સોટી વાગે ચમચમ ! આપણે ત્યાં એ જાણીતી કહેવત છે. જૂના જમાનામાં તો મનાતું કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. ત્યારના શિક્ષકો, વડીલો બધાં જ, મારને મહત્વ આપતાં, અને બાળકોને ભણાવવા માટે મારતા પણ ખરા. ત્યાર ે સોટીનું મહત્ત્વ કેટલું હતું, તેની આ સાચી કથા છે. બકલેન્ડમાં રેવરન્ડ વિલિયમ નામના એક પાદરી થઈ ગયા. પાદરી એટલે અહિંસાનો અવતાર. તેમનાથી મારની કલ્પના તો થઈ જ કેવી રીતે શકે ? પણ તેઓ મોટા થયા હતા માર ખાઈખાઈને, અને તેમના પિતા ગર્વથી કહેતા હતા : 'મેં તને મારી મારીને જ સીધો રાખ્યો છે.' એટલે તેમના ભેજામાં મારનું આ શાસ્ત્ર એટલું બેહદ રીતે ઘૂસી ગયેલું કે, જ્યારે તેમને ત્યાં પુત્ર અવતર્યો, ત્યારે તેમણે એક વૃક્ષ રોપ્યું. સુંવાળાં પાંદડાં અને સીધી નેતરની સોટીઓ આપે, તેવું એ બર્ચ વૃક્ષ હતું. એ વૃક્ષ તેમને તેમના માટે સોટી મળી રહે, એટલા માટે તેમણે રોપ્યું હતું. પછી તો બાળક અને વૃક્ષ મોટાં થવા લાગ્યાં. પણ તેમને કદી એ વૃક્ષની સોટી તોડવાનો સમય આવ્યો નહિ. કેમ કે તેમનો પુત્ર ભણવાગણવામાં આમ જ હોશિયાર હતો. વર્તણૂકમાં ડાહ્યો અને કામગરો તો એવો કે સાક્ષાત્ ઇસુ ભગવાન જ જોઈ લો ! એટલું જ નહિ એ છોકરાની સાદીસીધી રહેણીકરણી અને પરગજુ સ્વભાવે એણે પિતાને જ સીધા કરી નાખ્યા. વૃક્ષ વાવવાનો અફસોસ થવા લાગ્યો. તેમને થયું કે નાહક તેમણે સોટી માટે વૃક્ષ ઉગાડયું. પણ પુત્રે પિતાના એ વૃક્ષને પણ નકામું જવા દીધું નહિ. ધીરે ધીરે વૃક્ષનો અભ્યાસ કરવા લાગ્યો. વૃક્ષનાં બી, ફળફૂલ, પાંદડાં, ગુંદર, છાલ, ખાતર વગેરે તમામ વાતનો તે ઊંડો અભ્યાસી બની ગયો. જ્યારે ભણી રહ્યો ત્યારે તે મોટો વનસ્પતિશાસ્ત્રી જાહેર થયો. વનસ્પતિ વધુ, તંદુરસ્ત બને, ઉમંગથી ઉગે, નવો જ વિકાસ સાધે વગેરે માટે તેણે એટલા સંશોધન કર્યા કે તેને 'સર'નો ખિતાબ મળી ગયો. દેશભરના દુનિયાભરના વનસ્પતિ શાસ્ત્રીઓમાં તેનું નામ અમર થઈ ગયું. જે સોટી મારવા માટે હતી એ સોટીનું શાસ્ત્ર શોધી કાઢનાર એ વિભૂતિનું નામ છે સર ફ્રાન્સીસ બકલેન્ડ. તેમણે આમ તો ઘણાં વૃક્ષ સંઘરી રાખ્યાં, પણ પિતાએ સોટી મારવા રાખેલા વૃક્ષનું તો જીવની પેઠે જતન કર્યું, તેમનું કહેવું હતું : 'બાળકને વૃક્ષની માયા લગાડી દો. બાળક એટલું કુદરત ઘેલું બની જશે કે, જે વૃક્ષ તેને મારવા માટે સોટીઓ પેદા કરશે, એ વૃક્ષની પણ તે સેવા કરશે. એ સેવા પામી વૃક્ષ ધન્ય બની જશે.' આપણે ત્યાં ગાધી બાપુ કહેતા હતા : 'કોઈ તને એક ગાલે તમાચો મારે, તો તું બીજો ગાલ ધરી દેજે, પણ અહિંસાનું રક્ષણ કરજે.' જ્યારે સર ફ્રાન્સીસ તો ગાંધીજીનાય ગાંધીજી નીકળ્યા. તેઓ કહેતા હતા : 'જે સોટી તને મારે, એ સોટીની પણ તું કાળજી લેજે.' 'સોટી વાગે ચમચમ' જેવી કહેવત સર્જનાર અને તેનો અમલ કરનાર હર કોઈને આ કથા એક સોટી જ નથી ફટકારી જતી શું ? - હરીશ નાયક


