Get The App

શિવ મહાપુરાણ છે તે સાત સંહિતાઓમાં છે, જેમાં પ્રથમ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે

Updated: Feb 15th, 2023

GS TEAM


Google News
Google News
શિવ મહાપુરાણ છે તે સાત સંહિતાઓમાં છે, જેમાં પ્રથમ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે 1 - image


શિ વ મહાપુરાણ એ પુરાણોમાં તિલક સમાન છે. શિવ મહાપુરાણના વક્તા મહાદેવજી સ્વયં છે. મહાદેવજીએ કૃપા કરી શિવ મહાપુરાણની કથા પોતાના પ્રધાન ગણ નંદીકેશ્વરને સંભળાવી. નંદીશ્વરે આ કથા સનતકુમારોને સંભળાવી. સનતકુમારોએ આ કથા ભગવાન વેદ વ્યાસજીને સંભળાવી. વ્યાસજીએ ક્રમબદ્ધ કરી સુતજીને આ કથા ભણાવી. સુતજીએ શિવ મહાપુરાણની કથા નૈમિશારણ્યમાં બિરાજમાન અઠયાસી હજાર ઋષિ મૂનિઓને સંભળાવી. શિવ મહાપુરાણ એ વેદનો સાર છે. શિવ મહાપુરાણની કથા જે કરે છે, જે સાંભળે છે, જે આ કથાનું આયોજન કરે છે એ સૌ વ્યક્તિઓ મહાદેવજીને ખૂબ પ્રિય બને છે. 

જ્યારે મહાદેવજીએ આ શિવ મહાપુરાણ પ્રગટ કર્યું ત્યારે એક કરોડ કરતાંય વધારે શ્લોક હતાં. પ્રાચિન શિવ મહાપુરાણ એ બાર સંહિતાઓમાં વહેંચાયેલુ હતું. પણ, ભગવાન વેદવ્યાસજીના મનમાં થયું કે બાર સંહિતાઓ વ્યક્તિ કેવી રીતે શ્રવણ શકશે !? એટલે ભગવાન વેદવ્યાસજીએ તેને સાત સંહિતાઓમાં વિભક્ત કર્યું. પ્રવર્તમાનમાં શિવ મહાપુરાણ છે તે સાત સંહિતાઓમાં છે. જેમાં પ્રથમ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે. બીજી સંહિતાનું નામ રુદ્ર સંહિતા છે. ત્રીજી સંહિતા એ શતરુદ્ર સંહિતા છે. ચોથી સંહિતાનું નામ કોટી રુદ્ર સંહિતા છે. પાંચમી સંહિતા એ ઉમા સંહિતા છે. છઠ્ઠી કૈલાસ સંહિતા છે અને સાતમી વાયુ સંહિતા છે. 

કઈ-કઇ સંહિતાઓમાં કેટલાં શ્લોકો છે તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વિદ્યેશ્વર સંહિતામાં દસ હજાર શ્લોકો આવેલાં છે. રુદ્ર સંહિતામાં આઠ હજાર શ્લોકોની સંખ્યા છે. શતરુદ્ર સંહિતામાં ત્રણ હજાર શ્લોકો છે. કોટીરુદ્ર સંહિતામાં નવ હજાર શ્લોકો છે. ઉમા સંહિતામાં આઠ હજાર શ્લોકો છે. કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોકો આલેખાયેલાં છે અને વાયુ સંહિતામાં ચાર હજાર શ્લોકોનું નિરૂપણ છે.  

જે મેં પૂર્વે વાત કરી કે પ્રાચિન શિવ મહાપુરાણ એ બાર સંહિતાઓમાં હતું. તો સાત સંહિતાઓ પછીની કઈ સંહિતાઓ છે તેના નામ આ પ્રમાણે છે - ગણપતિ સંહિતા જેમાં દસ હજાર શ્લોકો આવેલાં છે. માતૃ સંહિતામાં આઠ હજાર શ્લોકો આવેલાં છે. એકાદશ રુદ્ર સંહિતા જેમાં તેર હજાર શ્લોકો છે. સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતામાં અગ્યાર હજાર શ્લોકો છે. ધર્મ સંહિતામાં બાર હજાર શ્લોકો છે. પ્રાચિન શિવ મહાપુરાણ એક લાખ શ્લોકો વાળુ હતું. પણ ભગવાન વેદવ્યાસજીએ સાત સંહિતા અને ચોવીસ હજાર શ્લોકોમાં એનું વિભાજન કર્યું. 

શિવ મહાપુરાણમાં સૌથી મોટામાં મોટી સંહિતા એ રુદ્ર સંહિતા છે. જેના પાંચ ખંડ છે. પહેલો ખંડ સૃષ્ટિ ઉપાખ્યાન, બીજો ખંડ સતિ ખંડ, ત્રીજો પાર્વતિ ખંડ, ચોથો કુમાર ખંડ અને પાંચમો યુદ્ધ ખંડ. કદાચ સંપૂર્ણ શિવ મહાપુરાણનું પારાયણ ન થઈ શકે તો શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતાનો પાઠ કરવો. શિવ મહાપુરાણમાં સૌથી નાનામાં નાની સંહિતા એ કૈલાસ સંહિતા છે.

શિવ મહાપુરાણની પ્રથમ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા એટલા માટે છે કારણ કે, ભગવાન શિવ એ તમામ વિદ્યાઓના સ્વામિ છે. શિવ મહાપુરાપણની શત રુદ્ર સંહિતામાં મહાદેવજીના અવતારો વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો છે. તેમ મહાદેવજીના સો અવતારો છે. માટે જ શતરુદ્ર સંહિતા એવું નામ રાખવામાં આવ્યું છે. કોટિ રુદ્ર સંહિતામાં મહાદેવજીના લિંગો વિશે વર્ણવ્યું છે. જેમાં બાર જ્યોતિર્િંલગની કથા એ પ્રધાન છે. ઉમા સંહિતામાં માતા જગદંબાના ચરિત્રો વર્ણવ્યાં છે. માતાજીએ શુંભ-નિશુંભ, રક્તબીજ આદિ દૈત્યોનો વધ કર્યો એ કથાઓનું વર્ણન છે. શિવ મહાપુરાણની કૈલાસ સંહિતામાં ઓમકારનો મહિમા છે. સંતોના લક્ષણ, સંતની દિક્ષા આ બધા પ્રસંગોનું વર્ણન મહાદેવજી પાર્વતિ માતાજીની સન્મુખ કરે છે. શિવ મહાપુરાણની વાયુ સંહિતામાં વાયુ દેવ નૈમિશારણ્યમાં મહાદેવજીનો મહિમા ગાય છે. શિવ મહાપુરાણની કથા બે જગ્યાઓ ઉપર થઈ છે. એક તિર્થરાજ પ્રયાગ અને બીજી નૈમિશારણ્ય.  તિર્થરાજ પ્રયાગમાં  અને નૈમિશારણ્યમાં  આ બન્ને જગ્યાએ સુતજીએ કથા કરી છે. શિવ મહાપુરાણનું પારાયણ આપણે સૌએ કરવું જોઈએ. શિવ મહાપુરાણના શ્રવણથી આપણે મહાદેવજીના કૃપાપાત્ર બનીએ એ જ અભ્યર્થના.. અસ્તુ.. !                        

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :