mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

''ક્યારેક વિપત્તિ વરદાન બને છે''

Updated: Jul 10th, 2024

''ક્યારેક વિપત્તિ વરદાન બને છે'' 1 - image


પાં ડવો વનવાસી જીવન પસાર કરી રહ્યા હતા. શ્રી વ્યાસજીની પ્રેરણાથી અર્જુન પોતાના ભાઈઓની આજ્ઞાા લઈ તપસ્યા કરવા ગયા. અર્જુને તપ કરી ભગવાન શંકર પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું. તે દરમ્યાન દેવરાજ ઈન્દ્ર અર્જુનને પોતાના રથમાં બેસાડી સ્વર્ગલોક લઈ ગયા. આમેય અર્જુન ઈન્દ્રના અંશથી કુંતીના ગર્ભથી જન્મેલો પોતાનો જ પુત્ર હતો. તેમણે તથા ત્યાંના લોકપાલોએ અર્જુનને દિવ્યાસ્ત્રો આપ્યા. સ્વર્ગમાં અર્જુનને જોઈને અપ્સરા ઉર્વશી મોહિત થઈ ગઈ. ઈન્દ્રએ આ વાત જાણી. તેમણે અર્જુન સાથે જવાની રજા આપી.

એક સાંજે ઉર્વશી ભરપૂર શ્રૃંગાર કરીને અર્જુનના નિવાસસ્થાને હાજર થઈ. ઉર્વશીને એમ હતું કે તેનું અફાટ સૌંદર્ય જોઈ અર્જુન ચલિત થઈ જશે. પણ ઉર્વશીને જોતાં જ અર્જુને કહ્યું ''માતા! આપ આ સમયે? અહીં? હું આપની શું સેવા કરૃં?'' ઉર્વશી સ્તબ્ધ થઈ ગઈ. તેણે સીધી જ વાત કરી.

''પાર્થ હું તારા પર મોહિત થઈ છુ. હું કોઈની માતા, બહેન કે પત્ની નથી. અપ્સરા છું. તું મારો સ્વીકાર'' આવું સાંભળીને અર્જુને કહ્યું ''યથા કુંતી ચ માદ્રી ચ શચી ચૈવ...'' હે માતા, મારી દ્રષ્ટિમાં કુંતી, માદ્રી અને શચીનું જે સ્થાન છે, એ જ તમારૃં છે. તમે પુરૂવંશની માતા હોવાથી આજે મારા માટે માતૃસ્વરૂપે પરમ ગુરૂસ્વરૂપ છો.'' (મહાભારત. વનપર્વ ૪૬-૪૬)

ઉર્વશીને આવી અપેક્ષા નહોતી. આજ સુધી કોઈ ઋષિ મુનિએ પણ તેનું આવું અપમાન, આવો તિરસ્કાર કર્યો નહોતો. તે છંછેડાઈ ગઈ. તેણે અર્જુનને શાપ આપ્યો.''તસ્માત ત્વં નર્તન : પાર્થ,.....ષણ્ઢવત્, વિચરિષ્ય સિ... (૪૬-૫૦) હે પાર્થ, તેં એક નપુંસકની માફક મારો અસ્વીકાર કર્યો છે એટલે તારે સ્ત્રીઓની વચ્ચે અપમાનજનક રીતે એક નર્તક બનીને રહેવું પડશે. તારો સઘળો આચાર-વ્યવહાર એક હીજડા જેવો દેખાશે.'' ઉર્વશી શાપ આપી પગ પછાડતાં જતી રહી. અર્જુન ધારત તો તેના અન્યાયપૂર્વક દીધેલા શાપ સામે ભયંકર શાપ આપી શકત. છતાં તે શાંત રહ્યો. તેણે ઉર્વશીને જતી વખતેય હાથ જોડી પ્રણામ કર્યા. આ વાતની ખબર ઈન્દ્રને પડી. દેવરાજ ઈન્દ્ર અર્જુનની સંયમશક્તિ પર પ્રસન્ન થઈ ગયા. તેમણે અર્જુનને આશ્વાસન આપતાં કહ્યું 'યત તું દત્તવતી શાપમુર્વશી..... તાત સાધકસ્ય ભવિષ્યતિ'' (૪૬-૫૭)

''હે મહાબાહો, ઉર્વશીએ તને દુ:ખી કરવા માટે જે શાપ આપ્યો છે, તે ભવિષ્યમાં તારા માટે વરદાન સાબિત થશે.''

