શ્રી પરશુરામ જ્યંતિ .
શ્રી રામચંદ્ર ભગવાનના ગુરૂ શ્રી વિશ્વામિત્રજીના પૂર્વજ કુશનાભ હતા. જેમને સો દીકરીઓ હતી. તેને પરણાવ્યા પછી પુત્ર પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરી. પિતા કુશે પ્રસન્ન થઇ આશિર્વાદ આપ્યા. તેથી ગાધિ નામે પુત્ર થયો. ગાધિની કન્યા સત્યવતીનું લગ્ન રૂચિક ઋષિ સાથે થયું. પુત્ર પ્રાપ્તિ માટે જ્યારે યજ્ઞા થયો ત્યારે યજ્ઞાના પ્રસાદનો ચરૂ વ્હેમમાં બદલી કાઢવામાં આવ્યો. આનાથી એટલો મોટો ફેરફાર થયો કે ઘરમાં પરશુરામ પ્રગટ થવાના હતા ત્યાં વિશ્વામિત્ર થયા અને જ્યાં વિશ્વામિત્ર પ્રગટ થવાના હતા ત્યાં પરશુરામ પ્રગટ થયા. સત્યવતી અને ઋચિકને ત્યાં જમદાગ્નિ થયા જેમના પત્ની રેણુકાની ગોદમાં મહાતેજસ્વી, પરાક્રમી અને ભગવાન મહાવિષ્ણુના સોળમાં અવતારરૂપે શ્રી પરશુરામજી પ્રગટ થયા. છકી ગયેલા ક્ષત્રિયોને દંડ આપવા એકવીસવાર પૃથ્વીને નક્ષત્રિય કરી. પિતાની આજ્ઞાનું પાલન કરવા સ્વયં માતાનો શિરચ્છેદ કર્યો. પ્રસન્ન થયેલ પિતા પાસે પોતાની માતાને જિવિત કરવાનું વરદાન માગીને માતાને પુન: જિવિત કરી. જનક રાજાને ત્યાં સીતા સ્વયંવરમાં શિવ ધનુષનો ભંગ થયેલો જાણીને ક્રોધાવેશમાં જનકપુર પધાર્યા. લક્ષ્મણજી સાથે થયેલો વિવાદ પ્રભુ રામે નમ્રતા અને કુનેહપૂર્વક શાંત કર્યો. પરશુરામે રામની છાતીમાં ભૃગુલાંછન જોઇ વંદન કર્યા. પૃથ્વી પટલ ઉપર જે સાત ચિરંજીવીઓ છે તેમાં પરશુરામજીની ગણના છે. શ્રી પુનિત મહારાજ તેઓ વિષે લખે છે...
જુઓ મૂર્તિ અજબ પરશુરામતણીરે જુઓ બ્રાહ્મણ જાતિમાં એતો એક મણિરે, પુનિત જનોઇ ખભે પરશુ છે હાથમાં, અંગે વિભૂતિ એને શોભે ઘણીરે....