Get The App

'શ્રીકૃષ્ણ અને કંસ-વધ' .

Updated: Feb 21st, 2024

GS TEAM


Google News
Google News
'શ્રીકૃષ્ણ અને કંસ-વધ'                                   . 1 - image


(ભાગ-૨)

કં સે દેવકીના આઠમા સંતાનનો જન્મ જ ના થાય માટે  ઘણા કાવાદાવા કર્યા. કશું ના વળ્યું ! પ્રજાને મોતના ડરથી એવી બિવડાવી જેથી તેની વિરૂધ્ધ એક શબ્દ બોલી ના શકે. વસુદેવ અને દેવકીને લોખંડની સાંકળોથી બાંધી કેદખાનામાં પૂરી રાખ્યાં. દયાહીન થઈને અસહય યાતનાઓ આપી. પોતાનો જીવ બચાવવા અને આકાશવાણીને ખોટી ઠેરવવા ઘણા ધમપછાડા કર્યા પણ (અવશ્યમેવ ભોકતવ્યં કૃતં કર્મ શુભાશુભમ્) જે કોઈ શુભ કે અશુભ કર્મ કરવામાં આવે છે. તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. કર્મના નિયમ સામે કંસના આસુરી, અધાર્મિક પ્રયત્નો ના ટકી શક્યાં. કંસનું મન એટલું વ્યાકુળ હતું કે તે આંખ હોવા છતાં સત્ય જોઈ શક્તો નહોતો.

શ્રીકૃષ્ણએ ખુદ તેમના અવતાર લેવાનો હેતુ કુરૂક્ષેત્રના મેદાનમાં ગીતા બોધ આપતી વખતે અર્જુનને કહ્યો છે. 'પરિત્રાણાય સાધુનામ વિનાશાયચ દુષ્કૃતામ્... (૪/૮) સત્પુરૂષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આમ જ્યારે સત્પુરૂષોનું રક્ષણ કરનાર કોઈ ના રહ્યું, સાધુપુરૂષો શાંતિથી જીવવા માટે અહીં તહીં ભટકવા લાગ્યા. જ્યારે કંસ જેવા અસુર દુષ્ટોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી. રક્ષણ કરનાર રાજાઓ ભક્ષક બની ગયા ત્યારે પ્રજાના જીવનમાં શાંતિ લાવવા અને ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણએ અવતાર ધારણ કર્યો.

વસુદેવે પોતાના આઠમા સંતાનને યમુના નદી પાર કરી સુરક્ષિત રીતે ગોકુળમાં નંદજીને ઘેર પહોંચાડી દીધું. અને ત્યાં જન્મેલી નવજાત કન્યાને લઈ ફરી કેદખાનામાં પાછી આવી ગયા. આવું કેવી રીતે બન્યું ? ત્યાં કોઈ ચમત્કાર થયો ? ના, આ વાત હરિવંશપુરાણમાં વર્ણવેલી છે. ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે જેલના દ્વારપાળો એટલા વિચલિત હતા કે કૃષ્ણ-જન્મ વખતે બાળકને બહાર લઈ જવાનો પ્રબંધ એ સેવકો એ જ કરી આપેલો. તેમની નજર સામે વસુદેવના છ છ સંતાનોને જન્મતાં જ પથ્થર પર પટકીને મારી નાખવામાં આવ્યાં હતાં. આવું અરેરાટીભર્યું અધમકૃત્ય નજરો-નજર નિહાળનાર કંસના દરવાનો અને સેવકોને કંસ પ્રત્યે ભારોભાર તિરસ્કાર થયો હતો. તેથી જ વસુદેવ બાળ કૃષ્ણને લઈ ગયા ત્યારે તેમણે તેમને ના રોક્યા. ઉપરથી તેમની મદદ કરી હતી. આમ સાતમું અને આઠમું સંતાન બળરામ અને શ્રીકૃષ્ણરૂપે ગોકુળમાં ઉછરવા લાગ્યું. વખત જતાં કંસને સમાચાર મળ્યા કે દેવકીનું આઠમું સંતાન તો ગોકુળમાં મઝાથી ઉછરી રહ્યું છે. ત્યારે તે આશ્ચર્ય પામ્યો હવે. તેને જાતે જઈ તે બાળકને મારવાનું ઠીક ના લાગ્યું. ખરેખર, તે અંદરથી ડરી ગયો હતો.

