Get The App

અધર્મના મદદગાર છે મૌન, મોહ, ભય અને સ્વાર્થ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
અધર્મના મદદગાર છે મૌન, મોહ, ભય અને સ્વાર્થ 1 - image

- દરેકને સામાન્ય અનુભવ એવો છે કે અન્યાય, આતંક કે અધર્મની સામે અવાજ ઊઠાવનારને સહન કરવું પડે છે. કિંમત ચુકવવી પડે છે. તે એકલો પડી જાય છે. અસુરક્ષિત અનુભવે છે. તેને ભય રહે છે કે કોઈ તેને મારી નાખશે. માણસ અંગત મોહથી, ભયથી કે સ્વાર્થથી જાત બચાવવા મૌન રહે છે. પણ શું માણસ એકલો છે ?

શકુનિની કપટી ચાલથી દ્યુતસભામાં યુધિષ્ઠિર જુગારમાં જ્યારે દ્રૌપદીને પણ હારી ગયા ત્યારે દુર્યોધન, દુ:શાસન અને કર્ણએ કાનથી સંભળાય નહિ અને હૃદયકંપી ઊઠે એ હદે કટુવચનો કહી દ્રૌપદીને અપમાનિત કરી. પાપિણી, વેશ્યા, મહેલમાં ઝાડ લગાવનારી દાસી, નિર્લજ્જ સ્ત્રી કહી. દુર્યોધનના આદેશથી એક પ્રાતિકામિન (દાસ) દ્રૌપદીને બોલાવવા ગયો ત્યારે દ્રૌપદીએ પૂછાવ્યું, 'બે પ્રાતિકામિન, તમે સભામાં બેઠેલા ધર્માત્મા, નીતિજ્ઞા અને શ્રેષ્ઠ મહાપુરૂષોને જઈને પૂછો કે આવા સમયે ધર્મ અનુસાર મારે શું કરવું જોઈએ ?' દાસ દ્રૌપદીની વાત લઈ સભામાં ગયો. ત્યાં ભીષ્મ, દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય, સંજય, અશ્વત્થામા, સોમદત્ત, યુયુત્સુ અને ભૂરિશ્રવા જેવા મહાપુરૂષો બેઠા હતા. (અધોમુખાસ્તે ન ચ....) પણ દુર્યોધન વડે આચરાતો આ અધર્મ નજર સામે જોઈને, તેનો મર્મ સમજીને પણ સૌ નતમસ્તકે બેસી રહ્યા. કોઈ કશું ના બોલ્યું. ચૂપ રહ્યા. મૌન રહ્યા. એકલા વિકર્ણે દુર્યોધનની વાતનો વિરોધ કર્યો. પણ કર્ણએ તેને પરાણે ચૂપ કરાવી દીધો. અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાનો અધમ પ્રયાસ થયો. ત્યારે હે ગોવિંદ, હે દ્વારકાધીશ, હે ગોપીજનવલ્લભ નો આર્તનાદ કરી દ્રૌપદીએ શ્રીકૃષ્ણને શરણે જઈ પ્રાર્થના કરી. શ્રીકૃષ્ણએ ધર્મ અધર્મની પરવા કર્યા વગર એક પીડિત નારીની લાજ બચાવી. વિદુરજીએ ત્યાં બેઠેલા સૌને કહ્યું, 'ધર્મ પ્રશ્મતો બ્રૂયાદાર્ય...' ધર્મિષ્ઠ માણસે અન્યાયનો - અધર્મનો સામનો કરી ધર્મ અનુકૂળ થઈ સત્યનો સાથ આપવો જોઈએ. આવી રીતે નજર સામે થતો અધર્મ જોઈને ચૂપ ના રહેવું જોઈએ. (યો હિ પ્રશ્નં ન વિબ્રૂયાદ...) આ અધર્મ છે એવું જોઈને, જાણીને, સમજીને પણ મૌન રહેવાથી અધર્મીને લાગતા પાપમાં તે પણ ભાગીદાર ગણાય છે.

જીૈઙ્મીહષ્ઠી ખ્તૈદૃીજ ર્ષ્ઠહજીહં. મૌનમ્ સહમતી લક્ષણમ્ અધર્મ, અન્યાય કે આતંક સામે માણસની ચુપકી તેની સહમતી દર્શાવે છે. મતલબ કે અધર્મથી થતા કાર્યને પણ તે યોગ્ય ગણે છે. કંસ, રાવણ કે દુર્યોધન જેવા અધર્મી સામે મૌન રહેનાર, કોઈપણ પક્ષ લીધા સિવાય તટસ્થ રહેનાર, નિરપેક્ષ કે અકર્મણ્ય રહેનાર માણસ આંખો હોવા છતાં 'જાગ્રત અંધ' છે. માણસ જ્યારે કોઈપણ પ્રકારના સ્વાર્થ, મોહ કે ભયથી અન્યાય કે આતંક સામે ઝૂકીને આંખો મીંચી દે છે ત્યારે સત્ય, અસત્ય, ધર્મ-અધર્મ, સારા-ખોટા વચ્ચેનું વૈચારિક મૂલ્ય વીસરી જાય છે. તે સ્થિતપ્રજ્ઞાતા ઢાંકીને સુશીલ હોવાનો દંભ કરે છે. ખરેખર ધર્મના અર્થઘટન વખતે શબ્દોના ઠાલા અર્થને પકડીને ચૂપ ના બેસી રહેવાય. માણસે ધર્મના અર્થની ભાંજગડમાં પડયા વગર તેના આચરણ થઈ આવતા પરિણામનો વિચાર કરવો જોઈએ. જો ધર્મનો અર્થ બરાબર સમજીને... આચરણ કર્યા પછી પણ પરિણામ અધર્મના પક્ષે જતું હોય તો તે ધર્મ છીછરો છે. તેનામાં સત્વ નથી. ઊંડાણ નથી.

