સમાધિના બે પ્રકાર છે : જડ અને ચેતન.
બળાત્કારથી મનને વશ કરીને, પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન થાય, તેને ''જડ'' સમાધિ કહે છે.
મન ઉપર બળાત્કાર કર્યા વિના, પ્રેમથી મનને સમજાવીને, વિષયો (કામ-ક્રોધ-લોભ-અભિમાન વગેરે)માંથી હટાવીને, ''બ્રહ્મરંધ્ર''માં સ્થાપન થાય તે ''ચેતન સમાધિ'' છે.
વિશ્વામિત્રની સમાધિ જડં હતી. વર્ષો સુધી તેમણે તપ કર્યું.... મનને ''જડસમાધિ'' પ્રાપ્ત થઈ હતી. પણ અપ્સરા મેનકાને જોઈ તેમનું મન લલચાયું હતું.
કનૈયાની વાંસળી સાંભળીને કે કૃષ્ણસ્મરણ કરતાં ગોપીઓને સહજ સમાધિ-ચેતન સમાધિ લાગતી હતી. નાક પકડી મન ઉપર બળાત્કાર કરી સમાધિ લગાવવાનો કદિ પણ તેમણે પ્રયત્ન કર્યો ન હતો. આપોઆપ ચેતન સમાધિ લાગતી. કહેવાયું છે કે 'સાધો સહજ સમાધિ.'
મનનો સહજ નિરોધ થાય ત્યારે મનમાં કોઈના તરફ બિલકુલ વિરોધ ન રહે. જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવત્ સ્મૃતિ એ 'નિરોધ' છે. જેનાથી સદા 'મુક્ત' આત્માનો અનુભવ થાય છે.
નિદ્રામાં અમુક સમય જ 'મન' નિવિષય બને છે. પણ જાગ્યા પછી તુરત જ 'વિષયો'માં પાછું તુરત જ ભરાઈ જાય છે.
ચેતન સમાધિમાં તો, સર્વ વિષયો હટી જાય છે. મન સંપૂર્ણ નિર્વિષય થઈ જાય છે. દીવામાનું તેલ જ્યારે ખૂટી જાય છે ત્યારે, દીવો શાંત થાય છે તેમ મનમાં સંસાર ન રહે ત્યારે, દીવો શાંત થાય છે. 'સમાધિ'ની સ્થિતિ પ્રાપ્ત થાય નિદ્રગ્માંતો નિદ્રા પછી તામસી સુખ જ હોય છે. અહમ્ ભાવનો લય કે ક્ષય થતો જ નથી.
યુજન્નેવ સદાત્માનં, યોગી વિગત કલ્મષ : ।
સુખેન બ્રહ્મસ્પર્શમત્પન્તં સુખમશ્નુતે।।
ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો સાધક, પાપ રહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.
કરતા હુઆ વ્યવહાર સબ, મન મેં ન લાતા ક્ષોભ હૈ,
ગંભીર સાગરકી તરહ, રહતા સદા નિ:ક્ષોભ હૈ,
સબકલેશ મન કે ગલ ગયે હૈ, ચિત્ત બ્રહ્માકાર હૈ,
નિવૈર પ્યારા સર્વત્ર, ભવ-સિંધુએ સો પાર હૈ.
અત્યંત શાંત થયેલી વૃત્તિવાળુ ચિત્ત કેવળ પરમાનંદનો પ્રકાશ કરનારું બને તે 'અસંપ્રજ્ઞાાત' સમાધિ છે.
સમાજના રંગમંચ ઉપર રાક્ષસો, સિંહો, વાઘો અને ઘણું એવું બધું હોય છે... પણ, તે બધાંનાં મોં બાંધી લીધેલાં હોય છે. આવું વિચિત્ર જગત સાચી સમાધિમાં સ્પર્શી શકે નહીં મનમાં સદા, શાંતિનો... આનંદ... લહેરાતો માણી શકાય.
સમાધિ સિદ્ધરીશ્વરપ્રણિધાનાત્ - ઈશ્વરને સર્વ સમર્પણ કરવાથી સમાધિમાં સિદ્ધ થવાય છે. ચમત્કારો કરવાની વિવિધ સિદ્ધિઓ મળે, એવી મહેચ્છાઓ કદાપિ પણ રાખવી ન જોઈએ, એ ક્ષુલ્લક સિદ્ધિઓ સાધક માટે વિઘ્નરૂપ-પતન કરનાર બને છે. ચમત્કાર કરવા સિદ્ધિઓ મેળવવામાં જે લલચાઈ જાય છે તેની પ્રગતિ અટકે છે ને પતન થાય છે.
''ધર્મમેધ'' સમાધિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પતનનો ભય રહેતો નથી. સ્વામી વિવેકાનંદજીના સદ્દગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ રાત-દિન સતત દિવ્ય સમાધિમાં રહી શકતા. તેમની આખી જીવન પ્રણાલિ, સાધના, કાર્યપદ્ધતિ તદ્દન નિરાળી હતી તેથી જ તેમનામાં અનોખું દેવત્વ પ્રગટ થયેલું.
ડૂબ...ડૂબ...ડૂબ...ઈશરૂપ-સાગરે મારા મન.
તલાતલ પાતાલ શોધ્યે, મળશે દિવ્ય પ્રેમ રત્ન-ધન.
ઝળ...ઝળ...ઝળ... જ્ઞાાનદીપ, પ્રકાશશે હ્ય્દયમાં સર્વક્ષણ.
- લાલુભાઈ ર. પંડયા


