હરિદ્વારમાં હિમાલયની ગોદમાં અને પવિત્ર ગંગાનદીના કિનારે તથા સપ્તર્ષિઓના ક્ષેત્રમાં 'શાંતિકુંજ' નામનું ગાયત્રી તીર્થ આવેલું છે. કોઈ પણ નાત, જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર માત્રને માત્ર જીવ અને જગતના કલ્યાણ અર્થે યુગધર્મ નિભાવતા આ તીર્થની વિશિષ્ટતા એ છે કે સમાજની કોઈ પણ વ્યક્તિને વિના મૂલ્યે રહેવા અને જમવાની સેવા આપે છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતિનાં 'સોડષ સંસ્કારો'. જેમાં આદર્શ-લગ્ન અને યજ્ઞાોપવિતનો પણ સમાવેશ થાય છે. આ તીર્થ આવા સંસ્કારો નિ:શુલ્ક સંપન્ન કરી આપે છે. આ તીર્થના સ્થાપક એટલે શ્રીરામશર્મા આચાર્ય.
તેઓએ આસોવદ ૧૩, સંવત ૧૯૬૮નાં આગ્રા જિલ્લાના આંબલ ખેડા ગામે સુપ્રસિધ્ધ કથાકાર રૂપરામ શર્માને ઘેર જન્મ ધારણ કર્યો. આઠ વરસની ઉંમરે ભારતરત્ન મહામના પંડિત મદન મોહન માલવિયા પાસેથી ગાયત્રી મંત્રની દીક્ષા લઈ યજ્ઞાોપવિત ધારણ કરી. ૧૩ વરસની ઉંમરે સફાઈ કામ કરતા છપકો નામના નિરાધાર બીમાર માજીની સેવા કરવાથી શ્રીરામશર્માને તે સમયે નાત બહાર મૂકયા આથી તે ગામના ચોરા પર પડી રહેતા. આવા કરુણાની મૂર્તિ હતા તેઓ.
શ્રીરામ શર્મા પાસે પૂર્વજોની બે હજાર વીધા જમીન હતી. પિતાની સંપત્તિ એટલી બધી હતી કે તેનાથી ત્રણ પેઢી સુધી ઘર બેઠા બેઠા જ ગુજરાન ચાલી શકે. આમ છતાં પોતાના ભાગની પૈતૃક સંપત્તિ વિદ્યાલય અને હોસ્પિટલ બાંધવા દાનમાં આપી દીધી. દેશને આઝાદી અપાવવા સ્વાતંત્ર્ય સેનાનોઓની જરૂર પડી તો ગાંધીજી સાથે આસન સોલ જેલમાં ત્રણ વરસનો જેલવાસ પણ તેઓએ ભોગવ્યો. પોતાના ધર્મપત્ની ભગવતી દેવી શર્મા સાથે કાયમી ધોરણે ખાદીના પોશાકનો સ્વીકાર કરી લીધો. એટલું જ નહિ ભારત સરકાર તરફથી મળતું સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેંશન પણ તેમણે કાયમને માટે સંસ્કારના રાષ્ટ્રીય સુરક્ષા નિધિમા જમા કરાવી દીધું. સરકારે તેના માનમાં એક રૂપિયાની ટપાલ ટિકિટ પ્રસિધ્ધ કરેલી.
વર્તમાન સમયમાં સમાજમાં મનુષ્ય જે ભ્રષ્ટ-આચરણ કરી રહ્યો છે. તેનું મૂળ વ્યક્તિનું દુષ્ટ ચિંતન છે. દુષ્ટ ચિંતન દ્વારા થતાં ભ્રષ્ટ આચરણનું ઉલ્મૂલન થાય એ આશયથી સત્કર્મ એટલે ભારતીય સંસ્કૃતિના પિતા યજ્ઞા અને સદ્બુધ્ધિ એટલે ભારતીય સંસ્કૃતિની માતા ગાયત્રીને ઘેર ઘેર પહોંચાડવા આ વિચાર ક્રાંતિ-અભિયાન ચલાવ્યું છે. આ માટે શ્રીરામ શર્મા આચાર્ય સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે અને પવનાર આશ્રમમાં ભૂદાન યજ્ઞાના પ્રણેતાવિનોબા ભાવે સાથે રહ્યા હતા.
આ યુગઋષિ, તપોનિષ્ઠ પંડિતે આપેલા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સૂત્રો જ એની 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને ઉજાગર કરે છે. જેમકે -
- માનવ માત્ર એક સમાન
- નર ઔર નારી એક સમાન.
- જાતિ વંશજ એક માન.
- એક બનેગે નેક બનેગે. વગેરે.
શ્રી રામ શર્માએ પ્રાથમિક સુધીનું જ સિક્ષણ લીધેલું આથી તેની પાસે ડીગ્રીધારી યોગ્યતા નહિ હોવા છતાં ગીતાના અઢાર અધ્યાયના અર્ક સમાન-યુગનિર્માણ સતસંકલ્પો આપ્યા છે. જેમાના કેટલાક આ મુજબ છે.
- અનીતિથી મળેલી સફળ તાન્રૈનીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું.
- જે અમોને પસંદ ન હોય એવું વર્તન બીજા સાથે નહિ કરીએ.
- પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું.
- મર્યાદાઓ તથા નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બનીશું.
- અમે નર અને નારી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખીશું.
- ઇન્દ્રિય સંયમ અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું.
વિગત વર્ષોમાં વડોદરા 'શિષ્ટવાચન પરીક્ષા બોર્ડ' આ મહાપુરુષના જીવન-કવન આધારીક પુસ્તકને પાઠયક્રમમાં પસંદ કર્યું હતું. તેમણે ભારતની એકતા અને અખંડીતતા તથા વિશ્વશાંતિ-વિશ્વકલ્યાણની ભાવનાર્થે ઇ.સ.૧૯૫૮માં મથુરામાં ૧૦૦૮ કુડી 'ગાયત્રી મહાયજ્ઞા' નું આયોજન કરેલું. માનવ સમાજને તેનો આ ઉદ્ઘોષ હતો. તેમણે આપેલા જીવનના દીવાદાંડી રૂપ ચતુર્થો પણ મનુષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાસ ઉપયોગી છે. જેવા કે (૧) જીવનના ચાર લક્ષ્ય : સ્વસ્થ શરીર, સ્વચ્છ મન, સભ્ય સમાજ, પવિત્ર અંત:કરણ. (૨) જીવનના ચાર સ્તંભ : સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવા.
(૩) ઉજ્જવળ ભવિષ્યના ચાર મંત્ર- સમજદારી, ઇમાનદારી, જવાબદારી, બહાદુરી. (૪) જીવનના ચાર સૂત્રો- વ્યસ્ત રહો, મસ્ત રહો, સુખ વહેંચો, સન્માન આપો.
જીવનની છેલ્લી ઘડીએ આ તપોનિષ્ઠ મહાપુરુષ શ્રીરામ શર્મા આચાર્ય પાસે પોતાનું કહેવા જેવું તો બે રૂપિયાની પેન અને ચશ્મા જ હતા ! આવા 'સંસ્કૃતિના રખેવાળ' ના ચરણોમાં કોટી પ્રણામ.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