બુદ્ધ, ઇશુ, મોહંમદ, નાનક કે કબીરે તેમના સમયમાં થતા અન્યાય, અસમાનતા કે ઉત્પીડન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. દરેક યુગના ક્રાંતિકારીઓએ સમાજની જડતા અને ભય ભગાડી લોકોને જાગૃત કર્યા હતા. ડરબનથી પ્રિટોરિયા જતી વખતે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ સ્ટેશને ગાંધીજીને સામાન સાથે ધક્કો મારી નીચે ઊતારી દીધા ત્યારે તે ચૂપ નહોતા રહ્યા. એ અન્યાય અને અનાદરની ચિનગારીએ જ વર્ષો પછી ગુલામીમાં જકડાયેલા ભારત દેશને આઝાદી અપાવી હતી.

પહેલી ડિસેમ્બર, ૧૯૫૫ની વાત છે. અમેરિકાના અલાબામા રાજ્યમાં આવેલ મોન્ટગોમરી શહેરની એક બસમાં મિસિસ રોઝા પાર્કસ નામની હબસી સ્ત્રી મુસાફરી કરી રહી હતી. ધીરે ધીરે બસ ચિક્કાર ભરાઈ ગઈ. આગળના સ્ટેન્ડથી કેટલાક ગોરા સદ્ગૃહસ્થો અને સન્નારીઓ બસમાં ચઢયાં. મોટેભાગે તેમના માટે હબસીઓ ઊભા થઈ સીટ ખાલી કરી આપે. આજેય એમ જ બન્યું. ઘણા હબસીઓ ઊભા થઇ ગયા. પણ એકમાત્ર મિસિસ રોઝા પાર્કસ ઊભી ના થઈ. બધાએ એને સીટ ખાલી કરવા કહ્યું. પણ રોઝા ઊભી ના જ થઈ. તેના મનમાં પ્રકાશનંુ એક કિરણ ફૂટયું. કાયમ આવું અપમાન ક્યાં સુધી ? આવો અન્યાય ક્યાં સુધી ? તેનું મન બંડ પોકારી ઊઠયું. ડ્રાઈવરે ઊંચા અવાજે સીટ ખાલી કરવા હુકમ કર્યો, પણ રોઝા ઊભી ના જ થઈ. છેવટે પોલિસ બોલાવવામાં આવી. તેને ગિરફતાર કરવામાં આવી. પછી તો મોન્ટેગોમરી શહેરમાં ના બનવાનું બન્યું. મિસિસ રોઝાનું ગૌરવ આખા શહેરના હબસીઓનું ગૌરવ બની ગયું. મહાત્મા ગાંધીની અહિંસાના માર્ગે લડત શરૂ થઈ. હબસીઓએ બસનો બહિષ્કાર કર્યો. આ લડત ત્રણસો એંસી દિવસ ચાલી. બસ કંપનીઓને લાખો ડોલરની ખોટ પડી. શું કરવું ? 

છેવટે અમેરિકન સુપ્રીમ કોર્ટે ન્યાય કર્યો. બસમાં ખાલી બેઠકો પર સર્વનો અધિકાર છે. કોઈ બળજબરીથી સીટ ખાલી કરાવી ના શકે. વાત નાની હોય કે મોટી. માણસને અન્યાય થતો હોય. અપમાન થતું હોય, તેનો ગર્વ હણાતો હોય તેવા સમયે મૌન રહેવું એ મનની કાયરતા છે.

દરેકને સામાન્ય અનુભવ એવો છે કે અન્યાય, આતંક કે અધર્મની સામે અવાજ ઊઠાવનારને સહન કરવું પડે છે. કિંમત ચુકવવી પડે છે. તે એકલો પડી જાય છે. અસુરક્ષિત અનુભવે છે. તેને ભય રહે છે કે કોઈ તેને મારી નાખશે. માણસ અંગત મોહથી, ભયથી કે સ્વાર્થથી જાત બચાવવા મૌન રહે છે. પણ શું માણસ એકલો છે ? માણસ એકલો જ જીવે છે ? માણસને કુટુંબ છે, મિત્રો છે, સમાજ છે, વ્યક્તિગત માણસ ભલે કમજોર દેખાય પણ સંગઠન તેને હિંમત આપે છે. સારા, સદાચારી, સુશીલ, ચોખ્ખા માણસોનું સંગઠન ધારે તે પરિવર્તન લાવી શકે છે. ગમે તેવા અન્યાયને, અધર્મને હટાવી શકે. જરૂર છે દરેકમાં સારું જોવાની. સારાનું સંગઠન બનાવવાની. માણસે પોતાનું ગૌરવ જાળવવું હોય તો અંગત સ્વાર્થ છોડીને મૌન તોડવું પડશે.

કુછ ન કહને સે ભી છિન જાતા હૈ અપના ગૌરવ

ચુપ રહેને સે ભી કાતિલ કી મદદ હોતી હૈ.

- સુરેન્દ્ર શાહ