'વાણી' તો બાણને કાં ફૂલ...
- શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17માં અધ્યાયના ૧૫મા શ્લોકમાં વાણીના તપ વિશે ભગવાને કહ્યું છે 'ઉદ્વેગ ન થાય એવાં પ્રિય, હિતકારી અને યથાર્થ વચનો તથા જે વેદશાસ્ત્રોના વાચન અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે તેને જ વાણી સંબંધી તપ કહેવામાં આવે છે. એટલે કે વાણી પ્રિય, હિતકારી તથા સત્ય હોય. મંત્ર જપ તથા ભગવાનના નામસ્મરણથી અને તપથી વાણી શુધ્ધ થાય છે અને સિધ્ધ પણ થાય છે.
ગુ જરાતીમાં કહેવાયુ છે,' શરીરના ઘા તો વહેલામોડા રુઝાઈ જાય છે, પણ વાણીના ઘા રુઝાતા નથી.' વાણી માનવ જીવનમાં ગૌરવ અને મહત્તામાં વધારો કરે છે અને તે એમને ઘટાડી પણ શકે છે. વાણીમાં સાકર જેવી મીઠાશ પણ હોઈ શકે અને તે કડવી કે તીખી પણ બની શકે. આ બંનેનો આધાર આપણા ઉપર જ રહેલો છે. મીઠી વાણી બોલવાથી પારકા પણ પોતાના થઈ જાય છે. જો વાણી કર્કશ તથા કઠોર હોય તો તે મિત્રને પણ શત્રુ બનાવી દે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૭માં અધ્યાયના ૧૫મા શ્લોકમાં વાણીના તપ વિશે ભગવાને કહ્યું છે 'ઉદ્વેગ ન થાય એવાં પ્રિય, હિતકારી અને યથાર્થ વચનો તથા જે વેદશાસ્ત્રોના વાચન અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે તેને જ વાણી સંબંધી તપ કહેવામાં આવે છે. એટલે કે વાણી પ્રિય, હિતકારી તથા સત્ય હોય. મંત્ર જપ તથા ભગવાનના નામસ્મરણથી અને તપથી વાણી શુધ્ધ થાય છે અને સિધ્ધ પણ થાય છે. એનાથી ઊલટું જુઠું બોલવાથી, નિંદા કરવાથી, બીજાને દુઃખ થાય એવાં કડવા વચનો કહેવાથી વાણી અપવિત્ર તથા નિસ્તેજ થઈ જાય છે. એવી વાણીનો કોઈની ઉપર સારો પ્રભાવ પડતો નથી.
આથી આપણે હંમેશા બીજાને પ્રિય લાગે એવી કલ્યાણકારી વાણી બોલવી જોઈએ. જરૂરી હોય એટલું જ બોલવું શક્ય. એટલું વધારે મૌન પાળવું જોઈએ. સત્ય બોલો તો પણ બીજાને પ્રિય લાગે એવી રીતે બોલો. સત્યને એક ઘા અને બે કટકા થઈ જાય એ રીતે રજુ ન કરો. કદાપી ગાળાગાળી ન કરવી. જો માણસ આંધળો હોય અને એને આંધળો કહીએ તો અસત્ય નથી, પરંતુ કડવું સત્ય છે. એનાથી. એ માણસના દિલ પર તીખો પ્રહાર થશે એના બદલે જો તેને સૂરદાસ કહીને બોલાવીએ તો તેને પ્રસન્નતા થશે.
