શાસ્ત્રો કહે છે, 'અષ્ટાદશ પુરાણેષુ, વ્યાસસ્ય વચનમ્ હૃય,
પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ્ ।।
'અઢાર પુરાણોમાં વેદવ્યાસજીના બે વચનો છે, એક પરોપકાર એ પુણ્ય છે અને બીજી પરપીડન એ પાપ.'
સાંસારિક પ્રત્યેક મનુષ્ય બે પ્રકારની બુદ્ધિ ધરાવે છે. એક સદ્બુદ્ધિ અને બીજી દુર્બુદ્ધિ. સદ્બુદ્ધિથી સત્કર્મ, વ્યક્તિ અને સમાજના લાભાર્થેના કાર્યો કે પુણ્યના કાર્યો થાય છે. અને દુર્બુદ્ધિથી દુષ્કર્મો, હાનીકારક કે પાપકર્મો થાય છે. માયાને સમજી શકે તે માટે શાસ્ત્રોએ વ્યક્તિ માટે સદ્બુદ્ધિની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારેલી છે. આથી જ તો શાસ્ત્ર જ્ઞાતા ઋષિઓ એકી અવાજે સદ્બુદ્ધિની દાતા આદ્યશત્તિ જગદંબા વેદમાતા ગાયત્રી ના જપ કરવાની પ્રેરણા આપે છે. સદ્બુદ્ધિના સદ્જ્ઞાનને અભાવે માનવ જીવાત્મા કૌરવોના - અજ્ઞાનના, અંધશ્રદ્ધાના, પાપના, પાખંડના માર્ગનો મુસાફર બની રહે છે.
જેવી રીતે 'શ્રદ્ધા' અને 'અંધશ્રદ્ધા' વચ્ચે પાતળો પડદો છે એ જ રીતે પાપ અને પુણ્યની વચ્ચે એક પાતળી રેખા છે. કાર્યના ક્ષેત્રમાં જે કાર્યો પાપ જેવા દેખાય ને મનાય તે સર્વદા એવા પાપ હોતા નથી.
હત્યા કરવી એ એક કર્મ છે. એ ત્રણ વ્યક્તિઓને ભિન્નભિન્ન પરિસ્થિતિને લીધે ભિન્ન પરિણામવાળું થાય છે. કોઈ વ્યક્તિ બીજાનું ધન અપહરણ કરવા માટે કોઈની હત્યા કરે તે હત્યા ઘોર પાપ ગણાય છે. કોઈ ન્યાયાધીશ અથવા જલ્લાદ સમાજના શત્રુ અપરાધીને ન્યાયના રક્ષણને કાજે દેહાંતદંડની સજા કરે તો તેને માટે એનું એ કર્તવ્ય પાલન ગણાય, કોઈ વ્યક્તિ આતતાયી ડાકૂઓના આક્રમણથી નિર્દોષના પ્રાણ બચાવવાને માટે પોતાને જોખમમાં નાખીને એ અત્યાચારીનો વધ કરે તો પુણ્ય છે. હત્યા તો ત્રણેએ કરી પણ ત્રણેની હત્યાઓ જુદા જુદા પરિણામવાળી છે. ત્રણે હત્યારાઓ ડાકૂ, ન્યાયાધીશ અને આતતાયી સાથે લડીને એનો વધ કરનારો, સમાનરૂપે પાપી ગણતા નથી.
પ્રાચીન ઇતિહાસ પર દ્રષ્ટિપાત કરવાથી જણાય છે કે અનેક મહાપુરુષોને પણ ધર્મની સ્થુલ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું પડયું છે. ભગવાન વિષ્ણુએ ભસ્માસુરથી શંકરના પ્રાણ બચાવવાને માટે મોહિની રૂપ લઈ એને છેતરીને મારી નાખ્યો, સમુદ્રમંથન વખતે અમૃતની વહેંચણીમાં જ્યારે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ઝઘડો થયો ત્યારે પણ વિષ્ણુએ માયા મોહિની રૂપ લઈને અસૂરોને ધોખામાં રાખી અમૃત દેવતાઓને પીવડાવી દીધું. સતી વૃંદાનું સતીત્વ ડગાવવા માટે ભગવાને જાલંધરનું રૂપ લીધું હતું. રાજા બલીને છળવાને માટે ભગવાને વામન રૂપ લીધું હતું. ઝાડની ઓથે છૂપાઈને શ્રીરામે અનુચિત રીતે વાલીને માર્યો હતો.
મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વત્થામાના મૃત્યુનું છળપૂર્વક સમર્થન કર્યું હતું. અર્જુને શિખંડીને આગળ ઊભો રાખીને ભીષ્મને માર્યા અને કર્ણનો રથ કીચડમાં ઉતરી ગયો હોવા છતાં પણ તેનો વધ કર્યો, પ્રહ્લાદે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. વિભિષણે ભાઈનો ત્યાગ કર્યો, ભરતે માતાની ટીકા કરી, બલિએ ગુરૂ શુક્રાચાર્યની આજ્ઞા ન માની, મીરાએ પોતાના પતિને છોડી દીધો, પરશુરામે પોતાની માતાનું શિર કાપી નાખ્યું - વગેરે કાર્યો સાધારણ રીતે તો અધર્મ જણાય છે, પણ એના કર્તાઓએ સદ્ઉદ્દેશ્યથી પ્રેરિત થઈને તે કર્યા હતા. તેથી ધર્મની સુક્ષ્મ દ્રષ્ટિથી એ કાર્યોને પાતક ગણવામાં આવતા નથી.
'યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત... એ ન્યાયે અધર્મનો નાશ અને ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાનને યુગે યુગે અવતાર ધારણ કરીને અગણિત હત્યાઓ કરવી પડે છે. એમાં પાપ નથી થતું. સારા ઉદ્દેશને માટે અનુચિત કાર્ય પણ ઉચિત જ મનાય છે. તેમજ ભૂખ્યા, સંત્રસ્ત, દુઃખી, ઉત્તેજીત આપત્તિગ્રસ્ત અથવા અજ્ઞાન બાળક, રોગી કે પાગલ કાંઈ અનુચિત કાર્ય કરી બેસે તો ક્ષમ્ય ગણવામાં આવે છે. કારણ કે તે એવા મનોભૂમિના મનુષ્ય હોય છે કે જે ધર્મ અને કર્તવ્ય વિશે ઠીક વિચાર કરવા અસમર્થ હોય છે. પુણ્ય કાર્યની પ્રેરણાર્થે સદ્બુદ્ધિની દાતા ત્રિપદા વેદમાતા ગાયત્રીને પ્રાર્થના સાથે લેખને વિરામ આપીએ.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


