Get The App

સરળતા જ જીવનસૌંદર્ય .

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
સરળતા જ જીવનસૌંદર્ય                                 . 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

આ સમગ્ર સંસારમાં ચિત્ર-વિચિત્ર સ્વભાવના હોય, ભિન્ન ભિન્ન પ્રકૃતિના હોય છે. કોઈ સરળ હોય, કોઈ વક્ર એટલે વાંકો હોય, કોઈ શરીરથી સુંદર હોય, પણ મનથી મલિન હોય, કોઈ મૂર્ખ હોય, કોઈ ચતુર અને બુદ્ધિશાળી હોય, કોઈ સુસ્ત-આળસુ અને મંદ હોય તો કોઈ ચપળ અને સ્ફૂર્તિમાન હોય. ભગવાને વૃક્ષોને પ્રતીક બનાવી મનુષ્યોના સ્વભાવની સરખામણી કરતી એક ચોભંગી દર્શાવી છે.

અહીં વૃક્ષોના ચાર પ્રકારની વાત કરવામાં આવી છે.

એક શરીરથી કોમળ, ઋજુ અને સરળ હોય, કોમળ પણ હોય, પરંતુ ફળો આપવામાં વક્ર હોય. સમયેસમયે ફળો ન આપે. કોઈ એક વર્ષ ફળ આપે તો કોઈ એક વર્ષ ફળ ન પણ આપે. ઘણી વાર આવાં વૃક્ષોની સેવા કરવામાં આવતી હોય છતાંય ફળો ન આવે. ત્રીજા પ્રકારનાં વૃક્ષો દેખાવ-શરીર આકારમાં વક્રા-વાંકાંચૂંકાં હોય, પરંતુ ફળો આપવામાં સરળ હોય છે. તેનો બાહ્ય આકાર આકર્ષિત હોય પરંતુ સમયે સમયે ફળ આપી તેની સેવા કરવાનું મન સદૈવ પ્રસન્ન રાખે છે. ચોથી શ્રેણીનાં વૃક્ષોનું શરીર પણ વાંકુંચુંકું અને ફળ દેવામાં પણ વક્રતા. ક્યારેક થોડાં ફળો આપે, તે પણ  ખાટાં, કડવાં કે સ્વાદવિહીન હોય.

વૃક્ષોના સ્વભાવની જેમ મનુષ્યના પણ ચાર પ્રકાર છે. કેટલાક મનુષ્ય શરીરથી સીધા-સરળ દેખાવમાં સુંદર, ભોળા અને માસુમ લાગે છે. એમનાં વ્યવહાર-આચાર અને બુદ્ધિ સરળ અને અન્યને ગમે તેવાં હોય છે. તેવા મનુષ્યનું વ્યક્તિત્વ દસ લક્ષણાધર્મમાં સરળતાને ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું છે. ચોભંગીના પહેલા ભાગમાં માનવીનો જે પ્રકાર બતાવ્યો છે અને તેને બાળકના સ્વભાવ સાથે સરખાવ્યો છે તે સરળતા અને નિર્દોષતા તરફ અંગુલિનિર્દેશ કરે છે.

બીજા ભાગમાં માનવીના બીજા પ્રકારની વાત કહી છે જે શરીરથી સરળ પણ મનથી વક્ર હોય. બહાર જે જીવન દેખાતું હોય તેવું અંદરથી નથી દેખાતું. 'મુખમાં રામ બગલમાં છૂરી' કે 'બતાવવાના જુદા અને ચાવવાના જુદા' જેવું હોય છે. આવી વ્યક્તિઓના જીવનમાં દંભ અને લુચ્ચાઈ બન્ને હોય છે.

આવી વ્યક્તિઓની વાતચીત અને પહેરવેશ પરથી તો એ સજ્જન લાગે છે. બહારની પ્રતિભા જોઈ લોકો તેને સત્પુરુષ, ધર્માત્મા કે સજ્જન સમજવા લાગે છે, પરંતુ આવા કહેવાતા ધર્મરાજાની નજીક આવતાં મામા શકુનિ જેવાં માયા-કપટ જોવા મળે છે. કબીરે કપટીને દાડમની કળી સાથે સરખાવેલ છે. જ્યાં કપટભર્યું હેત દેખાતું હોય ત્યાં જવું નહીં. બહારથી લાલ દેખાય પણ અંદરથી જુઓ તો ધોળુંધબ. આવી કપટી વ્યક્તિનું જીવન સુખી, શાંત ન હોય. મનમાં વક્રતા અને સંતાપ હોય. તે ચિંતારહિત, નિર્ભય જીવન જીવી ન શકે. વળી અંતે તેની દુર્ગતિ થાય છે. આ માયા તેને તિર્યંચયોનિમાં લઈ જાય છે.

