Get The App

પુત્ર કહે, પપ્પા તમે અમારો આદર્શ છો

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
પુત્ર કહે, પપ્પા તમે અમારો આદર્શ છો 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

પીયૂષ કંપનીનો એક કાર્યદક્ષ કર્મચારી હતો. તે કંપનીનું કામ નિષ્ઠાથી કરતો, નિયમિતતા અને પ્રામાણિકતા એના જીવનનો પર્યાય હતો. જ્યારે મેનેજર સાથે કોઈ કાર્ય અંગે એનો અભિપ્રાય જુદો પડે અને તેને એવું લાગે કે આ બરાબર નથી, તો 'યસ સ, યસ સર' નહી, પરંતુ વિનયપૂર્વક સાહેબને કહેતો કે, 'આપણે આ મેટરમાં આ રીતે કરીએ તો સારું રહેશે'... અને પોતાનો દ્રષ્ટિકોણ વિવેકપૂર્વક સમજાવતો. થોડા દિવસમાં નવા આવેલા મેનેજરે એને કહ્યું કે, 'મિસ્ટર પીયૂષ, મને લાગે છે કે કેટલીક બાબતમાં તમે વેદિયાવેડા કરો છો. કેટલીક બાબતમાં પ્રેક્ટિકલ બનવું પડે, એટલે જ તમે આ કંપનીમાં પાંચ વર્ષ થયા છતાં કાંઈ ન કરી શક્યા. તમારા જ મિત્ર સુરેશને જુઓ. હજુ એક વર્ષ પહેલાં જ એક સામાન્ય ક્લાર્ક તરીકે તમારી ભલામણથી આવ્યો, તે આજે પ્રમોશન મેળવીને પી.આર.ઓ. બની ગયો.'... સાંભળીને પીયૂષ મૌન રહેતો.

પીયૂષને તેનો પુત્ર પારસ કહેતો કે, 'પપ્પા, બી પ્રેક્ટીકલ. સુરેશ અંકલ ક્યાંના ક્યાં પહોંચી ગયા. તેમણે કાર પણ ખરીદી અને તેમનો પુત્ર વિકી તો હવે નવું સ્કૂટર લઈને કોલેજે આવે છે. પપ્પા, તમારા કરતાં ઓછા પગારમાં પણ એમની આવડતથી વૈભવી જીવનશૈલી જીવતા થઈ ગયા.' ત્યારે પારસની મમ્મી એને કહેતી, 'તારા પપ્પાને એમની નીતિ અને સિદ્ધાંત પ્રમાણે કામ કરવા દે.'

એક દિવસ સુરેશ પીયૂષને કહે કે, 'તારા માટે એક દુ:ખદ સમાચાર છે. બાજુના જિલ્લાના નાના ગામમાં આપણા મેનેજર દ્વારા જ્યાં કોઈને જાવું ન ગમે, ત્યાં તારી ટ્રાન્સફરનો ઓર્ડર કાલે નીકળશે.' પીયૂશને ચિંતા છે કે, 'આવતી ટર્મથી પારસને કોલેજમાં જે લાઈન લેવી છે તેની આ ગામમાં સગવડતા નથી. વળી દીકરી સુરભિ માટે ત્યાં ઇંગ્લિશ મિડિયમની સ્કૂલ પણ નથી. બદલી અટકાવવા માટે મારે કાંઈક કરવું જોઈએ. થોડા દિવસ પછી તાવને કારણે પીયૂષ બે દિવસથી ઘરે છે. પીયૂષની પત્ની પારુલ અને પુત્ર પારસ તેમને કહે, 'અમારી તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.' પીયૂષને થયું કે ટ્રાન્સફર અંગે વાત કરવાની હશે, એટલે તેમણે કહ્યું કે, 'મને ટ્રાન્સફર ઓર્ડર મળ્યો છે એ નાના ગામમાં તમને ફાવે એવું નથી. હું બધી રીતે આ ટ્રાન્સફર અટકાવવાનો પ્રયત્ન કરવાનો છું. આજે તાવ ઓછો છે, કાલે તો ઓફિસ જઈ શકીશ.' પારસ કહે, હજુ કાલે પણ તમારે આરામ કરવાનો છે.'

