મહાવીર જયંતી નિમિત્તે ખાસ .
આગામી ૨૫મી એપ્રિલ અને રવિવાર એ ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ એટલે કે મહાવીર જયંતીનો દિવસ છે. ભગવાન મહાવીરના જન્મ પૂર્વે એમની માતા ત્રિશલાને ચૌદ મંગલમય સ્વપ્નો આવ્યાં હતાં અને એ પછી વિ.સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રીએ હસ્તોતરા નક્ષત્રના યોગમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. શુક્લ ત્રયોદશીનો ચંદ્ર આભમાંથી ચાંદની ઢોળતો હતો, પરંતુ પૃથ્વી પર તો એનાથીયે વધુ શીતળતા વ્યાપી રહી. આવા આત્માના જન્મ સમયનો આનંદ દૃશ્ય અને અદૃશ્ય વિશ્વમાં વ્યાપી રહ્યો. ભગવાન મહાવીરે જગતને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ માનવજાતિને નવી આશા અને નવી સમાનતા તરફ દોરી ગયો. આજે મહાવીર જયંતીના ઉપલક્ષમાં અહીં જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈની કલમે લખાયેલી કેટલીક રસપ્રદ માહિતી જોઈએ.
ભગવાન મહાવીરની જીવનતારક ધર્મકથાઓ
તી ર્થંકર ભગવાન મહાવીરસ્વામીની ઉપદેશશૈલી 'જ્ઞાાતાશૈલી'ના નામે પ્રસિદ્ધ હતી. જ્ઞાાતાશૈલી એટલે કોઈ પણ વિચારને સચોટ રીતે સમજાવવા માર્મિક દૃષ્ટાંત આપીને વાત કરવાની શૈલી. ભગવાન મહાવીરની આવી કેટલીક ઉપદેશકથાઓ જોઈએ.
ભગવાન એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારનું દૃષ્ટાંત આપ્યું :
એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર
રૂપિયા કમાયો. એ હવે સારા સથવારા સાથે ઘેર આવવા નીકળ્યો. એક હજાર રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો અને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા.
એક રૂપિયાની એણે કોડીઓ લીધી અને નક્કી કર્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે ઘણો રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં
પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો. એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે, ને હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે.
પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું. એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાટયા, ને કોડી લેવા હાંફળો ફાંફળો
પાછો ફર્યો. દોડતો પેલા સ્થલે ગયો, પણ ત્યાં કોડી ન જડી. દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો. ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયેલું. એની તો કોડીયે ગઈ, ને ૯૯૯ રૂપિયા પણ ગયા!
આમ, એક કોડી સારુ ૯૯૯
રૂપિયા ખોનારાની જેમ, દેહ ખાતર આત્મા ખોનારાઓએ વિચાર કરવા જેવો છે.
કાશીમાં ગંગાતીરે એક મોટો ધરો. ધરાની પાસેની ઝાડીમાં બે શિયાળ રહે. રાત પડે જલચરોનો શિકાર કરે.
એક વાર ખાવાનું શોધવા રાતનીવેળાએ બે કાચબા બહાર આવ્યા. તરત શિયાળ તેમના પર તુટી પડયા. કાચબાઓએ પોતાના અંગ ઢાલ નીચે
છુપાવી દીધાં. શિયાળોએ હલાવ્યાં, બચકાં ભર્યાં, નખ માર્યા પણ કંઈ વળ્યું નહિ.
થોડીવારે એક મૂઢ કાચબાએ શિયાળ ચાલ્યા ગયા માનીને એક પગર બહાર કાઢયો. એ જોતાં જ શિયાળે આવીને એક પગ કરડી લીધો. એના બીજા અવયવો પણ કરડી ખાધા.
બીજો કાચબો એ પ્રમાણે જ કરશે, એમ માનીને શિયાળોએ લાંબા સમય સુધી રાહ જોઈ, પણ કંઈ વળ્યું નહીં. છેવટે કંટાળીને શિયાળ ચાલ્યા ગયા. બીજા કાચબાએ સહેજ ડોક ઊંચી કરીને જોયું. કોઈને ન જોતાં દોડીને ધરામાં પહોંચી ગયો ને સુખેથી રહેવા લાગ્યો.
પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખ્યા વિના સ્વચ્છંદતાથી વર્તનારના પહેલા કાચબા જેવા બૂરા હાલ થાય. જે સંયમથી વર્તે અને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય, તે બીજા કાચબાની પેઠે સુખથી તરે અને બીજાંને પણ તારે!
