એક ગુરૂકુળના બે શિષ્ય એક સાથે નદી સ્નાન માટે ગયા. સ્નાન પછી બંને ધ્યાન કરવા બેસી ગયા. અચાનક તેમને એક ડૂબતા બાળકનો અવાજ સંભળાયો. સાંભળતાં જ એક શિષ્ય પૂજા છોડીને નદીમાં કૂદી ગયો અને ડૂબતા બાળકને બચાવી લઈ આવ્યો. પરંતુ બીજો શિષ્ય પૂજા જ કરતો રહ્યો. તેમના ગુરૂ આખી ઘટનાના સાક્ષી હતા. તેમણે બીજા શિષ્યને પૂછયું, 'વત્સ, શું તે એ બાળકનો અવાજ નહોતો સાંભળ્યો ?' એ શિષ્ય બોલ્યો, 'ગુરૂદેવ, સાંભળ્યો તો હતો, પરંતુ પૂજા અધૂરી કેવી રીતે છોડી શકું ? છોડી દઉં તો શું પાપનો ભાગીદાર ન બનું ?''
ગુરૂએ કહ્યું, 'દુર્ભાગ્ય છે વત્સ, કે આટલાં વર્ષો ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ તું ધર્મનો સાર સમજી ન શક્યો. ધર્મનો સાર ખોખલા કર્મકાંડમાં નથી પરંતુ પીડિત માનવતાની સેવા કરવામાં છે. સાચા ધર્મનું પાલન તો ડૂબતા બાળકને બચાવીને લઈ આવ્યો તેણે કર્યું.
* એકાકીપણું જ જીવનનું પરમ સત્ય છે પણ એકલતાથી ગભરાવું, નાનમ અનુભવવી કર્તવ્યમાર્ગથી નિરુત્સાહ કે નિરાશ થવું એ સૌથી મોટું પાપ છે. આપણા પોતાનાં અંતરમાં છુપાયેલી મહાન શક્તિઓને વિકસાવવાનું સાધન એકલતા છે.
* બિનજરૂરી કાર્યોમાંથી શક્તિ બચાવીને તેનો ઉપયોગી કાર્યોમાં સદુપયોગ કરવો, હળવા મનથી પરંતુ પૂરી દિલચશ્પીથી કામ કરવું, શ્રમ અને આરામનું સમતોલન જાળવવું વગેરે એવા સૂત્રો છે, જેમને અપનાવવામાં આવે તો સારુ અને વધારે કામ કરી શકાય.
* અત્યારનો સમય આત્મમંથન કરવાનો છે. આપણી અંદર જે કાંઈ દોષ દુર્ગુણો હોય તેમને દૂર કરીને સુપાત્ર બનવા માટે પ્રયાસ કરવો જોઈએ.
* ગાયત્રી ઉપાસનાથી આપણા કારણ શરીરનું શુદ્ધિકરણ થાય છે અને તે સશક્ત તથા પવિત્ર બને છે.
* મા એક એવી ઋતુ છે જેને કદી પણ પાનખર નથી આવતી.
* સ્વાદના કારણે ઠાંસી ઠાંસીને ખાવું એ રોગો થવાનું સૌથી પહેલું અને મુખ્ય કારણ હોય છે. આ ઉપરાંત ખોરાકને બહુ શેકવાથી તથા તળવાથી તે પૌષ્ટિક રહેતો નથી. વધારે પડતા મસાલા, તેલ વગેરેનો ઉપયોગ કરવાથી તે પચવામાં ભારે થઈ જાય છે.
* ભગવાન કૃષ્ણ એ ગીતામાં નિષ્કામ કર્મયોગ નો ઉપદેશ દીધો છે. ભગવાન કહે છે કે ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે કામ તો મન લગાવીને કરીએ, પૂરા ઉત્સાહથી કરીએ પણ ફળની લાલસામાં ઉતાવળા ન થઈએ.
- જયેન્દ્ર ગોકાણી