આજે સમાચાર આવ્યા કે, કોલેજમાંથી યુનિવર્સિટીના પેપર ફોડીને લીક કરવાના ગુનામાં વિકીને કોલેજમાંથી ડીસમીસ કરવામાં આવ્યો અને આગામી ત્રણ વર્ષ માટે તે યુનિવર્સિટીની એક્ઝામ દઈ શકશે નહીં.' અને પપ્પા, માર્કેટમાં મારાં મમ્મીને કાન્તામાસી મળ્યાં હતાં. તેમણે કહ્યું કે, ગઈકાલે કંપનીની સેન્ટ્રલ ઓફિસના ઓડિટરે કંપનીના ફંડમાં ગેરરિતી બદલ સુરેશઅંકલ અને મેનેજર પર ઇન્કવાયરી બેસાડી છે, જે પૂરી ન થાય ત્યાં તેમને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. તેમની બદલીમાં કાલથી સેન્ટ્રલ ઓફિસમાંથી બે ઓફિસરો આવીને ચાર્જ લેશે. પપ્પા, તમારે ટ્રાન્સફર બદલવા માટે કોઈની તાબેદારી કરવાની કે મસ્કા મારવાની જરૂર નથી. મમ્મીનો, મારો અને સુરભિનો નિર્ણય છે કે અમે તે ગામમાં રહીશું. તમે તમારા સિદ્ધાંત પ્રમાણે કામ કરો. અમને ગૌરવ છે કે અમે તમારું સંતાન છીએ.' પીયૂષને માથેથી મણ-મણનો ભાર ઉતરી ગયો.

પીયૂષ એકલો પહેલી એપ્રિલથી ઓફિસમાં હાજર થયો. જૂનની ટર્મથી પરિવારે ત્યાં જવાનું નક્કી થયું. પીયૂષે નવી જગ્યાએ મેનેજર અને સ્ટાફના અન્ય સભ્યોને વિશ્વાસમાં લઈ નિષ્ઠાપૂર્વક મહેનતથી કામ શરૂ કર્યું. ત્રણ સપ્તાહ પછી ઝોનલ મેનેજર બ્રાન્ચની વિઝીટે આવવાના હતા એટલે મેનેજરે પીયૂષને કેટલીક જટીલ ફાઈલો ક્લિયર કરવા આપી. છેલ્લાં બે વર્ષમાં જે ફાઈલોનું કામ આગળ નહોતું વધ્યું તે ત્રણ સપ્તાહમા ંપીયૂષે કરી બતાવ્યું. ઝોનલ મેનેજરે મેનેજરેને શાબાશી આપી. મેનેજર કહે, આ કામ માત્ર પીયૂષે કર્યું છે.' ઝોનલ મેનેજરે પીયૂષને પોતાને ત્યાં થોડા દિવસ કામ કરવા બોલાવ્યો. પીયૂષનું કામ જોઈ તેને ડિસ્ટ્રીક્ટ ઓફિસમાં ઓસિસ્ટન્ટ મેનેજર તરીકે બઢતી ને બદલી આપી. પહેલી જૂનથી તેને ડિસ્ટ્રીક્ટ ઓફિસમાં હાજર થવાનું હતું. તે મોટું શહેર હતું. બાળકોને ભણવાની બધી જ સગવડ હતી. પારુલ, પારસ એ સુરભિ આનંદથી નવી જગામાં પિતા સાથે શીફ્ટ થયો. પીયૂષની પ્રામાણિકતાથી આખા પરિવારને જાણે એક પારિતોષિક પ્રાપ્ત થયું. પુત્ર કહે, 'પપ્પા, ખરેખર તમે અમારો આદર્શ છો!'

Tags :