- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ભીખુ ઘરના પાછળના ભાગમાં આવેલા વાડામાં સરગવાના ઝાડને જોઈને એક નિસાસો નાખે છે. બે દિવસ પહેલાં જ મોટી-મોટી શીંગો તોડીને શાકમાર્કેટમાં જઈને વેચી આવ્યો. અઠવાડિયાની રાહ જોવી પડશે. અહીં વરસાદની ખેંંચને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ હતી, પોતાના ઘરની પાછળના નાનકડા વાડામાં એક સરગવો, બે-ત્રણ પપૈયા અને શાકના ત્રણ-ચાર વેલા સિવાય કશું નહીં.
આંગણામાં જમના ગાય. પણ એનું દૂધ ભીખુના નસીબમાં નહીં. ભરપેટ ચારો ન મળવાના કારણે ગાયનું દૂધ પણ ઘટયું. જમનાનું પાંચ શેર દૂધ મળે. પૂરું ન દોહે, વાછડીના ભાગનું તેને માટે રાખે. માત્ર એક શેર દૂધ ગંગામાં અને દીકરી પાંદડી માટે રાખે, બાકીનું વેચી દે. પત્ની સમજુ. સવારે પહેલા નિશાળ વાળવા જાય. પછી સરપંચ રાઘવ પટેલને ત્યાં વાસીદું વાળવા જાય ને તેને ત્યાંથી છાશ લેતી આવે. ભીખુ આજે વાડામાંથી નિરાશ થઈ પાછો ફરી રહ્યો હતો. તેવામાં એક ખૂણામાં દુધીના વેલામાં તેને સરસ મજાની કૂણી મોટી ત્રણ દુધી દેખાય છે. તેને આશ્ચર્ય થાય છે કે એકાએક આટલી મોટી આ વેલામાં ત્રણ દુધી મારા જોવામાં જ કેમ નથી આવી ?' કાનુડા, તારી લીલા અપાર છે !' શ્રી કૃષ્ણ શરણં મમ:' કહીને ત્રણ દુધી ઉપાડીને ગામથી ચાર કિલોમીટર દૂર શહેરમાં વેચવા માટે છાશ-રોટલાનું શિરામણ કરી નીકળી જાય છે. નાનું ફાળિયું પાથરી ત્રણ દુધી મૂકે છે ને બાજુમાં બેસે છે. થોડીવારમાં રસ્તા પર કોલાહલ મચે છે. રેંકડીવાળાઓ રેંકડી લઈને કોઈ આગળ ચાલવા માંડે છે તો કોઈ આજુબાની ગલીમાં જવા માંડે છે. શાક ને ફળોનો ટોપલા નીચે રાખીને બાજુમાં બેઠેલા પોતાના ટોપલા ઊંચકીને પોતાના માથા પર મૂકી દે છે ને બેઠેલા ફેરિયાઓ સમેટવા માંડયા છે. બાજુમાં જ કેળાના ટોપલા સાથે બેઠેલ છગન ઉભો થઈને કહે છે,' ભીખુ, જલ્દી આ ટોપલો મારે માથે ચડાવવામાં મદદ કર અને પછી તું દુધી ચોફાળમાં ભરીને ઊભો થઈ જજે.' ભીખુએ ટોપલો માથે ચડાવતાં છગનને પૂછયું,' આ શેની ધમાલ છે ?' છગન કહે કે, 'તને ખબર છે ને પેલા મ્યુનિસિપાલિટીના માર્કેટ વિભાગના નવા આવેલા સાહેબ કેવા છે ? ફળોને શાકભાજી મફતમાં લઈ જાય. ઘાડ પાડે ત્યારે આગળ એ હોય ને પાછળ ગાડી. ફળોને શાકભાજી સહિત રેંકડી કે ટોપલા બધું ઉપાડી જાય ને છોડાવવા જઈએ તો અડધો માલ ગાયબ ! ટોપલા દીઠ પચ્ચીસ રૂપિયા અને રેંકડીના સો રૂપિયા પેનલ્ટી ભરવી પડે ને પૂરો દિવસ બરબાદ થાય તે જુદું.' ભીખુ દુધીઓ ઉપાડવા વાંકો વળે છે, તેવામાં સાહેબનો અવાજ આવ્યો, 'એલા, દુધી કેટલામાં આપી ?' ભીખુ દબાતા અવાજે બોલ્યો, 'વીસ રૂપિયામાં એક. સાહેબે દુધી લઈને ચાલતી પકડી. ભીખુ વિચારે છે કે, ' એક તો ગઈ, હવે આ બે વેચાય તો ઘર માટે થોડુંક હટાણું કરી લઉં.' ભીખુએ બન્ને દુધી નીચે મૂકીને બેઠો, ત્યાં તો હવાલદાર સોટી ઉલાળતો આવ્યો ને ભીખુને કહે,' અલ્યા, અહીં કેમ બેઠો છે ? ઉઠી જા અહંથી 'કહી દૂધી લઈ ચાલતી પકડી.
