* વિચાર્યું એકાદ શર્ટ લઈ લઉં તો ઠીક રહેશે પણ ત્યાં તો દિકરાનો જન્મદિવસ યાદ આવતાં જ બાપે પોતાના શર્ટ ખરીદવાના વિચારનું તે જ ક્ષણે 'શ્રાદ્ધ' કર્યું.
* આખો દિવસ દુખતી આંખો હવે ઊંઘવા માટે જાણે કે ઢળી પડતી હતી ત્યાં જ લાગ્યું કે દીકરાનું શરીર તાવને લઈને ગરમ છે, માએ તુરત જ પોતાની નિંદ્રાનું 'શ્રાદ્ધ' કર્યું.
* રોજ હાથમાં સાવ જર્જરિત થઇ ગયેલી ઓફીસ બેગ લઈ જતા બાપે નવી બેગ ખરીદવાનું સપનું જોયું અને ત્યાં જ દિકરાની કોલેજનો ખર્ચો યાદ આવતાં જ નવી ઓફિસ બેગના સપનાનું એ જ ઘડીએ 'શ્રાદ્ધ' કર્યું.
* પીઠમાં ક્યારેક સહન ના થાય એવા દુ:ખાવાની ફરિયાદ કરતી માએ વોશિંગ મશીનનું સપનું જોયું પણ દિકરાની સ્માર્ટ ફોન ખરીદવાની જીદ નજર સામે આવતાં, માએ એ જ ક્ષણે વોશિંગ મશીનના સપનાનું 'શ્રાદ્ધ' કર્યું.
બાપાના બૂટના તળીયા દેખાવા માંડતા નવા બૂટ ખરીદવા માટે બરોબર મન બનાવી જ લીધું હતું ત્યાં તો દિકરાને સ્પોર્ટ્સ શુઝ અપાવવાના આનંદમાં બાપે પોતાના બૂટ ખરીદવાના સપનાનું એક જ ઝાટકે 'શ્રાદ્ધ' કર્યું.
હાલ તો બાપ વૃદ્ધાશ્રમમાં અને મા સ્વર્ગવાસી થઈ ગઈ છે. દિકરાના ભવિષ્ય માટે ના જાણે એમણે કેટકેટલા 'શ્રાદ્ધ' કર્યાં !
કેટલાક વર્ષો પછી દિકરો મા-બાપનું 'શ્રાદ્ધ' કરતો હતો.
પોતે પિતાંબર પહેરી, કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂજન અને પાઠ કરી છેલ્લે પિંડ બનાવીને કેળના પાન પર મૂકીને આ આ કરીને કાગડાને બોલાવી રહ્યો હતો.
તેવામાં જ ક્યાંક થી ઉડતા ઉડતા બે કાગડા આવીને ખુશી ખુશી એ પિંડને ખાવા લાગ્યા.
મૃત્યુ પછી પણ દિકરાના આનંદ માટે બન્નેએ પોતાના આત્મસમ્માનનું પણ 'શ્રાદ્ધ' કર્યું.
(ધરતી પર રૂપ મા-બાપનું એ જ વિધાતાની ઓળખ છે. જીવતાં જાળવી લેજો વ્હાલા...)