તે ઉપાયો શોધવા લાગ્યો. તેને આકાશવાણીની વાતમાં સત્ય દેખાયું. તેણે પૂતના, અધાસુર અને કેશી જેવાં તેના વિશ્વાસુ શક્તિશાળી અસુરોને વારાફરતી ગોકુળ મોકલ્યા. જેથી તે શ્રીકૃષ્ણને મુકામ કરી શકે. પણ ત્યાંથી કોઈ પાછું ના આવ્યું. શ્રીકૃષ્ણએ દરેકને સ્વધામ પહોંચાડી દીધા. છેવટે ધનુર્યાગ કરવાને બહાને બલરામ અને કૃષ્ણને મથુરા બોલાવવા અક્રૂરજીને મોકલ્યા. અક્રૂરજી શ્રીકૃષ્ણને લઈ મથુરા આવ્યા. કંસે શ્રીકૃષ્ણના ઉતારાની સગવડ કરી રાખી હતી. પણ મથુરા પહોંચતાં જ અક્રૂરજીએ શ્રીકૃષ્ણને પોતાના મહેમાન થવાનું આમંત્રણ આપ્યું. અક્રૂરજી શ્રીકૃષ્ણના ભક્ત હતા. જો કે શ્રીકૃષ્ણએ ના પાડી. નંદરાજા ખંડણી ભરવા આવતા ત્યારે જ બગીચામાં ઉતરતા એ જ બગીચામાં શ્રીકૃષ્ણે ક્કામ કર્યો. ત્યાં ઉતારો કરવાનું બીજું કારણ એ હતું કે મથુરાની ત્રાસેલી પ્રજા ગમે તેટલી સંખ્યામાં ભેગી થાય તો પણ કોઈને કશી ખબર ના પડે. પ્રજાનું દર્દ, તેમની મુશ્કેલી તેમનો ઉચાટ શ્રીકૃષ્ણ અનુભવવા માંગતા હતા. પ્રજા શ્રીકૃષ્ણને પોતાના હમદર્દ સમજતી.

બીજે દિવસે શ્રીકૃષ્ણ રાજદરબાર જવા નીકળ્યા. રસ્તામાં કંસના ધોબી સાથે દ્વંદ્વ યુદ્ધ થયું. લોકોએ થવા દીધું. આ શ્રીકૃષ્ણની લોકપ્રિયતા હતી. શ્રીકૃષ્ણ મથુરા આવ્યા ત્યારે તેમની ઉંમર માંડ ચૌદ વર્ષની હતી. તેમણે ધનુષ્યાગારમાં જઈ ધનુષ્ય તોડી નાંખ્યું. આ એવું ધનુષ્ય હતું જેને શક્તિશાળી સૈનિક પણ ઉઠાવી નહોતો શક્તો. કંસને આ વાતની ખબર પડી. તેના ગાત્રો ઢીલાં થઈ ગયા. શ્રીકૃષ્ણ સાવધ હતા. એક દારૂ પીવડાવેલા મહોન્મત હાથીને શ્રીકૃષ્ણએ ખતમ કરી નાખ્યો. ત્યાર બાદ મથુરાના બહાદુર મલ્લો મેદાનમાં સામે આવ્યા. કુસ્તીદાવ શરૂ થયો. કૃષ્ણએ ભલભલાને પછાડયા. કંસ જોઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણએ મુષ્ટિર અને ચાણૂર્રને પણ ભોંય ભેગા કરી નાખ્યા. હવે કંસ ખિજાયો. તેને તેનો કાળ સામે દેખાયો. તેણે કંસને બહાર કાઢવા માણસો મોકલ્યા પણ શ્રીકૃષ્ણે છલાંગ લગાવી કંસના વાળ પકડી સિંહાસન પરથી નીચે પછાડી દીધો. અને કહ્યું- આ રાજ્ય તારૃં નથી.  તુ અહીંનો રાજા નથી. આ પ્રજાસત્તાક રાજ્ય છે. હવે તારી એક હથ્થુ સત્તા નહિ ચાલે ! પછી મામા- ભાણેજ વચ્ચે બરાબર યુદ્ધ જામ્યું. અને શ્રીકૃષ્ણએ મથુરા વાસીઓની હાજરીમાં કંસનો વધ કર્યો. આમ એક હથ્થુ રાજ્યનો અત્યાચારી અને દુર્ગુણોથી ભરેલા અસુર કંસનો અંત આવ્યો. અંધક અને વૃષ્ણિકુળમાં આનંદ છવાઈ ગયો. પ્રજા ભયમુક્ત થઈ.

અહીં એક વાત સમજવા જેવી છે. શ્રીકૃષ્ણ બધાની વચ્ચે કંસનો વધ કરે છે પણ રાજાની રક્ષા કરવા તેનો એકપણ સામંત, સેનાપતિ કે સૈનિક આગળ આવતો નથી. કંસ પ્રત્યે પ્રજાનો અસંતોષ અને ધૃણાનો આ પુરાવો છે. તે વખતે ધર્મની સ્થાપના માટે, સત્પુરૂષોના રક્ષણ માટે કંસ જેવા દુષ્ટનો વિનાશ જરૂરી હતો. તે ક્રાંતિકારી ક્ષણો હતી. આમ કૃષ્ણ જન્મના હેતુ માટે કંસ વધ એ ધર્મસ્થાપના માટેનું પ્રથમ પગલું હતું.

(સમાપ્ત)

- સુરેન્દ્ર શાહ

Tags :