મહાદેવનાં બાર જ્યોર્તિલિંગમાં એક શબ્દ આવે છે 'સેતુબંધે તુ રામેશં', આ રામેશં એટલે રામેશ્વરમ્ અને રામાયણ કાળમાં લંકા સાથે ભારતને જોડતો જે બ્રીજ (પુલ) બનાવવામાં આવ્યો હતો તે સેતુબંધ કહેવાયો. દરિયાનાં પાણી ઉપર આ બંધ (સેતુ)નું નિર્માણ કરાયું હતું. રામાયણકાળમાં રેતી, સીમેન્ટ કે કોંક્રીટ વગર જ આ સેતુ બનાવાયો હતો. જેમ પુષ્પક વિમાન ઇંધણ વગર ઉડી શકતું તેમ ડુબ્યા વિના પથ્થરો તરતા રાખીને આ સેતુનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સેતુબંધ બનાવતી વખતે દરેક પથ્થર પર રામનુ નામ અંકિત કરવામાં આવ્યું હતું અને પથ્થરો પાણી પર તર્યા હતા ત્યારથી જ 'રામ નામે પથ્થરો તર્યા' શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે.
લંકાનો રાજા રાવણ સીતાજીનું હરણ કરી ગયો હતો અને તે સીતાની શોધમાં જવા માટે લંકા સુધી પહોંચવું જરૂરી હતું. લંકા પહોંચવા દરિયા પાર થઈને જ જવાય તેમ હતું. તે સમયે ભગવાન શ્રી રામચંદ્રએ હિંદ મહાસાગર પર એક સેતુનું નિર્માણ કરાવ્યું કે જે પાણી ઉપર તરતા પથ્થરોનો બનેલો હતો. વજન વિહીન દશા એ સ્વયં ભગવાનનું સર્જન છે. એક પણ આધાર વિના પથ્થરોને વજન વિહીન બનાવીને પથ્થરોનો સેતુ સમુદ્ર પર તૈયાર કરાયો હતો. આ ભગવાન શ્રી રામના સામર્થ્યનું પ્રદર્શન છે.
આ સેતુબંધ વિશે થોડીક જાણકારી આ પ્રમાણે છે : સેતુબંધ સો યોજન લાંબો અને દસ યોજન પહોળો હતો. વાનરસેનાએ ઝાડનાં થડને એક બીજા સાથે બરોબર ગોઠવીને પછી તેની ઉપર ખીલેલાં ફુલોવાળી ડાળખીઓ પરોવવામાં આવી હતી. વેલાઓ તથા પાંદડાંઓથી બંધને મજબુતાઈથી બાંધવામાં આવતો હતો. શ્રીરામે શીલાઓને પાણી ઉપર તરતી રાખીને સેતુ બંધનું નિર્માણ કરેલ હતું. નલ-નીલ ભાઈઓમાંથી નલને નિર્માણ કાર્ય પર નજર રાખવાનું અને શ્રીરામે કહ્યું હતું નલ દેવોના ઇજનેર વિશ્વકર્માનો પુત્ર હતો. કહેવાય છે કે પથ્થર ફેંકશે તે તરવા લાગશે. આમ વાનરસેનાની મદદથી સેતુબંધ તૈયાર થયો હતો.
આ સેતુબંધ પાંચ દિવસમાં પુરો કરવામાં આવ્યો હતો. તેમાં પહેલે દિવસે ૧૪ યોજન, બીજે દિવસે ૨૦, ત્રીજે દિવસે ૨૧, ચોથે દિવસે ૨૨ તથા પાંચમે દિવસે ૨૩ યોજનનું કામ થયુ હતું.
ભગવાન શ્રી રામને સેતુબંધ બનાવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. સમુદ્ર પથ્થરો માટે જગ્યા આપતો ન હતો. છેવટે રામે ક્રોધીત થઈને સમુદ્ર પર બ્રહ્માસ્ત્ર છોડવાની તૈયારી કરી ત્યારે સમુદ્રને પ્રભુની શરણાગતિ સ્વીકારી તે સેતુબંધ માટે જગ્યા આપી.
સેતુબંધને એડમ બ્રીજ પણ કહે છે તેની લંબાઈ ૪૮ કી.મી.ની મનાય છે. રામેશ્વરમ્ થી શ્રીલંકાના મન્નાર દ્વિપને જોડતો દરિયાઈ માર્ગ તે જ સેતુબંધ. એવું કહેવાય છે કે ૧૫ મી શતાબ્દી સુધી રામેશ્વરમ્ મન્નાર દ્વીપ ચાલીને જઈ શકાતું હતું. ૧૪૮૦માં ચક્રવાત તથા ભયંકર તોફાનમાં સેતુબંધને ઘણું નુકસાન થયું. તોફાનોને કારણે સેતુબંધ ઉંડો ઉતરી ગયો. અમેરિકાની નાસા સંસ્થા માને છે કે સેતુબંધના પથ્થરો ૭૦૦૦ વર્ષ જુના છે પરંતુ એવી માન્યતા છે કે સેતુબંધ ૧૭ લાખ વર્ષ જુનો છે. સ્થાનિક લોકો કહે છે કે ૧૯૬૪ સુધી રામસેતુ જોઈ શકાતો હતો. સેતુબંધની લંબાઈ ૪૮ કિ.મી. તથા પહોળાઈ ૧૩ કિ.મી.ની હતી.
રામેશ્વરમ્નું મુળ નામ ગંધમાદન હતું. ભારતથી લંકા ૧૨૧૩ કી.મી. દુર છે. અત્યારે દક્ષિણમાં રામેશ્વર જવા માટે દરિયા પર રેલવેનો પુલ છે તેની સમાંતર બીજો પુલ રસ્તામાર્ગે પણ થયો છે. રામાયણ કાળમાં બનેલ સેતુ મણિ પથ્થરથી બન્યો હતો. સેતુબંધ બન્યા પછી વાનરસેના તથા શ્રીરઘુવીરની સેના તેના ઉપરથી પસાર થઈ લંકા પહોંચી હતી અને શ્રી રામ રાવણનું યુદ્ધ થતાં રાવણ મરાયો હતો. શ્રી રામની જીત થઈ અને પુષ્પક વિમાનમાં બેસીને સહુ અયોધ્યા પહોંચ્યા હતા. બાદમાં શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને રામ રાજ્યની સ્થાપના થઈ હતી. રામાયણ કાળમાં બનેલ સેતુબંધનું નિર્માણ ગૌરવશાળી સન્માનીય અને પ્રશંસનીય તથા પ્રણમ્ય છે. જય શ્રી રામ !
- ભરત અંજારિયા


