શ્રી ભાગવત રસામૃત પૂ. શ્રી રામચંદ્ર ડાંગરેજી મહારાજ તેમની કથાના આધારે શ્રીમદ્ ભાગવત પંચમ સ્કંધમાં મહારાજ કહે છે. નાળિયેરની અંદર કાચલી હોય છે, અને તે કાચલીની અંદર કોપરું હોય છે. કાચલી કઠણ છે, કોપરું કોમળ છે. કાચલી નીરસ છે, કીપરું સ-રસ છે. કાચલીમાં સ્વાદ નથી, સ્વાદ કોપરામાં છે. પણ નાળિયેરમાં પાણી હોય ત્યાં સુધી કાચલી કોપરાને વળગી જ રહે છે, છોડતી નથી. કાચલીને કોપરાથી અલગ કરવી બહુ કઠણ છે. બહુ ગરમી પડે ત્યારે નાળિયેરનું પાણી સુકાઈ જાય છે. અને ત્યારે ગોટો અને કાચલી બે જુદાં પડે છે.
આ શરીર કાચલી જેવું છે. શરીરની અંદર રહેલો શુધ્ધ ચેતન આત્મા કોપરા જેવો છે. આત્મા રસમય છે. રસ કોપરામાં છે, કાચલીમાં નથી. કાચલીથી કોપરું જુદું પડે તો જ કોપરાપાક થાય છે. નાળિયેરમાં પાણી હોય ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી જ નથી, વળગી જ રહે છે. ભાઈ સંસારના વિષયોનો જેને સરસ લાગે છે, તેને શરીરથી આત્મા જુદો દેખાશે નહિ. શરીરથી જુદો આત્મા ત્યારે દેખાય છે જ્યારે વિષય-રસ સુકાઈ જાય છે, જ્યારે સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. સંસારના વિષયો જ્યારે કડવા લાગે છે ત્યારે મન ત્યાંથી હટી જાય છે. આનંદ-સ્વાદ કાચલીમાં નથી, રસ કોપરામાં છે. શરીર રસમય નથી કલ્પેશભાઈ, આત્મા રસમય છે. આનંદમયનો પરમાત્મા છે. જ્ઞાાની પુરુષો શરીરથી આત્માને જુદો પાડે છે. જ્ઞાાની પરમહંસો એવું માને છે કે જે દેખાય છે. તે બધુ ખોટું છે, જે ને દેખાય છે તે પરમાત્મા સત્ય છે. પરમાત્મા સર્વ દ્રષ્ટા છે, સાક્ષી છે. દ્રશ્ય મિથ્યા છે, દ્રષ્ટા સત્ય છે. દ્રશ્ય તો સાહેબ ક્ષણે ક્ષણે બદલાય છે. દ્રશ્ય તો દુ:ખરૂપ છે.
જ્ઞાાની પુરુષો જે દેખાય છે એનાં મોહ છોડે છે, જેને દેખાય છે એ પરમાત્મા સાથે પ્રેમ કરે છે. એ દ્રષ્ય દ્રશ્ય જગતમાંથી દ્રષ્ટિ હટાવીને દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરે છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી જગતને મિથ્યા માને છે. જગત ખોટુ છે તે બોલવું સહેલુ છે, પણ જગત મનથી સમજવું બહુ કઠણ છે. જગત ખોટુ છે તે બરાબર સમજાય તો જગતમાં દુ:ખ નથી, પરંતુ જગતને સાચુ સમજીને માનવ વ્યવહાર કરે છે. સંસાર સુખરૂપ છે, તેવું સમજીને જ એ વ્યવહાર કરે છે સંસારનું સુખ એ દુ:ખ છે.
મહારાજ કહે છે, જે મનને શાંત રાખીને સહન કરે છે એના પક્ષમાં ભગવાન ઉભા રહે છે. દુ:ખ સહન કરો. કોઈ નિંદા કરે કંઈ બોલે તો જીવ બાળશો નહિ. શબ્દ તમને ક્યાં વળગે છે. મન શાંત રાખી સહન કરો હૈયામાં ભગવાન વિરાજેલા છે. હૈયું બાળશો નહિ. સંસાર ખોટો છે, સંસારમાં મળેલાં માન-અપમાન પણ ખોટા છે. મળેલા માન પત્ર સાથે નહી આવે. જે પરમાત્માને માન આપે છે. એનું માન કાયમ રહે છે. ભગવાનની ઈચ્છાને ભક્તની ઈચ્છા જ્યારે એક થાય ત્યારે જ ભક્તિમાં આગળ વધી પ્રેમમય હ્ય્દય શુધ્ધ બને છે.
- વસંત આઈ.સોની