ભીખુ કહે,' અરે ભગવાન, આ બીજી પણ ગઇ ! ભીખું જ્યાં બેઠો હતો તેની સામેના ખૂણામાં પી.એસ.આઈ રાજગોર ઉભેલા હતા. થોડા સમયથી તેમની બદલી આ શહેરમાં થઈ હતી. તેમના પિતા દુર્ગાશંકર નિવૃત્ત શિક્ષક, ઘરમાં ધર્મ અને સંસ્કારનું વાતાવરણ. મ્યુનિસિપાલિટીના સાહેબનું પોતાના પોલીસસ્ટેશનના હવાલદારનું વર્તન જોઈ દુ:ખ થયું. હવે છેલ્લી બચેલી એક દૂધી વેચવાની આશા લઈને ઉભેલા ભીખુ પાસે એ આવ્યા અને તેને જોતાં જ ભીખુ નિરાશ થઈ ગયો. સાહેબ કહે, ' દુધી કેટલામાં આપવાની ?' ભીખુ બબડયો,' બે તો ગઈ. આ છેલ્લી ને ત્રીજી તમે લઈ જાઓ એટલે પત્યું.' સાહેબે કહ્યું,' બે ક્યાં ગઈ ?' ભીખુ કહે,' બે સાહેબો આવીને પૈસા આપ્યા વિના લઈ ગયા.' સાહેબ કહે, 'મારા સ્કૂટરની પાછળની સીટ પર બેસી જા.' સાહેબે મ્યુનિસિપાલિટીના સાહેબને ઘરે જઈને પૂછયું,' સાહેબ દુધી કેટલામાં લીધી ? સાહેબ ગેંગે-ફેંફેં થઈ ગયા. રાજગોર સાહેબે કહ્યું, સાહેબ , તમારી માર્કેટની આજની વિઝીટનો પૂરો વિડિયો આ મોબાઈલમાં છે. માટે તમે સીધી રીતે આ ખેડૂતને દુધીના રૂપિયા એક હજાર આપો. નહીં તો પરિણામની તમને ખબર છે, લૂંટ બંધ કરો.' સાહેબે રૂ. એક હજાર ખેડૂતને આપી દીધા.
પછી રાજગોર સાહેબ ગયા પોતાના પોલીસસ્ટેશને. હવાલદારને કહ્યું,' આ આ દુધી મફતમાં કેમ લીધી ? સરકાર પગાર આપે છે. તમારા કર્તૂત આ મોબાઈલમાં કેદ છે. આ ગરીબને દુધીના રૂપિયા એક હજાર આપો નહીંતર પરિણામની તમને ખબર છે.' હવાલદારે રૂપિયા એક હજાર આપી દીધા. ભીખુને લાગ્યું કે,' હવે સાહેબ આ પૈસા મારી પાસે માગશે. તે જવા લાગ્યો. રાજગોરસાહેબ કહે,' દુધી આપ ને લે આ રૂપિયા હજાર. ભીખુ કહે, ' ના સાહેબ, તમારી પાસેથી ન લેવાય.' રાજગોરસાહેબ કહે,' પકડ આ રૂપિયા ને તું જા. પોલીસ-સ્ટેશનનો સ્ટાફ મંત્રમુગ્ધ બની આ દૃશ્ય નિહાળી રહ્યો હતો. ભીખું કહે,' સાહેબ, તમે દેવદૂત બનીને આવ્યા છો !'


