શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ
હરેકૃષ્ણ મંદિર, ભાડજ અમદાવાદ ખાતે તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી કરી રહ્યું છે. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભક્તોને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરેનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાં વધુ દર્શનીય બનાવશે.
ઉત્સવમાં આશરે ૧ લાખ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખી ખૂબજ વિશાળપાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને મંદિર આખો દિવસ કોઈપણ જાતના વિરામ વગર દર્શન માટે ખુલ્લું રહેશે. ભગવાનના દર્શન મહામંગલા આરતી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઘડી બાદ રાત્રે ૧.૦૦ વાગે બંધ થશે.
આખા દિવસ દરમ્યાન જાણીતા ભજન ગાયકો દ્વારા સુંદર ભજન ગાવવામાં આવશે. સર્વે ભક્તો આ દિવ્યમય સંગીતનો લાભ લઈ શકશે જે તેમના ઉત્સવના આનંદમાં વધારો કરશે. હિંડોળા સેવાનું આખા દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે જેને મુલાકાત લેનાર સર્વે ભક્તો ભગવાનને ઝૂલવવાનો લહાવો લઈ શકશે.
જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞામાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્યનામનું ૧૦ લાખ વખત રટણ કરવામાં આવશે અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવશે જે લોકોની શાંતિ અને સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે.
જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટ રીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સવારે ૧૧.૦૦ વાગે સવારી કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રીની મહાઆરતી કરવામાં આવશે.
ત્યારબાદ ભક્તો દ્વારા રથના દોરડા ખેંચીને ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવશે. આજ રીતે સમીસાંજે પણ ભગવાનશ્રીની પ્રતિમાને સ્વર્ણરથમાં સવારી કરાવવામાં આવશે. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્વારા હરિનામ સંકિર્તન કરવામાં આવશે. સ્વર્ણરથ ઉત્સવ એ ગુજરાતનાં મંદિરોમાં થતી વિશિષ્ટ ઉજવણીઓમાંની એક ઉજવણી છે.