પિતૃતર્પણ એટલે શ્રાધ્ધ. હિંદુ પ્રથામાં વર્ષોથી ભાદરવા માસમાં સ્વ... પિતૃઓને એમની મૃત્યુતિથીના દિવસે એમના સંતાનો દ્વારા વિવિધ રીતે અપાતી શ્રધ્ધાંજલિનું એક રૂપ એટલે શ્રાધ્ધ. જો કે મા-બાપની હયાતિમાં જ એમને હથેળીમાં લાડ લડાવવા અને એમનું દિલ જીતી લેવું એ જ મોટું શ્રાધ્ધ છે. પૂરી જિંદગી એમનાથી અળગા રહીને, અણગમા રાખીને અને પછી એમના ગયા બાદ ખાલી એક સિસ્ટમના ભાગરૂપે દાંભિક દેખાડો કરી લો, એમાં બાપડા હયાત નથી એવા પિતૃઓને ક્યાંથી શાંતિ મળે ? આપણે સૌ આપણા આત્માને ક્યારે ટટોળીશું ?
જેવું શ્રાધ્ધ પર્વ પૂરું થશે કે તરત શક્તિ-ભક્તિ અને મસ્તીનું પર્વ નવરાત્રિનો પ્રારંભ થશે. નવધા ભક્તિથી લઈને, રાસગરબા અને ખાણીપીણી તેમજ પાર્ટીપ્લોટો સુધી યુવાધન હિલોળે ચઢશે. અબાલવૃધ્ધ સૌને નવરાત્રિ અંતરથી અમીર કરી દેતી હોય છે. માં જગદંબાએ શક્તિનું સ્વરૂપ છે. આ શક્તિ સર્જન પણ કરી શકે છે. અને વિસર્જન પણ એના આશીર્વાદ અને શ્રાપમાં એટલી તાકાત રહેલી છે. આપણા ઘરમાં પણ મા, પત્નિ, બહેન-દિકરી શક્તિ સ્વરૂપા જ છે. એમના છૂપા આશીર્વાદ લેવા હોય કે છૂપા શ્રાપથી બચવું હોય તો એમની ઇજ્જત કરતાં અને એમને ખુશ રાખતાં શીખવું પડશે. બાકી એમની આંખોમાં અશ્રું ટપકતાં રહેશે તો સમજી લેવું કે પડતી નક્કી જ છે.
દુર્ગાષ્ટમીએ નવરાત્રિનો જ એક ભાગ છે, પણ એનો મહિમા અનેરો છે. આ અષ્ટમીએ માં એ દુષ્ટોનો સંહાર કરેલો. અસામાજિક તત્વોનો નાશ કરેલો. સતત ભય અને ડરમાં રહેતી પ્રજાને રાક્ષસોના ત્રાસથી મુક્ત કરેલી. સ્ત્રી જ્યારે રણચંડી દુર્ગા ચામુંડા બને છે ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય છે. સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. વર્ષોથી ઉજવાતાં આપણા પર્વોમાં કાળક્રમે બદલાવ ઇચ્છનીય છે.
જેમ રીતરસમોમાં, સંબંધોમાં પ્રથાઓમાં રહેણીકરણીમાં તેમજ સુવિધાઓ અને ટેકનોલોજીમાં આપણે સૌએ બદલાવ સ્વીકાર્યો જ છે. તેમ પર્વોની ઉજવણીઓમાં પણ માણસાઈ સચવાય એ જરૂરી છે.
- અંજના રાવલ


