- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
દીપોત્સવી એટલે દીપનો ઉત્સવ. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. માનવીએ એના જીવનને પરમ ઉન્નત, અતિ ઉત્કૃષ્ટ બનાવવું હોય તો આધિ ભૌતિકથી ઉપર ઉઠી આધ્યાત્મિક અને આધિદૈવિક સ્તર પર જવું પડે. તેણે વેદોપનિષદના તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવું પડે. તેણે 'અસતો મા સદ્ ગમય ' નું સ્મરણ રાખી અસત્ય છૂટી સત્યમાં પ્રતિષ્ઠિત થવું પડે. તે સ્થિતિ સિદ્ધ કર્યા પછી 'તમસો મા જયોતિર્ગમય' નું સ્મરણ રાખી અજ્ઞાનના અંધકારથી મુક્ત થઈ જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત કરવો પડે. તે પછી મૃત્યો ર્માડમૃતં ગમય'નું સ્મરણ રાખી મૃત્યુને પાર કરી આત્માના અમૃતનો આસ્વાદ પ્રાપ્ત કરવાનો છે.
દીપોત્સવી દરમિયાન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા કરાય છે. મહાકાલી જીવનને અંસત્માંથી સદ્ તરફ લઈ જાય છે, મહાલક્ષ્મી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને મહાસરસ્વતી મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય છે. એના જ હેતુ રૂપે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી ઉજવાય છે. આ પર્વ દરમિયાન ધનતેરસે મહાલક્ષ્મીની, કાળી ચૌદસે મહાકાળીની અને દિવાળીએ મહાસરસ્વતીની આરાધના કરવાની વિધિ એટલે જ નિશ્ચિત કરાયેલી છે.
ધનતેરસે લક્ષ્મીજીના પ્રતીકરૂપ ધનની પૂજા કરાય છે. લક્ષ્મીજીની કૃપા ધન-સંપત્તિ-સંપન્નતામાં અનવરત અભિવૃદ્ધિ કરે છે. એટલે જ લક્ષ્મીજી પાસે આ દિવસે માંગવામાં આવે છે - વિજ્ઞાન વૃદ્ધિં હૃદયે કુરુ શ્રી, દયાભિવૃદ્ધિં કુરુતાં ત્વયિ શ્રી । સૌભાગ્ય વૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રી, સુવર્ણ વૃદ્ધિં કુરુ મે કરે શ્રી ।। હે લક્ષ્મીજી, મારા હૃદયમાં વિશિષ્ટ જ્ઞાનની વૃદ્ધિ કરો, મારા હૃદયમાં દયા, કરુણા, સદ્ભાવોની વૃદ્ધિ કરો, મારા ઘરમાં સૌભાગ્યની વૃધ્ધિ કરો અને મારા હાથમાં સુવર્ણની વૃધ્ધિ કરો.' સંપત્તિ કેવી રીતે આવે, કેવી રીતે વધે અને કેવી રીતે કાયમ ટકી રહે તે એક શ્લોકમાં ખૂબ સરસ રીતે રજૂ કરાયું છે. 'શ્રી માંગલ્યાત્ પ્રભવતિ, પ્રાગલ્ભ્યાત્ સંપ્રવર્ધતે । દ્રાક્ષ્યાત્તુ કુરુતે મૂલં, સંયમાત્ પ્રતિતિષ્ઠિતિ ।। લક્ષ્મી માંગલ્યમાંથી ઉદ્ભવે છે, ચતુરાઈથી વધે છે, નિપુણતાથી એના મૂળને મજબૂત કરે છે અને સંયમથી કાયમ વધે છે.' આ દિવસે સ્વર્ગના ખજાનચી, ધન-સંપત્તિના અધ્યક્ષ કુબેર ભંડારીની પણ લક્ષ્મીજી સાથે પૂજા કરાય છે. ધનતેરસના દિવસે જ સમુદ્રમંથન કરાતી વખતે લક્ષ્મીજી અને ધન્વંતરિનું પ્રાગટય થયું હતું. ભગવાન ધન્વંતરિએ આરોગ્ય શાસ્ત્ર એવા આયુર્વેદની ઉત્પત્તિ કરી હતી. ધનતેરસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સુખ સારું રહે છે. આસો વદ ચૌદસને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવેસ સોળ હજાર કન્યાઓનું અપહરણ કરનાર નરકાસુરનો ભગવાન શ્રીકૃષ્ણે વધ કર્યો હતો અને તે કન્યાઓને મુક્ત કરી હતી એટલે એને નરક ચતુર્દશી પણ કહેવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અલૌકિક સૌંદર્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ વ્રતધારીને દિવ્ય સૌંદર્ય, રૂપ નિખાર પ્રદાન કરે છે.
