપૂર્ણા' છે, એવી રીતે કૃષ્ણને પણ શૃંગાર અતિપ્રિય છે. મા કાલીને 'શ્યામા' તરીકે ઓળખવામાં આવે છે, તો કૃષ્ણને 'શ્યામ' તરીકે! આટઆટલી સામ્યતાઓ હોવા છતાં જ્યારે અજ્ઞાાનતાવશ કોઈ શ્રદ્ધાળુ ભગવાન વિષ્ણુનાં અવતારો અને મહાશક્તિ વચ્ચે ભેદભાવ કરે, ત્યારે શાસ્ત્ર-અધ્યયનની મહત્તા સમાજ સુધી પહોંચાડવી કેટલી હદે જરૂરી છે, એનો ખ્યાલ આવી જાય.