આગળની કથા એવી છે કે પાંડવોનો વનવાસ પૂરો થયો. હવે અજ્ઞાાતવાસનું એક વરસ પસાર કરવાનું હતું. ત્યારે ઉર્વશીનો આપેલો શાપ અર્જુનને કામ લાગ્યો. તેણે પોતાનું નામ બૃહન્નલા ધારણ કર્યુ. તે રાજા વિરાટની રાજકુમારી ઉત્તરાને નૃત્ય અને ગીત શીખવાડતો રહ્યો. તેના હાવભાવના નરના ના નારીના દેખાતા. છતાં તે સૌથી વચ્ચે વિવેકથી રહ્યો.

સંસ્કાર પ્રત્યે જાગ્રત અર્જુનને આવા અન્યાયી શાપનો ધારદાર રોમાંચ માણવો પણ ગમતો હતો. એની નસોમાં દાખલ થતા પડકારનો આછેરો કંપ પણ તેના લોહીમાં ગરમાવો લાવી દેતો. ક્યારેક વિધાતા કોઈની બદદુઆના કડવા શબ્દો મારફતે વરદાનનું વાવેતર કરી દેતા હોય છે. જ્યારે એ વરદાનનાં ખટ્ટમીઠાં ફળનો સ્વાદ ચાખવા મળે ત્યારે માણસને ઈશ્વરકૃપાનો મતલબ સમજાય છે. ત્યારે અંતર્યામીની એક ઝલક જોવા મળે છે.

પરીક્ષિત રાજા માટે શ્રૃંગીઋષિનો શાપ મુક્તિનું વરદાન સિધ્ધ થયો. પિતાના ખોળામાં બેસતાં અટકાવનાર અપરમાસુ રૂચિના કડવાં વેણ બાળક ધ્રુવ માટે અસહનીય હતાં. છતાં એજ દુ:ખદાયક શબ્દોએ તેને તપ કરવા પ્રેર્યો. અને પિતાના ખોળા કરતાંય ઉચ્ચ પરમપ્રભુના ખોળામાં બેસવાની યોગ્યતા પ્રાપ્ત કરી. ધ્રુવ માટે અસહનીય વિપત્તિ છેવટે વરદાન સાબિત થઈ.

આપણે સિધ્ધિનું જેટલું મહિમાગાન કરીએ છીએ એટલું તેની પાછળ ઘૂંટાયેલી એકધારી મહેનતનું કરતા નથી. ગમે તેવી વિપત્તિ મહેનત વગર દૂર થતી નથી. ઈશ્વર તેને જ સહાય કરે છે જે મહેનત કરે છે, જાત ઘસે છે. દીવાની સળીની ટોચ કાળી હોય છે પણ તે ઘસાયા વગર અજવાળાનો વેશ ધારણ કરી શકતી નથી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામના જીવનનું એક સ્વપ્ન હતું. વાયુસેનામાં ભરતી થવાનું. તેમણે ઘણા પ્રયત્ન કર્યા પણ તેમની પસંદગી ના થઈ. તે માનસિક રીતે અશાંત થઈ ગયા. એકલા રહેવા લાગ્યા. મનને ચેન પડતું નહોતું. શાંતિની શોધમાં તે સ્વામી શિવાનંદના આશ્રમમાં ગયા. સ્વામી શિવાનંદ તેમનું વ્યક્તિત્વ જોઈને પ્રભાવિત થયા. સ્વામિજીએ કહ્યું, ''જે ઈચ્છા આપણા દિલ અને અંતરાત્મામાંથી આકાર પામે છે તે શુધ્ધ મનથી કરવામાં આવી હોય છે. તેમાં ચકિત કરી દેનારી વિદ્યુત ચુંબકીય ઉર્જા હોય છે. આ દિવ્યઊર્જા પર અડગ વિશ્વાસ રાખવો. તમે ઈચ્છા કરી હોય તમે જે સ્વપ્ન જોયું હોય કદાચ એવું જ પણ એનાથી સુંદર પરિણામ ઈશ્વરે વિચારી રાખ્યું હોય! જીવનમાં આવતા વળાંકનો સ્વીકાર કરવો. નિષ્ફળતાને ભૂલી જવી. સાચા અર્થપુર્ણ ઉદ્દેશની શોધ કરવી.'' ડો.કલામે ત્યારબાદ દિલ્હી આવી ડીટીડી એન્ડ પી માં ઈન્ટરવ્યુ આપ્યો. પાસ થયા. ડો.કલામે ડાયરીમાં નોંધ્યું છે ક્યારેક ઈચ્છા, સંકલ્પ અને પ્રયાસ બાદ પણ ધાર્યું ન થતું હોય તો ઉપરવાળાની મરજી સ્વીકારી દિશા બદલી ડબલ ઉત્સાહથી આગળ વધવું.

Every difficulty is a blessing

દરેક પ્રકારની વિપત્તિ એક વરદાન સમાન હોય છે.

- સુરેન્દ્ર શાહ

Gujarat