ભગવાન શ્રીરામે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરી આસુરી તત્વ પર વિજય મેળવી અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું હતું. અયોધ્યાવાસીઓએ એમના સ્વાગત-સત્કાર- આવકાર માટે એમના ઘરોને શણગારી રાત્રિના સમયે અત્ર-તત્ર-સર્વત્ર દીવાઓ પ્રગટાવ્યા હતા. આખી અયોધ્યાનગરીે દીપમાળાઓથી દૈદીપ્યમાન થઈ ગઈ હતી. એ દિવાળીનો જ દિવસ હતો. ત્યારથી આસો વદ અમાસનો દિવસ, દીપોત્સવી, દીપાવલી કે દિવાળી તરીકે ઉજવાય છે. આ દિવસે અંત:કરણના ગવાક્ષમાં જ્ઞાનનો દીપક પ્રકટાવી ચિત્ત પર છવાયેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો છે. આતમના ગોખમાં જ્ઞાનના દીવાને સતત પ્રજવલિત રાખી જીવન પંથને અજવાળવાનો છે. ભગવાન બુદ્ધ કહે છે ' આત્મ દીપો ભવ' તું પોતે જ તારો દીવો થા. જેના દિલમાં જ્ઞાન અને સદ્ભાવનો દીવો પ્રગટ રહેતો હોય તેને તો રોજ દિવાળી છે, એટલે જ કહેવાયું છે- 'દિલમાં દીવા તો દિવાળી દિવાળી.' દિવાળી વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા- અર્ચના- આરાધનાનો દિવસ છે. ઉપનિષદ કહે છે- 'વિદ્યયા અમૃતં અશ્નુતે વિદ્યાર્થી અમૃતની પ્રાપ્તિ થાય છે. સદ્ભાવ, સદ્વિધા, આત્મજ્ઞાનનું અમૃત પ્રાપ્ત થાય એટલે નવજીવનનો આરંભ થાય છે. નૂતન વર્ષ એનો જ સંકેત છે. નૂતન વર્ષ ગોવર્ધન પૂજાનો દિવસ છે. ગો શબ્દનો એક અર્થ ગાયો થાય અને બીજો અર્થ ઇન્દ્રિયો થાય. ભગવાન શ્રીકૃષ્ણને ધરાવેલો અન્નકૂટ અને ગાયોને ખવડાવેલું ઘાસ ગાયોની વૃદ્ધિ કરે છે અને શ્રદ્ધા, ભક્તિ, સદ્ભાવ અને પ્રેમનું અમૃત આપણી ઇન્દ્રિયોના સુખની વૃદ્ધિ કરે છે. ભાઈ બીજ ભાઈ-બહેનના નિસ્વાર્થ સ્નેહના આદાન-પ્રદાનનું પર્વ છે. તે દિવસ યમ યાતનાથી મુક્તિ અપાવનારી છે. પંચપર્વા દીપોત્સવી સત્ય, પ્રકાશ, અમૃત, આનંદ અને પ્રેમની આરાધનાનો મંગલ મહોત્સવ છે.


