Get The App

શિવ મહિમ્ન સ્તોત્ર .

Updated: Aug 28th, 2024

GS TEAM

Google News
Google News
શિવ મહિમ્ન સ્તોત્ર                                     . 1 - image


- આજે વ્યક્તિ મૃત્યુથી ગભરાય છે. ત્યારે મહાદેવજી કહે છે કે, 'મૃત્યુથી ગભરાશો નહિં. સ્મશાનમા તમારું સ્વાગત કરવા હું ઉભો છું.' એટલે શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતાચાર્યજીએ વર્ણવ્યું કે, 'સ્મશાનેસ્વા ક્રિડા.' 

આપણે ત્યાં પ્રભુને પ્રસન્ન કરવા માટે સ્તોત્રગાનનું વિશેષ મહત્ત્વ છે. ભગવાનની પૂજા કરીએ પણ સ્તોત્ર વિના ભગવાનની પૂજા અધુરી છે. સ્તોત્ર એટલે ભગવાનની સ્તુતિ. આપણે ત્યાં અનેક સ્તોત્ર છે પણ પુષ્પદંતાચાર્યજીએ રચેલું શિવ મહિમ્ન સ્તોત્ર જેમાં મહાદેવજીના ગુણોનું વર્ણન છે. શિવ મહિમ્ન સ્તોત્ર એ શિવ મહાપુરાણનો સાર છે.

પુષ્પ દંતાચાર્યજીના મુખારવિંદમાંથી શિવ મહિમ્ન સ્તોત્ર નામનું કમળ જ્યારે મહાદેવજીને સમર્પિત થયું ત્યારે આ કમળ મહાદેવજીને ખુબ ગમ્યું. જેનું નિરૂપણ પુષ્પદંતાચાર્યજી પોતે જ કરે છે. 'શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલભિષહરેણ હરપ્રિયેણ કંઠ સ્થતેન પઠિતેન સમાહિતેન સુક્રીડીતો ભવતિ ભૂતપતિર્મહેશ.' પુષ્પદંતાચાર્યજીના મુખકમળમાંથી શિવ મહિમ્ન સ્તોત્ર નામનું કમળ શિવજીને સમર્પિત થયું ત્યારે શિવજી ખૂબ પ્રસન્ન થયાં. આ સ્તોત્રનું ફલ કથન કરતાં કહ્યું કે આ શિવ મહિમ્ન સ્તોત્રનો જે પાઠ કરશે એ મહાદેવજીને અત્યંત પ્રિય બનશે.

સ્વામિ રામતિર્થ જ્યારે શિવ મહિમ્ન સ્તોત્ર સાંભળતાં હતાં ત્યારે એમને સમાધિ લાગી જતી. વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે જ્યારે સ્વામિ વિવેકાનંદજી શિકાગોની ધર્મસભામાં ગયાં ત્યારે શિવ મહિમ્ન સ્તોત્રમાં જે શ્લોક છે 'ત્રયિ સાંખ્યમ્ યોગ' આ શ્લોકનો આધાર લઈ એમણેે વક્તવ્ય આપ્યું. આજે અહીં મને એક પ્રસંગ સ્મરણ થાય છે કે હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં સ્વામિ હરિગિરિ સન્યાસ આશ્રમ જે દક્ષ મંદિર રોડ પર આવેલો છે. અમારા સદ્ગુરુ સ્વામિ રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ જ્યારે જ્યારે શ્રાવણ મહિનામાં ગુરુભક્તો અમારા આશ્રમમાં આવે ત્યારે સ્વામિજી બધા ગુરુ ભક્તોને શિવ મહિમ્ન સ્તોત્રનું પારાયણ કરાવે. જ્યારે સ્તોત્રનું પારાયણ સંપન્ન થાય ત્યારે સ્વામિજી એક શ્લોક બોલતાં જે શ્લોક શિવ મહિમ્ન સ્તોત્રમાં વર્ણવેલો છે. 'મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાન્ના પરો મંત્રો ના સ્ત તત્ત્વં ગુરુ પરમ.' આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ભગવાન સદાશિવ સમાન કોઈ દેવ નથી. મહિમ્ન સ્તોત્ર સમાન કોઈ સ્તોત્ર નથી. મંત્રોમાં શિવજીની પ્રાપ્તિ માટે અઘોર મંત્ર બતાવવામાં આવ્યો છે એ મંત્ર સમાન કોઈ મંત્ર નથી. પણ સ્વામિજી એમ કહેતાં કે આ બધામાં સમજવાની એક જ વસ્તુ છે કે ગુરુ સમાન કોઈ તત્ત્વ નથી અને માટે શિવ મહિમ્ન સ્તોત્રમાં ગુરુનો મહિમા ગાયો છે.

જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ જગતગુરુ છે એવી રીતે ભગવાન સદાશિવ પણ જગતગુરુ છે. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન સ્તોત્ર એટલા માટે પડયું કે, 'મહિમ્ન' શબ્દથી આ સ્તોત્રનો આરંભ થયો. જેનો પ્રથમ શબ્દ છે 'મહિમ્નપારંતે.' હે ભગવાન શિવ ! તમારી મહિમાનો કોઈ પાર નથી. મોટા મોટા વિદ્વાનો પણ તમારી મહિમાનો પાર નથી પામી શકતાં. બ્રહ્માદિક જેવા દેવો પણ તમારી સ્તુતિ કરવામાં અસમર્થ છે. તો હું શું તમારી સ્તુતિ કરું.!

પુષ્પદંતાચાર્યજીએ ભગવાન શિવજી સુધી પહોંચવાના માર્ગોનું નિરુપણ કર્યું. પુષ્પદંતાચાર્યજી વર્ણવે છે કે, 'ત્રયિ સાંખ્ય યોગ પશુપતિમતં વૈષ્ણવ મતે પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ:પથ્યમિતિ ચ, ઋચિનામ્ વૈચિત્ર્યા રુજુકુટિલનાના પથજુશામ નૃણામિકોગમ્ય: ત્વમસિપયસામર્ણમઈવ.' ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ જેમાં વેદો દ્વારા પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. સાંખ્ય કહેતાં જ્ઞાાનમાર્ગ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. યોગ માર્ગ દ્વારા પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. બધા માર્ગો અંતે તો શિવજી સુધી જ પહોંચાડે છે. હરિ અને હર એકબીજાના પૂજ્ય છે. ભગવાન વિષ્ણુ સદાશિવની પૂજા કરે છે. એક વાર ભગવાન વિષ્ણુએ સંકલ્પ કર્યો કે હું હજાર કમળ મહાદેવજીને ચઢાવું. જ્યારે હજાર કમળમાંથી એક કમળ અદ્રશ્ય થયું ત્યારે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ ભગવાને પોતાનું નેત્રકમળ સમર્પિત કરી દિધું. જેનો ઉલ્લેખ પુષ્પદંતાચાર્યજીએ કર્યો છે. 'હરિસ્તેસાહશ્રમ્ કમલબલિમાધાય પદયો યદેકોને ત સ્મન નિજમુદ હરમ નેત્રકમલમ્.' આમ, આ શિવ મહિમ્ન સ્તોત્ર એ શિવ મહાપુરાણનો સાર છે. કદાચ કોઈને શિવ મહાપુરાણનો સાર સમજવો હોય તો શિવ મહિમ્ન સ્તોત્રનો ભાવાર્થ જો વાંચે તો સંપૂર્ણ શિવ મહાપુરાણ એને સમજાય.

આજે વ્યક્તિ મૃત્યુથી ગભરાય છે. ત્યારે મહાદેવજી કહે છે કે, 'મૃત્યુથી ગભરાશો નહિં. સ્મશાનમા તમારું સ્વાગત કરવા હું ઉભો છું.' એટલે શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતાચાર્યજીએ વર્ણવ્યું કે, 'સ્મશાનેસ્વા ક્રિડા.' આમ, મહાદેવજી કેવા  છે તો તેઓ અમંગળને હરવાવાળા અને ભક્તોનું મંગળ કરવાવાળા છે. એવા મહાદેવજી માત્ર મંદિરમાં જ નથી પણ આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા આ મહાદેવજીની અષ્ટમૂર્તિ છે. જેનું વર્ણન શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતાચાર્યજીએ કરેલું છે. જેના નામો છે ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, ભીમ, ઈશાન અને મહાદેવ. આમ, શિવ મહિમ્ન સ્તોત્ર એ ભગવાન સદાશિવને પ્રસન્ન કરવાવાળું સ્તોત્ર છે. તો આપણે પણ આ સ્તોત્રનું પારાયણ કરી શિવ પરાયણ થઈએ.

 - પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :