કર્મોનું સારુ કે ખરાબ પરિણામ આત્માને ભોગવવું પડે છે
- એક માણસ ભ્રષ્ટાચારી છે, તે ખોટાં કામ કરીને ભલે અહીં સુખી અને સંપન્ન દેખાય છે, પરંતુ તેની જગ્યા ત્યાં સ્વર્ગમાં નથી.
આ સૃષ્ટિમાં સૌથી મહત્વનાં
મનુષ્યના કર્મો જ છે. પોતે કરેલાં કર્મોના આધારે જ તેની સદગતિ કે દુર્ગતિ થાય છે. સારાં કર્મો કરવાથી માણસ પુણ્યનો સંચય કરે છે જ્યારે ખરાબ કર્મોથી તે પાપનાં પોટલાં બાંધે છે. જીવનમાં પુણ્યકર્મોના ઉદયથી માણસ સફળતા, યશ વગેરે પ્રાપ્ત કરે છે જ્યારે પાપકર્મોનો ઉદય થવાથી તેને અપયશ, નિષ્ફળતા, રોગ તથા પીડા ભોગવવા પડે છે. આ સંસારમાં કરેલાં સારાં કે ખરાબ કર્મોનું ફળ તરત જ મળી જાય એવું બનતું નથી. માણસ કર્મ તો કરે છે, પરંતુ તેનું ફળ ક્યારે મળશે તે સમય નક્કી કરે છે. તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - તારો અધિકાર કર્મ કરવામાં જ છે, તેના ફળ પર નહિ, તેથી તું કર્મોના ફળનો હેતુ ના બનીશ તથા કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન થાય.
એક માણસ ભ્રષ્ટાચારી છે, તે ખોટાં કામ કરીને ભલે અહી સુખી અને સંપન્ન દેખાય છે, પરંતુ તેની જગ્યા ત્યાં સ્વર્ગમાં નથી. બીજો માણસ સદગૃહસ્થ છે તે અહીં ઈમાનદારીથી જીવવાને કારણે કષ્ટ ભોગવે છે, તે સુખી સંપન્ન નથી પરંતુ ત્યાં સ્વર્ગમાં એની જગ્યા અવશ્ય હશે. ત્રીજો માણસ ભિખારી છે, તે બીજાના આશરે જીવે છે તે અહીં પણ સુખી નથી અને ત્યાં પણ નહિ હોય. ચોથો માણસ એક દાનવીર શેઠ છે તે પોતાના ધનનો ઉપયોગ કરીને ભલાઈ કરી રહ્યા છે અને સુખી સંપન્ન પણ છે, પોતાના ઉદાર વ્યવહારના કારણે અહી પણ સુખી છે અને સત્કર્મો કરવાના કારણે ત્યાં સ્વર્ગમાં પણ તેમનું સ્થાન સુરક્ષિત છે.
માણસ દીર્ઘદૃષ્ટિ ન હોવાના કારણે અજ્ઞાાનને વશ થઈને ક્ષણિક લાભ માટે ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે તેને સારાં કર્મો કરીને લાભ મેળવવાનું ગમતું નથી. કર્મોનું ફળ તરત નથી મળતું તેથી માણસ પાપ કરતાં અચકાતો નથી. તે એવું માને છે કે આટલા બધા લોકો ખોટાં કામ કરી રહ્યા છે છતાં જીવનમાં સફળ છે તેઓ સુખ ભોગવે છે તો પછી હું શા માટે એવું ના કરુ ? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય. આના સમાધાન માટે કોઈ માણસના થોડાક જીવનને જોવાના બદલે તેના સમગ્ર જીવનને જોવું જોઈએ. ખરાબ કર્મો કરનારનો વર્તમાન ભલે સારા દેખાતો હોય પરંતુ તેમનું ભવિષ્ય કદાપિ સારું નથી હોતું. એવા લોકોની અંતે ભયંકર દુર્ગતિ થાય છે.
શ્રીરામ શર્મા આચાર્યએ કહ્યું તપસ્યા જ અશુભ કર્મોને નષ્ટ કરવાનું, શક્તિ વધારવાનું તથા આત્મકલ્યાણનું ઉત્તમ સાધન છે તેથી જીવનમાં મનુષ્ય તપ કરતાં રહેવું જોઈએ. માણસ મરતા સુધી કર્મ કરતો જ રહે છે તેને કષ્ટો તથા મુસીબતોનો સામનો કરવો પડે છે એ પરિસ્થિતિમાં પણ માણસે વધારેમાં વધારે પૂણ્યનો સંચય કરવાનું અને પોતાનાથી જો કોઈ ખરાબ કર્મ થઈ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત કરવાનું ધ્યાન રાખવું જોઈએ. જેથી આપણું ભાવિ જીવન શ્રેષ્ઠ બને. શુભ કર્મોના ફળસ્વરૂપે જીવાત્માનો આગલો જન્મ સારા પરિવારમાં થાય છે અને તેને અનેક રીતે સહયોગ પણ મળે છે.
- જયેન્દ્ર ગોકાણી