પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનું પર્વ એટલે શ્રાધ્ધ પર્વ
માતા-પિતા અથવા પૂર્વજો આપણી સામે જીવંત હોય તેનો તો આદર કરીએ જ, પરંતુ જે આંખની સામે નથી તેવા પરોક્ષરૂપી ઓછામાં ઓછી સાત પેઢીનાં પૂર્વજો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે હેતુથી ઋષિમુનિઓએ શ્રાધ્ધપર્વનું આયોજન કર્યું છે. જે વૈદિક સમયથી જ ભારતમાં પ્રચલિત છે. મરણ પામેલા પિતૃ-પિતામહ વગેરેને ઉદ્દેશીને શ્રધ્ધાથી જે કંઇ અર્પણ કરીએ તેને શ્રાધ્ધ કહેવાય.
પિતૃઓ ચંદ્રલોકના નિવાસી છે. તેમને છ માસનો દિવસ અને છ માસની રાત્રિ હોય છે. તેઓ દક્ષિણમાં રહે છે. તેથી મનુષ્યલોકની રીતે સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશે ત્યારે તેમના લોકમાં તેમના દિવસનો પ્રારંભ થાય. કન્યા અને તુલા રાશિમાં સૂર્ય આવે ત્યારે અર્થાત્ ભાદરવા માસમાં તેમનો મધ્યાહ્ન થાય. આમ ભાદરવો એટલે પિતૃઓની બપોર. આ સમયે કોઇપણ વ્યક્તિને ભોજન આપવામાં આવે તો ભોજન કરનારને શાંતિ થાય. આવી રીતે ભાદરવા માસના કૃષ્ણપક્ષને પૂર્વજોએ શ્રાધ્ધપક્ષ તરીકે નક્કી કર્યો. આને જ મહાલય શ્રાધ્ધ કહે છે. આ શ્રાધ્ધ ગમે તેટલા વરસ સુધી, બધા જ સંતાનો કરી શકે, કારણ કે તેનું પ્રયોજન છે પિતૃઓની પ્રસન્નતા અને આશીર્વાદની પ્રાપ્તિ.
ભાદરવાના કૃષ્ણપક્ષથી સોળ દિવસનું ''શ્રાધ્ધપર્વ'' ઉજવાય છે. આ દિવસોમાં હિંદુઓ પોતાના પૂર્વજોને યાદ કરી શ્રધ્ધાપૂર્વક શ્રાધ્ધ કરે છે. લોકો લોટ કે ભાતના ગોળા એટલે કે પિંડ બનાવી ને પિંડ વડે પિતૃઓનું તર્પણ કરે છે. કાગવાસ નાંખે છે. આ શાસ્ત્રકથિત શ્રાધ્ધનો મુખ્યવિધિ છે. વળી, આ દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરતા દૂધપાક જેવા મિષ્ઠ આહારનો આનંદ પણ લોકો લે છે.
પિતૃઓ જે તીથીએ મૃત્યુ પામ્યા હોય તે જ તીથીએ પિતૃઓને જે ભોજન ભાવતું હોય તે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. અને બ્રાહ્મણોને દાન કરવામાં આવે છે. બ્રાહ્મણ તે ભોજન આરોગે છે અને તે ભોજન પિતૃઓને પહોંચે છે તેવી માન્યતા છે. આ વિધિના મુળમાં પિતૃઓને યાદ કરવાની અને તેમના તરફ આભાર વ્યક્ત કરવાની ભાવના છે. રામાયણમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રી રામચંદ્રે તેમના પિતા રાજા દશરથનું શ્રાધ્ધ કર્યું હતું. મહાભારતમાં ભિષ્મપિતામહે તેમના પિતા રાજા સાંતનુંનું શ્રાધ્ધ કર્યાનો પણ ઉલ્લેખ છે. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા પુત્રો દ્વારા શ્રાધ્ધવિધિ કરવામાં આવે છે.
- કિશોર ગજ્જર