ગોવિંદસ્વામીનો જન્મ (૧૫૦૫ થી ૧૫૮૫) અંતારી (ભરતપૂર)માં થયો હતો. કહેવાય છે કે તેઓ શ્રી રાધાજીના ભાઈ શ્રીદામાના અવતાર હતા. ગોવિંદસ્વામીને વૈરાગ્ય આવતા તેઓ વૃંદાવન ચાલ્યા ગયા અને ગોવર્ધન પર્વત પર જ સ્થાઈ થયા. તેની પાસે જ જતીપૂરમાં તેઓએ સરસ કદમ્બનું એક ઉપવન બનાવ્યું જે આજે પણ 'અષ્ટસખા ગોવિંદસ્વામી કી કદમ્બ ખડી' તરીકે ઓળખાય છે. ગોવિંદસ્વામીએ તેમાં બેસી શ્રીકૃષ્ણની અનેક લીલાઓનું વર્ણન તેમના પદોમાં કર્યું છે. તેઓ એક સારા ગવૈયા પણ હતા.
ગોવિંદસ્વામી તેમની વાડીમાં બેસી શ્રીકૃષ્ણની બાળલીલાઓના સુંદર ભજનો ગાતા હતા. ગાતા-ગાતા તેઓ સખા ભાવમાં આવી જતા અને શ્રીનાથજી સાથે જાત-જાતની લીલાઓ કરતા અને તે લીલાઓને પોતાના પદોમાં વણી લેતા. આમાંની એક લીલાનું વર્ણન કરીએ.
શ્રીનાથજી ગોવિંદસ્વામી અને અન્ય સખાઓ સાથે શ્રીવનમાં સંતાકુકડીની રમત રમતા હતા. ગોવિંદદાસજીનો દાવ આવ્યો. તેમણે આંખ ઉપર હાથ મુકી ૧.૨.૩...૧૦ (એક થી દસ) ગણતા હતા તે દરમ્યાન બધા સખાઓ તથા શ્રીનાથજી છુપાવા માટે દોડયા. કોઈ ઝાડ પાછળ, કોઈ ઝાડી પાછળ છુપાયા. શ્રીનાથજી એક ઝાડ ઉપર ચડી ગયા. ગોવિંદદાસે શ્રી ઠાકોરજીને ખુબજ સરળતાથી શોધી કાઢયા કારણકે શ્રીગોંસાઈજી શ્રીનાથજીના શરીર ઉપર ચંદનનો લેપ કરતા. અને પગમાં કંકુ લગાડતા. આથી શ્રીઠાકોરજી જ્યાં પણ જતાં તે રસ્તે કંકુના પગલા પડતા. અને શ્રીનાથજી જ્યાં પણ હાથ મુકતા ત્યાં ચંદનની છાંટ વર્તાતી અને ચંદનની સુગંધ આવતી. હવે શ્રીનાથજીનો દાવ આવ્યો. તેમણે આંખ ઉપર હાથ મુકી એકથી દસ બોલવાની શરૂઆત કરી ત્યાં જ ઉત્થાપનનો સમય થયો. તેથી શ્રીનાથજી અંતરધાન થઈ મંદિરમાં પધારી ગયા. શ્રી ગોવિંદદાસજી અને અન્ય સખાઓ રાહ દેખ્યા કરે કે હમણાં શ્રીનાથજી તેમને શોધતા આવશે. ત્યાં જ આરતી શરૂ થઈ. આરતીનો અવાજ આવ્યો. શ્રીગોવિંદાસજી ક્રોધથી ધુંવાપુવાં થઈ ગયા. ગોવિંદસ્વામી શ્રીઠાકોરજીની પાછળ મંદિરમાં દોડયા. તેઓ તે ભુલી ગયા કે તેઓ ૪૦ વર્ષના છે કે ૫૦ વર્ષના. તેઓ તો સખા ભાવમાં જ હતા. એક સખા બીજા સખાને બોલે તે રીતે તેઓ શ્રીનાથજીને એલફેલ બોલવા લાગ્યા. દવારપાળે શ્રીગોવિંદદાસજીને ધક્કો મારી કાઢી મુક્યા. ગોવિંદદાસજી શ્રીઠાકોરજી જે રસ્તે ગાયો ચરાવવા જતા હતા તે જ રસ્તે જઈને બેસી ગયા. અને જોર-જોરથી મંદિરમાં સંભળાય તે રીતે બોલવા લાગ્યા. ગંવાર અમારો દાવ લઈ નાસી ગયો અને દવારપળાને સીખવાડી દીધું. બહાર આવશે ને ? હું એને એવો મારીશ.. ગોવિંદસ્વામી ઉપરોક્ત લીલાનું વર્ણન તેમના પ્રખ્યાત પદમાં કરે છે..
ગોવિંદદાસજી કહે છે.
પોત (દાવ) લે આયો ગંવાર,
ખોલ કબાટ ઘસ્યો ઘર ભીતર
સીખા દીયો લંગબાર
કબહું તો નીકલશે બહાર,
એસી દુંગા માર
ગોવિંદાસસે વેર કરી
સુખે ન સોયે યાર.
આ બાજુ શ્રીનાથજી ગોવિંદાવથર બેચેન હતા. શ્રીનાથજી ગોવિંદદાસજીને વિગતવાર વાત કરે છે. તેઓ શ્રીવનમાં સખાઓ સાથે રમવા ગયા હતા. અને કેવી રીતે અધ્ધવચ્ચેથી દાવ છોડીને આવી ગયો. હવે તમે ગોવિંદાને મનાવી લાવો શ્રીગોસાઈજી ગોવિંદદાસજીને સમજાવીને લાવ્યા. ગોવિંદસ્વામી વિચારે છે શ્રીનાથજી પોતાનું મસ્તક નમાવે તો જ મારો ક્રોધ શાંત થશે. મંદિરમાં આવતા ખરેખર શ્રીનાથજીએ તેમનું મસ્તક નમાવ્યું આ દેખી ગોવિંદદાસજીનો ગુસ્સો મીણની માફક પીગળી ગયો. ગુંસાઈજીએ ગોવિંદાસજીને કહ્યું 'ગોવિદા, તું તો નસીબદાર છે કે શ્રીનાથજી તારી સાથે અવનવી લીલાઓ કરે છે.
- યજ્ઞોશચંદ્ર દોશી


