શ્રી કૃષ્ણ પ્રાગટય જન્માષ્ટમી .
- મારો શ્યામ આવે છે, ઘનશ્યામ આવે છે
મથુરાની જેલમાંથી ગોકુળ આવે છે
વસુદેવજીના શિરે બિરાજી રંગ જમાવે છે
- યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ ધર્મસ્ય, તદાત્માન સૃજામ્યહમ
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે...
સતયુગમાં સનત્કુમારો દ્વારા શાપિત વૈકુંઠના દ્વારપાળો જય-વિજય પ્રથમ હિરણ્યાક્ષ-હિરણ્યકશ્યપ થયા. ત્રેતાયુગમાં રાવણ-કુંભકર્ણ થયા ત્યારબાદ દ્વાપરયુગમાં દંતવકત્ર અને શિશુપાલ થયા. તે સમયે મથુરામાં કાલનેમિ કંસ થયો. બીજી તરફ કૌરવો, જરાસંઘ, નરકાસુર, કાલયવન, અધાસુર, બકાસુર, પ્રલંબાસુર, પૂતના, કેશી, તૃણાવર્ત જેવા અસુરોના અત્યાચારથી પૃથ્વી ઉપર પાપોનો બોજ વધતો ગયો. જેનો ઘડો ભરાતા જ બ્રહ્માજીની અધ્યક્ષતામાં પૃથ્વીરૂપી ગાય, દેવો સૌએ સાથે મળી શેષશાયી નારાયણની આર્તસ્વરે સ્તુતિ કરી. પ્રભુએ મથુરાના કારાગૃહમાં વસુદેવ-દેવકીની ગોદમાં શ્રી કૃષ્ણરૂપે પ્રગટ થવાનું વચન દીધું. 'મેં મથુરામેં આઉંગા, મૈં ગોકુલ મેં જાઉંગા સાવન કો આનેદો.' આમ શ્રાવણ વદ આઠમને બુધવારે રાત્રીના બાર વાગે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પુનિત પ્રાગટય થયું. સંસારને નિંદ્રધીન કરી શ્રી યમુનાજીને ચરણસ્પર્શ કરાવી શ્રી ગોકુલ પધાર્યા. નોમના પ્રાતઃ કાલે શ્રીનંદ મહોત્સવ યોજાયો. શ્રીનંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, બ્રાહ્મણ કો દાનદીયો હાથી ઘોડા પાલખી ના નાદથી વ્રજ ગુંજી ઉઠયું. ૫૨૦૦ ધર્મોધ્ધારક, ધર્મધુરંધર શ્રી કૃષ્ણ પ્રભુનો સર્વત્ર જયજયકાર હો. સર્વે વૈષ્ણવોને વધાઈ હો વધાઈ.
- મુકેશભાઈ ભટ્ટ