બીજાને સારું લાગે અને ગમે એ માટે જુઠું બોલવું કે તેની ખુશામત કરવી તે પણ અયોગ્ય છે. જેનાથી બીજાનું અહિત થતું હોય, બીજાના દિલ પર ઘા થતો હોય કોઈની આબરૂ જતી હોય, કોઈના જીવનનું જોખમ હોય એવું સત્ય પણ ન બોલવું જોઈએ. એક ગાયની પાછળ કસાઈ દોડતો હતો. આગળ જતાં બે રસ્તા આવ્યા. કસાઈ વિચારમાં પડી ગયો કે ગાય બેમાંથી કયા રસ્તે ગઇ હશે ? એણે ત્યાં ઉભેલા એક માણસને ગાય કયા રસ્તે ગઈ તે પૂછયું. જો પેલો માણસ સાચું બોલે તો ગૌહત્યા થાય. આથી તે જુઠું બોલ્યો, એમ છતાં તેને પાપ નહિ લાગે કારણકે તેના અસત્ય બોલવાથી ગાયનો જીવ બચી ગયો. જો કોઈ સૈનિક શત્રુઓને પોતાના લશ્કર વિશે સાચી માહિતી આપી દે અને ગુપ્ત વાતો બતાવી દે તો એનું તે સત્ય બોલવું ગુનો ગણાશે.
જો કોઈના સારાકાર્યની કે તેના સદ્ગુણોની પ્રશંસા કરીએ તો એમાં કશું ખોટું નથી. એનાથી તેનું મનોબળ વધશે અને તેને વધારે સારાં કાર્યો કરવાની પ્રેરણા મળશે, પરંતુ જો કોઈની ખોટી પ્રસંશા કે ખુશામત કરવામાં આવે તો તે કોઈ રીતે યોગ્ય નથી. એનાથી સામી વ્યક્તિનો અહંકાર વધશે અને તે વધારે દુરાચાર કરશે.
નિંદા કરવી, ગાળાગાળી કરવી, કડવા અને અપ્રિય વચનો બોલવાં, બીજાનું અહિત થાય એવી ખોટી સલાહો આપવી વગેરે વાણીથી થતાં પાપ છે. એમનાથી માણસે દૂર રહેવું જોઈએ. એનાથી આપણી વાણીની શક્તિ તથા પ્રભાવ ઘટી જાય છે. વાણીનું તપ કરવાથી તે ઓજસ્વી, પ્રભાવશાળી તથા શક્તિશાળી બની જાય છે.
સમાજમાં રહેતા હોવાના કારણે આપણી વાણીમાં અનેક દોષો પ્રવેશી જવાની સંભાવના પણ રહે છે. આપણાં શાસ્ત્રો, સંતો ,વિદ્વાનો તથા જ્ઞાનીઓ કહે છે કે વાણીની પ્રેરકશક્તિ આપણી બુધ્ધિ છે. વાણીના અઢાર દોષો બતાવવામાં આવ્યા છે.
વાણીના દોષો:
૧) નિરર્થક વાણી બોલવી
૨) અનેક વાક્યો દ્વારા એક જ ભાવને વારંવાર દોહરાવવો.
૩) અપવિત્ર તથા અશ્લીલ વાણીનો પ્રયોગ કરવો
૪) જરૂર કરતા વધારે બોલવું.
૫) બહુ વિસ્તારપૂર્વક કહેવું.
૬) કડવા વચનો કહેવા.
૭) સંદિગ્ધ વાણીમાં કહેવું અર્થાત્ પોતાની વાત ગોળગોળ રીતે કહેવી.
૮) શબ્દોને અંતે લંબાવીને બોલવા.
૯) શ્રોતાથી બીજી બાજુ મોં ફેરવીને બોલવું.
૧૦) અસત્ય બોલવું.
૧૧) ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વિરુધ્ધ બોલવું.
૧૨) કાનને અપ્રિય લાગે એવા કડવા શબ્દોનો પ્રયોગ કરવો.
૧૩) બહુ મુશ્કેલીથી બોલી શકાય એવા શબ્દો બોલવા.
૧૪) ઊલટપુલટ રીતે અયોગ્ય ક્રમમાં પોતાની વાત કરવી.
૧૫) જરૂર કરતાં ઓછાશબ્દોમાં કહેવાનો પ્રયાસ કરવો જેનાથી શ્રોતાઓને કંઈ સમજ ન પડે એવી વાણી બોલવી.