ત્રીજા ભાગમાં બતાવ્યા પ્રમાણેની વ્યક્તિ ભીતરથી વક્ર હોય તો ભવાંતરે તે પશુ-પક્ષી બને છે. શરીર વક્ર હોય, હાલચાલ અને વ્યવહારમાં પણ વક્રતા લાગતી હોય, પરંતુ વ્યક્તિ મનથી સરળ હોય, શાંત હોય, જ્ઞાની પણ હોય, વાંકાચુંકા શરીરવાળા ઋષિ અષ્ટાવક્ર, રાજા જનકના આમંત્રણને માન આપી તેમની રાજસભામાં પ્રવેશતાં દરબારીઓએ હાંસી ઉડાવી. તેથી અષ્ટાવક્ર કહે, રાજન ! આ જ્ઞાનીઓની સભા છે કે હલકી કોટિના ચામડીના વેપારીઓની સભા છે !

જનક કહે, ઋષિવર, આમ કેમ કહો છો ? ઋષિ કહે, આત્મજ્ઞાની કોણ હોય કે બાહ્ય ચામડીના રૂપ-પરથી વ્યક્તિની મૂલવણી ન કરે, તે તો તેના આત્મજ્ઞાનને જોઈ તેની કિંમત કરે પણ, અહીં લોકોને બાહ્ય રૂપરંગ, શરીરમાં રસ છે, જેને આત્મા સાથે લેવાદેવા નથી. ઋષિની જ્ઞાનચર્યા સાંભળી રાજસભાએ માફી માગી. શુભાશુભ નામકર્મના ઉદય પ્રમાણે શરીર મળે છે, પરંતુ મનની સરળતાનો પવિત્રતા સાથે સંબંધ છે. માનવીના ચોથા પ્રકારમાં જણાવ્યું છે કે, બહારનું શરીર, રૂપરંગ, ચાલ, વક્ર હોય અને મન, જીવન અને વ્યવહાર પણ વક્ર હોય, આવી વ્યક્તિઓ દુર્ભાગી છે, જેનું ચરિત્ર રામાયણની મંથરા જેવું હોય છે. એક વૃદ્ધ સ્ત્રીનું વાંકું-કુબડું શરીર જોઈ લોકો તેની મજાક કરતા હતા. તેનાથી આ વૃદ્ધ સ્ત્રી દુઃખી હતી. તેનું દુઃખ જોઈ નારદજીએ કહ્યું, 'જો તમે ઇચ્છતાં હો તો હું પ્રભુને પ્રાર્થના કરી, તમારું વાંકુંચુંકું, કુબડું શરીર સારું કરાવી દઉં.' વૃદ્ધા બોલી કે, 'જો તમે કરાવી શકતા હોય તો ભગવાન પાસે એક કામ કરાવો. આ તમામ ગ્રામવાસીઓને કુબડા બનાવરાવી દો. આ લોકો મારી મજાક-મશ્કરી કરે છે તેની તેમને આવી જ સજા મળવી જોઈએ.' વૃદ્ધાનો આ જવાબ સાંભળી નારદજી શું બોલે ? તેમણે ચુપચાપ ચાલતી પકડી.

ભગવાન મહાવીરે આવી મનોવૃત્તિવાળા લોકોને કૃષ્ણલેશ્યાવાળા લોકો કહ્યા છે. તેમની બહાર અને અંદર બધું જ કાળું, મલિન. સંસારમાં ક્યારેય સુખ ન રહી શકે. બીજાનું દુઃખ-દર્દ જોઈ, માત્ર દુઃખની અનુભૂતિ થાય તેટલું જ નહીં, દુઃખીનું દર્દ દૂર કરવા, તેની પીડા ઓછી કરવા આપણે યથાશક્તિ પુરુષાર્થ કરવો તે અનુકંપા, દયા અને કરૂણાભાવ છે. બીજાનાં સુખ-સમૃદ્ધિ, ઉપલબ્ધિ અને સત્કાર્ય જોઈ પ્રસન્ન થવું અને તે કાર્યની ખરા હૃદયથી અનુમોદના કરવી તે પ્રબોધભાવના છે. જીવનમાં સુખ-શાંતિ અને આનંદ જોઈતો હોય તો બાળક જેવા સરળ બનવું જોઈએ.