પ્રાચિન કાળમાં ઋષિઓ વિદ્યાર્થીઓને પોતાના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરાવતા. પોતાનો શિષ્ય સર્વવિદ્યામાં પારંગત નીવડે, તેનો સર્વાંગી વિકાસ થાય તે આશયથી તેને જીવન જીવવાની કળાનું પણ જ્ઞાન આપવામાં આવતું. શિષ્યની શિક્ષા એકાંગી ન બની રહે તે માટે શિક્ષા અને વિદ્યાના શિક્ષણ સાથે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધતી સદ્વિદ્યાનો પણ અભ્યાસ ચાલતો. પરિણામે વિદ્યાર્થીઓની લાગણી સાથે બૌધિક વિકાસ પણ થતો.
આવા જ એક આશ્રમમાં ગુરુ શિષ્યોને મહાભારત આધારીત 'ધરતી પર કળયુગનું આગમન, તેના લક્ષણો, પરિણામ અને મનુષ્યનું ઉજ્જવળ ભવિષ્ય' આ વિશે જ્ઞાન આપી રહ્યા હતા. બધા છાત્રો શાંતિથી, એકાગ્રચિત્તે, શિસ્તબદ્ધ અને સાવધાનીથી શ્રવણ કરી રહ્યા હતા. ગુરુએ સમજાવ્યું, 'જ્યારે આ ધરતી પર કળિયુગનો આરંભ થશે ત્યારે મનુષ્યનું એક માત્ર લક્ષ્ય 'પેટ અને પ્રજનન' હશે. પેટ ભરવાના વ્યવસાયમાં મનુષ્ય એવો ખૂંપી જશે કે પોતાના રાષ્ટ્ર, સમાજ, ધર્મ કે ઇશ્વર એવાં પોતાના ખૂદની શાંતિ સુખાકારી માટે 'સમય નહિ' હોવાનું બહાનું બતાવી સંતોષ માની લેશે...
એક ચિત્તે ગુરુના જ્ઞાનનું શ્રવણ કર રહેલા એક જીજ્ઞાસુ શિષ્યે સવાલ કર્યો, 'ગુરુજી, માનવી પાસે પોતાનું જ જીવન સાર્થક કરવાનો સમય નહિ હોય તે મનુષ્ય ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક, પવિત્ર ધાર્મિક ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત અને ગીતાનો અભ્યાસ ક્યારે કરી શકશે ? તેના પર ચિંતન-મનન ક્યારે કરશે ? અને ક્યારે જ્ઞાનને પોતાના આચરણમાં ઉતારવાનો પુરુષાર્થ કરશે ? સમયના અભાવમાં તેને સાચા આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત નહિ રહેવું પડે ?
પ્રશ્નથી પ્રસન્ન થયેલા ગુરુએ જવાબ આપ્યો, 'શાબાશ ! વત્સ, સાચો, સારો, શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રશ્ન છે તારો. સાવધાન થઈ આ સમાધાનનું શ્રવણ કરો. વત્સ, સંસારરૂપી અરણ્યની ભવાટવીમાં ભૂલો ભટકેલો કળિયુગનો મનુષ્ય ષટ્-સવાલ, છ સવાલ વિશે નિત્ય ચિંતન-મનન કરતો રહેશે તો કળિયુગનો સમય હોવા છતાં મનુષ્ય ભટકતો બચી જશે. આ છ સવાલ વિશે સમજીએ.
સવાલ-૧ : હું કોણ છું ? - આ સવાલનો આત્માનો જવાબ હશે - હું પરમાત્માનો અંશ આત્મા છું. હું ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણની ભૂમિમાં જન્મેલો ઋષિપુત્ર ઇશ્વરનો રાજકુમાર અને પ્રાણીઓનો મુકુટમણી છું. કોઈ શસ્ત્ર મને છેદી શકતું નથી, કોઈ અગ્નિ મને બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને કોઈ વાયુ મને સુકવી શકતો નથી આવો અજર, અમર આત્મા છું. શિવોહં, સોહં, સચ્ચિદાનંદોહમ્ અને અહબ્રહ્માસ્મિ છું. આ જવાબ ઉપર ચિંતન-મનન કરવું.
સવાલ - ૨ : હું ક્યાંથી આવ્યો છું ? - મનુષ્ય શરીર ધારણ કરી હું ધરતી પર અવતર્યો એ પહેલા ક્યાં હતો ? મારું કાયમી ઘર, કામ, ઠેકાણું કે સરનામું કયું ? મૃત્યુ પછી મારે જવાનું ક્યાં ? જીવાત્માને ખોળીયું બદલવાની જગ્યા કઈ ? શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, ''યદ્ ગત્વા ન નિવેર્તન્તે- તદ્ધામ પર્ મમ્'' ભગવાનનું આ ધામ કયું ? આ ઇશ્વરનું ધામ કે ઘર એ જ અજ્ઞાત સ્થળ જ્યાંથી હું આવ્યો છું અને જવાનું પણ ત્યાં છે.
સવાલ - ૩ : મને મોકલનાર કોણ? :- હું મારી મરજીથી ધરતી પર આવ્યો નથી પણ મને મોકલવામાં આવ્યો છે. આ મોકલનાર મહાશક્તિ કઈ ? એને ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી. તો પછી એનું અસ્તિત્વ કઈ રીતે હોઈ શકે ? બૌદ્ધિક અને સુશિક્ષિત મનુષ્ય આ શક્તિનું નામ કઈ રીતે જાણી શકે ? અદ્રશ્યરૂપે રહેલી આ અનામી મહાશક્તિ એ જ ઇશ્વર, એ જ ભગવાન, એને નામ ગમે તે આપો એ જ પરમાત્માની શક્તિ મને ધરતી પર મોકલવાર !
સવાલ - ૪ : મને મનુષ્ય કેમ બનાવ્યો ? :- આત્માનો જવાબ એ હશે કે આ ધરતી ઉપર કૂતરા, બીલાડા, ભૂંડ, નાગ, વીંછી, મગર, ગધેડા જેવા જીવો જન્મે છે તો મને જ મનુષ્ય તરીકે એટલા માટે મોકલ્યો છે કે મનુષ્ય સીવાયના બીજા જીવો કીર્તન કરી શકતા નથી, તાલી પાડી શકતા નથી, જપ, સત્સંગ, યજ્ઞા, યાત્રા, સ્વાધ્યાય, દાન, પુણ્ય, કથાશ્રવણ જેવા પરોપકારના સત્કાર્યો કરી શકતા નથી. આવું વરદાન તો માત્ર મનુષ્ય તરીકે મને જ આપ્યું. મારો જન્મ માત્ર અન્ન, વસ્ત્ર અને આવાસ માટે કે પેટ અને પ્રજનન માટે થયો નથી.
ગટરની ગંદકી ખાવાથી આનંદ માણતા ભૂંડ જેવા પશુઓનું ખોળીયું મને મળી શકતું હતું પરંતુ મને ધરતી પર મનુષ્ય તરીકે મોકલવા પાછળ પરમાત્માનો આશય એ જ કે બુદ્ધિશાળી પ્રાણી માનવ જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય અને ''જીવો અને જીવવા દો'' નો મંત્ર આત્મસાત્ કરે માટે મને મનુષ્ય બનાવ્યો.
સવાલ - ૫ : મારે કરવાનું શું હતું? : એ જ કે સદ્બુદ્ધિના પાંડવોના માર્ગે ચાલીને ધરતી પર જીવ અને જગતના કલ્યાણ અર્થે લોકસેવાના કાર્યો કરવાના હતા. વિશ્વકલ્યાણ વિશ્વશાંતિના, પરમેશ્વર અને ઋષિઓના અધુરા રહેલા સદ્કાર્યો પૂરા કરવાના હતા. વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને ચરિતાર્થ કરી વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું સુયોગ્ય નિર્માણ કરવાનું હતું. તેમજ મૃત્યુ અનિવાર્ય હોવાથી મનુષ્ય તરીકે પુણ્યનું-ભવનું ભાથું બાંધી લેવાનું હતું. મનુષ્ય જન્મ સાર્થક કરવાનો પ્રામાણિકતાથી પુરુષાર્થ કરી લખચોર્યાસીના ફેરામાંથી છૂટકારો મેળવવાનો હતો.
સવાલ - ૬ : હું શું કરી રહ્યો છું ? : દુર્બુદ્ધિના સહારે કૌરવોનું, શકુનીનું, દુર્યોધન, રાવણ, કંસ અને હિરણ્યકશિપુની બુદ્ધિથી તો હું વિચારતો નથી ને ? તો પછી સમાજમાં જોવા મળતા દાનવના કાર્યો જેવાકે - ભ્રષ્ટાચાર, લાંચ, ખૂન-હત્યા, ખાદ્યપદાર્થો અને દવામાં ભેળસેળ, લાગવગ, કૌભાંડ, દારૂનું સેવન, કામચોરી, ખંડણી, બળાત્કાર, હરામખોરી, સંગ્રહખોરી, અપહરણ, છેતરપીંડી, શોષણ, વિશ્વાસઘાત વગેરે દુર્બુદ્ધિના કામ, પરમેશ્વરનો પુત્ર મનુષ્ય કેમ કરી રહ્યો છે ? આ વિશે ચિંતન-મનન કરવું.
થોડી ક્ષણ અટકીને ગુરુદેવે વક્ત્યને પૂર્ણવિરામ સુધી પહોંચાડવા આગળ કહ્યું, ''આ બધા મનુષ્યની દુર્બુદ્ધિના ખેલ છે. સદ્બુદ્ધિ અને દુર્બુદ્ધિના તફાવત અને કારણો વિશે આપણે 'ભારતીય સંસ્કૃતિના પિતા યજ્ઞા અને સંસ્કૃતિના માતા-વેદમાતા ગાયત્રી' ઉપર આપણે વિગત દિવસે અભ્યાસ કરેલો હતો જે અત્યારે યાદ કરી લો. અસ્તુ.''
પોતાના પ્રશ્નના મળેલા જવાબથી સંતોષ પામેલા શિષ્યે પ્રતિભાવ પ્રગટ કર્યો, 'ગુરુજી, આજે તો આપે સમગ્ર માનવજાત પોતાના જીવનપથ પર સાચા આધ્યાત્મિક જ્ઞાનનો પથિક કેવી રીતે બની શકે તેનું અતિ ઉત્તમ જ્ઞાન આપ્યું. અમે કૃતાર્થ થયા. આપે આપેલા માનવ કલ્યાણના આ જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરીશું.
આશીર્વચન આપતા ગુરુએ કહ્યું, 'તમારા પ્રામાણીક પુરુષાર્થને ઇશ્વરના આશીર્વાદ અને મારી શુભકામના. આજના તાસના વિરામ સમયે યાદ રાખજો, આ છ પ્રશ્નોત્તર વિશે કળિયુગનો મનુષ્ય નિરંતર ચિંતન-મનન કરતો રહેશે, એના આચરણમાં મૂકવાનો સભાનતાથી પ્રયત્ન કરતો રહેશે તેમજ પોતાના અનિવાર્ય મૃત્યુને હરક્ષણ યાદ રાખી જીવન વ્યતીત કરશે તો ભટકશે નહિ તેમજ ઇશ્વર તેના હાથેથી દુર્બુદ્ધિના દુષ્કર્મો કે પાપ નહિ થવા દે. અસ્તુ...
અને આ સાથે બધા શિષ્યો ઋષિને-ગુરુને પ્રણામ કરી પોતપોતાના રોજીંદા ફરજનાં કાર્યો અર્થે વિદાય થયા.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