૧૬) કોઈ કારણ વગર જ બોલવું.
૧૭) કોઇ ઉદેશ્ય વગર બોલવું.
૧૮) નિરંતર બોલ બોલ કરવું.
વાણીના આ અઢાર દોષ માનવામાં આવ્યા છે. વળી આગળ કહેવામાં આવ્યું છે કે (૧) કામ ૨) ક્રોધ ૩) લોભ ૪) ભય ૫) દીનતા ૬) અનાર્યતા ૭) હીનતા ૮) ગર્વ તથા ૯) દયાથી ગદ્ગદ્ થઈને બોલવું.
આ નવ દુર્બુધ્ધિજન્ય વાણીના દોષ છે.
વક્તા જો કપટપૂર્વક બોલે તો સાચી વાત પ્રગટ થતી નથી. તેથી સ્પષ્ટ રીતે પોતાના હૃદયની વાત કહી દેવી જોઈએ. આ ઉપરાંત કેટલાક ગ્રંથોમાં વાણીના ગુણ કહેવામાં આવ્યા છે. જેમકે-
વાણીના ગુણઃ ૧) શ્લેષ ૨) પ્રસાદ ૩) સમતા ૪) મધુરતા ૫) સુકુમારતા ૬) અર્થની સુસ્પષ્ટતા ૭) ક્રાંતિ ૮) ઉદારતા ૯) ઉદાત્તતા ૧૦) ઓજ ૧૧) ઊર્જસ્વિતા ૧૨) પ્રિયતા ૧૩) શ્રેષ્ઠ શબ્દ ૧૪) સમાધિ ૧૫) સૂક્ષ્મતા ૧૬) ગંભીરતા ૧૭) અર્થની વ્યાપકતા ૧૮) ટૂંકમાં વધુ કહી દેવાની શૈલી ૧૯) ભાવુકતા ૨૦) ગતિ ૨૧) રીતિ ૨૨) ઉક્તિ ૨૩) પ્રૌઢી
આમ અહિ વાણીના દોષ તથા ગુણ બંનેની ચર્ચા કરવામાં આવી. આ બધાનો અભ્યાસ કરીને આપણે આપણી સૂઝ તથા સમજણથી વાણીનો પ્રયોગ કરી શકીએ છીએ. આપણા રોજ-બરોજના જીવનમાં ઘણીવાર એવા અવસર આવે છે, જેમાં આપણી વાણી દ્વારાજ આપણી કસોટી થાય છે, આપણને પરખવામાં આવે છે. આપણી વાણી દ્વારા જ આપણને સુપાત્ર કે કુપાત્ર પ્રામાણિક કે અપ્રામાણિક માનવામાં આવે છે. રૂબરૂ ઇન્ટરવ્યુ, વાર્તાલાપ કે બીજા કોઈ વિશેષ અવસરે આપણી રજૂઆત દ્વારા જ આપણું મૂલ્યાંકન થાય છે.
આજકાલતો હવે વાર્તાલાપની કુશળતા માટે વિશેષ પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. આપણા શાસ્ત્રકારોને તો પહેલેથી જ આ બાબતનું જ્ઞાન હતું.
આપણે પણ આ બધાં સૂત્રોને સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે પણ એક સારા વક્તા બની શકીએ છીએ. એનાથી આપણે જીવનમાં ખરેખર સફળતા પ્રાપ્ત કરી શકીશું. એટલું જ નહિં આપણા વ્યક્તિત્વને પણ પ્રખર અને પ્રભાવશાળી બનાવી શકીશુંં. કેમ કે
'વાણી તો બાણ, ને ફૂલ કાં વિંધે કાં વધાવતી,
નંદવે વજ્ર હૈયાને, નંદાયા ફરી સાંધતી.'
- હરસુખલાલ સી.વ્યાસ