ભગવાન શ્રી મહાવીરની જન્મકુંડળી
તી ર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી વિશે પ્રકાશિત થયેલા કેટલાક ગ્રંથોમાં તેઓની જન્મકુંડળી આલેખવામાં આવી છે. આ જન્મકુંડળી વિશે અનેક વિદ્વાનોએ એની ચર્ચા અને ચિંતન કર્યાં છે. ભગવાન મહાવીરની જે જન્મકુંડળી પ્રાપ્ય છે એ આ પ્રમાણે છે :
જન્મ : ચૈત્ર સુદ ૧૩,
સોમવાર ઈ.પૂ. ૫૯૯
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની
સિદ્ધાર્થી સંવત્સર (૫૩)
રાશિ : કન્યા, નિશાન્ત સમય
કુળ : નાથ
જાતિ : લિચ્છવિ
વંશ : ઇક્ષ્વાકુ
ગોત્ર : કાશ્યપ
આ જન્મકુંડળીના આધારે જોતાં એમ પ્રગટ થાય છે કે ભગવાન શ્રી મહાવીરનો જન્મ મકર લગ્નમાં થયો હતો. લગ્નમાં મંગળ ઉચ્ચનો છે. ચોથા સ્થાને સૂર્ય ઉચ્ચનો છે. સાતમા સ્થાને ગુરુ ઉચ્ચનો છે અને દસમા સ્થાનમાં શનિ ઉચ્ચનો છે. આમ માત્ર ચાર જ ગ્રહ ઉચ્ચ રાશિમાં છે. જો કે આ કુંડળીની વિશેષતા એ કહેવાય છે કે આમાં ચારેય ગ્રહ કેન્દ્રસ્થાને ઉચ્ચગ્રહમાં બેઠેલા છે.
આ કુંડળીમાં શુક્ર પાંચમા સ્થાને સ્વગૃહી છે. નવમા ઘરમાં ચંદ્રમા છે. બુધ સૂર્યની સાથે ચોથા સ્થાનમાં બેઠેલો છે. આ પ્રમાણે બધા ગ્રહોનું બળ મળી ગયું છે. આ કુંડળીમાં એક પણ ગ્રહ નીચનો નથી. આ જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ જેને અનિષ્ટ સ્થાનો ગણાય છે તે નથી.
આ કુંડળી વિશે એક એવો પણ ઉલ્લેખ થઈ શકે કે આજના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ, ગુરુ, શનિ, બુધ અને શુક્ર આ પાંચ ગ્રહોમાંથી એક પણ ગ્રહ કેન્દ્રમાં ઉચ્ચ રાશિના હોય તો મહાપુરુષ યોગ થાય છે.
જો આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો આ કુંડળીમાં પાંચ મહાપુરુષ યોગ ગણાય. વળી ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં હોવાથી ઉત્કૃષ્ટ મહાપુરુષ યોગ બન્યો છે એટલે કે તીર્થંકરનો યોગ સાંપડયો છે.
રાજકુમાર વર્ધમાનનો પરિવાર
સંબંધ |
નામ |
સ્થળ |
ગોત્ર |
ગર્ભધારક |
દેવાનંદા |
બ્રાહ્મણકુંડગ્રામ |
જાલંધર |
(પ્રથમ
માતા) |
- |
- |
- |
પ્રથમ પિતા |
ઋષભદત્ત |
બ્રાહ્મણકુંડગ્રામ |
કોડાલ |
માતા |
ત્રિશલા |
વિદેહ જનપથ |
વસિષ્ઠ |
પિતા |
સિદ્ધાર્થ |
ક્ષત્રિયકુંડગ્રામ |
કાશ્યપ |
કાકા |
સુપાશ્વૅ |
- |
- |
મોટાભાઈ |
નંદિવર્ધન |
ક્ષત્રિયકુંડગ્રામ |
કાશ્યપ |
ભાભી |
જ્યેષ્ઠા |
વૈશાલી |
વસિષ્ઠ |
બહેન |
સુદર્શના |
ક્ષત્રિયકુંડગ્રામ |
વસિષ્ઠ |
પત્ની |
યશોદા |
- |
કૌણ્ડિન્ય |
પુત્રી |
પ્રિયદર્શના |
ક્ષત્રિયકુંડગ્રામ |
કાશ્યપ |
જમાઈ |
જમાલી |
ક્ષત્રિયકુંડગ્રામ |
- |
દૌહિત્રી |
શેષવતી |
ક્ષત્રિયકુંડગ્રામ |
- |
પ્રભુ મહાવીરની શાશ્વત વાણી
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે.
- દશવૈકાલિકસૂત્ર, ૧-૧
આત્મા પોતે જ પોતાનાં સુખ દુ:ખનો કર્તા છે અને એનો નાશ કરનાર પણ છે. એટલા માટે સન્માર્ગે ચાલનારો આત્મા મિત્ર છે અને કુમાર્ગે ચાલનારો આત્મા શત્રુ છે.
- ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૦-૨૭
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિજયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે.
- દશવૈકાલિકસૂત્ર, ૮-૩૭
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.
- દશવૈકાલિકસૂત્ર, ૪-૩૫
સર્વ જીવો જીવવા ઇચ્છે છે. કોઈ જીવને મરવું ગમતું નથી. એટલા માટે નિર્ગ્રંથ મુનિઓ ભયંકર પ્રાણીવધનો ત્યાગ કરે છે.
- દશવૈકાલિકસૂત્ર, ૬-૧૦
દુર્જેય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં
પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે.
- ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૩૪
આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યજન્મ, (૨) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ.
- ઉત્તરાધ્યયન સૂત્ર, ૩-૧
ભગવાન મહાવીરના ઉપદેશ વિશે મહાનુભાવો કહે છે...
ભગવાન મહાવીરની અહિંસાની છાપ બ્રાહ્મણ ધર્મ પર પડી. આજકાલ યજ્ઞાોમાં પશુબલિ નથી ધરાવાતા. બ્રાહ્મણ ધર્મમાં માંસ-મદિરાનું સેવન બંધ થઈ ગયું. આ જૈન ધર્મનો જ પ્રભાવ છે.
- લોકમાન્ય ટિળક
પહેલાં હું માનતો હતો કે મારા વિરોધીઓમાં અજ્ઞાાન છે હવે આજે હું વિરોધીઓની નજરે પણ જોઈ શકું છું. મારો અનેકાંતવાદ - સત્ય અને અહિંસા - આ દ્વિ-સિદ્ધાંતોનું
પરિણામ છે.
- મહાત્મા ગાંધીજી
મારો વિશ્વાસ છે કે ભગવાન મહાવીરનો અનેકાંતવાદનો સંદેશ દુનિયાના તમામ ઝઘડાઓને મિટાવી દેશે અને સમન્વય દ્વારા શાંતિ, સંતોષ, નિર્ભયતા અને સર્વ સેવાનો યુગાનુકૂળ પ્રચાર થશે.
- કાકા કાલેલકર
આજે દુનિયા સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે માનવીને હિંસામાંથી કઈ રીતે ઉગારી શકાય. હિંસા હિંસકને જ નષ્ટ કરી દે છે. હિંસક શસ્ત્ર રાખનારા સ્વયં એ શસ્ત્રોથી જ નષ્ટ થાય છે. આપણે ભગવાન મહાવીરના અહિંસા અને અનેકાંતના માર્ગ પર ચાલીને જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકીશું.
- ડો. શંકરદયાલ શર્મા
ભગવાન મહાવીરનો સંદેશ અને તેમના જીવન સંબંધી વધુમાં વધુ માહિતી મેળવવાનું કાર્ય
આપણા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વનું છે. 'અહિંસા પરમો ધર્મ'નો સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ખ્યાલ આવે છે કે ઘોર તપશ્ચર્યા કર્યા બાદ પણ તેઓ માત્ર તપસ્વી જ રહ્યા ન હતા અથવા તો પ્રાણીઓનાં સુખદુ:ખ પ્રતિ ઉદાસીન થઈ ગયા ન હતા, બીજાઓ પ્રતિ તેમનો આત્મા દયાળુ અને સહૃદયી રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓનાં સુખદુ:ખ માટે અને જગતના કલ્યાણ માટે તેમણે ઊંડું ચિંતન કયું હતું.
- ડો. રાજેન્દ્ર પ્રસાદ
જૈન ધર્મનું ક્ષેત્ર વિશાળ છે, પ્રાણીમાત્રને સમાન હક્ક છે, એવી તેમાં વિરલ ભાવના છે. રાજા મહારાજાથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. ભગવાન મહાવીરે વિશ્વને અહિંસાનો અમૂલ્ય સિદ્ધાંત આપ્યો છે. અહિંસામાં અપ્રતિમ શક્તિ રહેલી છે. આજના સમયમાં માનવતાની રક્ષાને માટે ભગવાન મહાવીરના ઉપદેશોનું પાલન કરવું અત્યંત હિતાવહ છે.
- જવાહરલાલ નહેરુ
લાંચરૂશ્વત, અપ્રમાણિકતા અને અત્યાચાર જરૂર દૂર થઈ શકે, જો આપણે ભગવાન મહાવીરના મહાન અને પ્રભાવશાળી સિદ્ધાંતોનું પાલન કરીએ. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ આપણા બધા દોષો અને નબળાઈઓને દૂર કરીએ, તો સમસ્ત જગત આપોઆપ સુધરી જાય.
- લાલબહાદુર શાસ્ત્રી
ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશો ફેલાવ્યો કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું
પાલન કરવાથી નહીં, પરંતુ સત્યમાર્ગનો આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચે કોઈ સ્થાયી ભેદભાવ ન રાખી શકાય. જોતાં આશ્ચર્ય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશે સમાજમાં ઘર કરી ગયેલી આ ભેદરેખાને ઘણી જ ત્વરિતતાથી નષ્ટ કરી નાખી, અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો.
- કવિવર રવીન્દ્રનાથ ટાગોર
ભગવાન મહાવીરને 'જિન' અર્થાત્ વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતું. એ માટે તેઓએ ન તો કોઈ દેશ જીત્યો હતો કે ન તો કોઈ યુદ્ધ લડયા હતા, પરંતુ તેઓએ પોતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પોતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો.
ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારનાં બધાં પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છુટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મતત્ત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા.
આ દેશ, તેમના ઇતિહાસના પ્રારંભથી આજ સુધી આ આદર્શ પર ખડો છે.
- સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણન્