શ્રાવણ વદ અમાસને 'ર્દ્ભગ્રહણી અમાવસ્યા' કહેવાય છે. તે દિવસે દર્ભ ઉખેડી લાવવો તેમ 'હારીન ઋષિએ હેમાદ્રિમા કહેલું છે. તે દિવસે લાવેલો દર્ભ (એક પ્રકારનું ઘાસ) નિઃસત્વ થતો નથી. તેથી તે ગમે તે દિવસે ઉપયોગમાં લઈ શકાય છે. આ વ્રતમાં પૂજા (દર્ભની) કરતી વખતે નીચે મુજબનો સંકલ્પ કરાય છે.
'मप इह जन्मानि, जन्मांतरेवा
सौभाग्य पुत्र पौत्र कलवाप्तर्थ व्रतं करिष्टो ।'
મને આ જન્મમાં અથવા જન્માંતરમાં સૌભાગ્ય પુત્ર અને પૌત્રનું ફળ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરૃં છું.
સ્ત્રીને સૌભાગ્ય આપનાર તેમજ, પુત્ર, પૌત્રવતી બનાવનાર આ અમવસ્યા 'માતૃદિન' તરીકે પણ ઓળખાય છે. એક સ્ત્રીને મરેલા પુત્રો જન્મતા હતા. તેથી વનમાં જઈને તેણે યોગીઓને પ્રસન્ન કરી પોતાના પુત્રો જીવંત રહે તેવી પ્રાર્થના કરી. તેની પ્રાર્થના ફળી. અને તે યોગિઓના આશીર્વાદથી તેના પુત્રો જીવવા લાગ્યા. આવી ભવિષ્ય પુરાણમાં એક કથા છે.
આ કથાનો સાર એ છે કે કેવળ પુત્રો જન્મવા એ પૂરતું નથી. પરંતુ તે જીવવા જોઈએ- જીવતા અને તંદુરસ્ત રહેવા જોઈએ. જીવંત અને સારા પુત્રોથી જ માતાનું મસ્તક જગતમાં ગૌરવથી ઊંચું રહે છે. આપણે ત્યાં 'સીમંતિની' સ્ત્રીને કહેવામાં આવે
છે કે,
'નિરુત્સાહી, નિરાનંદી, નિઃતેેજ, નિવીર્ય, અને શત્રુને જેના જન્મથી આનંદ થાય એવા પુત્રને તું કદી પણ જન્મ આપતી નહીં. (મહાભારત- ઉદ્યોગપર્વ) સો મૂર્ખ છોકરાઓ કરતાં એક ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે. એક ચંદ્ર જ અંધકારને હણવા સમર્થ છે, નહીં કે અનંત તારાઓનો સમુદાય ! ચંદ્રથી જ રાત પ્રકાશિત ગણાય છે.
एकेन सुपुत्रेन सिंही
स्वपिति निर्भयम् ।।
એક જ સુપુત્રને જન્મ આપીને સિંહણ નિર્ભયતાથી સુઈ શકે છે. જ્યારે દશ પુત્રોને જન્મ આપીને પણ ગધેડીએ ભાર વહન કરવાનો જ રહે છે. ઉપનિષદમાં કહ્યું છે.
मातृमान पितृमान आचर्यवान पुऱुषो वेद ।
જેને મા, બાપ અને ગુરુ હોય તેને જ્ઞાન મળે, તો તેનામાં યોગ્યતા હોવાનાં ગુણોનો સંચાર થાય છે.
'મા' એ કેવળ બાળકની જ નહીં. પરંતુ તેના સંસ્કારોની પણ જન્મદાત્રી છે. આપણી સંસ્કૃતિએ 'મા'નુ ખૂબ જ ગૌરવ વધાર્યુ છે. 'मातृदेवो भवः' એમ કહીને તેને આદ્યપૂજાનું સ્થાન આપ્યું છે એક સારી માતા સો શિક્ષકની ગરજ સારે છે. માતા એ પ્રેમની અજોડ મૂર્તિ છે. પોતે ભીનામાં સુઇને દીકરાને સૂકામાં સુવડાવનાર માના વાત્સલ્યને જગતમાં ઉપમા મેળવી મૂકે છે.
માતા એટલે અખૂટ વહેતુ પ્રેમનું ઝરણું ! મોટા ભાગના મહાપુરુષોના જીવનના ઘડતરમાં તેમની માતાઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે. સાચી મા તો પોતાના બાળકનું પારણું ઝૂલાવતી વખતે ભાવપૂર્ણ અંતઃકરણથી વીરરસનાં ગીત ગાતી હોય છે. 'માતૃદિન' એટલે આવી શ્રેષ્ઠ સંસ્કૃતિપૂજક માતાઓનું સ્મરણ કરવાનો દિવસ !
ભારતી સંસ્કૃતિ આવી અનેક વીરમાતાઓથી વિભૂષિત છે. બાળપણથી જ પોતાનાં બાળકોમાં સાચી વિરકિત ના ભાવો જગાડનાર જ્ઞાનમૂર્તિમદાલસા એ તો ચિરઃસ્મરણીય છે.
'शुद्धोडसि वृद्धोडसि निरंजनोडसि,
संसार माया परिवर्जिती डसि ।
संसार मिथ्या त्यज मोहनिंद्रां,
मदालसा पुत्रम् उवाच वाव्यम् ।।'
આવો સંદેશો તે સતત પોતાના બાળકોને આપતી. જેના નામ ઉપરથી આપણા દેશનું નામ 'ભારત' પડયું. તેવો સિંહનું મોઢું ફાડીને તેના દાંત ગણવાની હિમત રાખનાર, સર્વદમન એટલે ભરતને જન્મ આપનારી આપણી આદ્યજનની શકુંતલાને આજના માતૃદિન સમયે કેમ ભૂલાય?
ભગવાન રામને જન્મ આપવાનું સૌભાગ્ય જે ને સાંપડયું એટલું જ નહીં પણ જેણે રામને પણ જીવન તરફ જોવાની શુભદ્રષ્ટિ બક્ષી. એવી 'कौशल्या शुभदर्शना' પાસેથી પ્રત્યેક માતાઓએ જીવન દર્શન મેળવવા જેવું છે. તેની જોડે જોડ જ પુત્રને યોગ્ય કેળવણી આપી સુયોગ્ય ઉમરે તેની સાચી મિત્ર બનીને ઉભી રહેનાર લક્ષ્મણ જનની સુમિત્રા પણ વંદનીય છે. 'कुल पवित्रं जननी कृतार्था'- એ જેને માટે કહેવાય છે. એવા 'હનુમાન' જેને જન્મ આપીને માતા અંજની કૃતાર્થ બની, લવ અને કુશ જેવા તેજસ્વી બાળકોને જન્મ આપનારી માતા સીતાનું સ્મરણ પણ કરવું જોઈએ.
મહાભારત કાળમાં પણ કુંતાએ માતૃપદનું ગૌરવ દીપાવ્યું હતું. અનંત અગવડો વેઠીને પણ તેણે પોતાના પુત્રોને મોટા કર્યા હતા. તેની તપશ્ચર્યાએ તેના પુત્રોનું સાચું જીવન ઘડતર કર્યું હતું. તેના પુત્રોની આફતની આંધીઓથી કદી ગભરાયા નહોતા કે વિદ્વાનોના વંટોળિયા એ કદી ઝૂકાવ્યા ન હોતા. તેનો પુત્ર અર્જુનનો જ પુત્ર અભિમન્યુ તેમજ તેનામાં વીરત્વ પ્રગટાવનાર, તેની માતા 'સુભદ્રા' પણ નમસ્કારને પાત્ર છે. અર્જુનની અનુપસ્થિતિમાં પણ સંસ્કૃતિ રક્ષણની કટોકટી ભરી પળે ક્ષણભરનો વિચાર ન કરતા. જેણે જીવન બલિદાન આપવાનો નિશ્ચય કરી લીધો એ અભિમન્યુનો આદર્શ પ્રત્યેક માતાએ પોતાના બાળક પાસે મુકવો જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના ઘડતરમાં પણ તેમની માતા જીજાબાઈનો ફાળો કંઈ નાનો સૂનો નહોતો.
પોતાની માતા ઉપરાંત રાજપત્ની, ગુરૂપત્ની, ભાતૃપત્ની, તેમજ સાસુમા તરફ પણ માતૃદ્રષ્ટિએ જોવાનો આદેશ છે, રાષ્ટ્રમાતા કે સંસ્કૃતિ માતાને પણ આજના દિવસે યાદ કરીને તેમના ચરણ શક્તિનું હવન કરવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. આ બધી માતાઓમાં દેવત્વ જોતાં જોતાં અંતે દેવ એટલે ભગવાન જ મા-જગદંબા લાગવા માંડે એ ભક્તિની પરાકાષ્ઠા છે. 'क्षुधातृषांर्ता जननी स्मरन्तिा' એ શંકરાચાર્યનું વચન આ ઉન્નત અવસ્થાની પ્રતીતિ કરાવે છે. 'બા'- માં ભગવાન જોવાની સાંસ્કૃતિક દ્રષ્ટિ આપતો આ 'માતૃદિન'નો ઉત્સવ આપણને સાચી સમજણ આપી સમાજમાં માતૃભાવોને આપણા હૃદયમાં જાગૃત કરે છે.
સૂત્રામૃત ઃ
आक्रुश्यमानो नाकेशिन्,
अन्युरेव तितिक्षितः ।।
आक्रेष्टिा रं निःढहति,
सुकृतं चास्य विल्यति ।।
(પંચામૃત)
કોઈ ગાળો દે તો પણ તેને સામીગાળ દેવી નહીં, આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને બાળી ચૂકે છે.
ચર્ચા એટલે જ્ઞાનની આપ-લે, જ્યારે દલીલો એટલે અજ્ઞાનની આપ લે.
- ડૉ. ઉમાકાંત જે.જોષી


