Get The App

સેવા પરમો ધર્મ .

Updated: Jan 15th, 2025

GS TEAM


Google News
Google News
સેવા પરમો ધર્મ                                        . 1 - image


''મનુષ્ય અવતાર એટલે વિશ્વની અંદર એક દિવ્ય કાર્ય કરવાનો અવસર'' શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૮/૬૧માં ભગવાન કહે છે, ''ઈશ્વર સર્વ ભૂતાનામ્ એટલે કે ઈશ્વર કણ-કણ-અણુ-અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે. આથી ચિંતકો કહે છે, ''જીવસેવા-માનવસેવા એવ માધવ સેવા''

આપણે ભગવત્ તત્વને સર્વત્ર પ્રત્યેક જીવમાં ઉદારભાવે દ્રષ્ટિ કેળવવાની છે. દરેક જીવ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી. યથોચિત મદદ કરવી. મનમાં નામ, માન-યાન, સન્માનનો મોહ, લોભ-વિગેરે ન રાખી, નાત-જાત-ધર્મના ભેદભાવ વગર - દરેક જીવની સેવા કરવી. મદદ કરવી એજ સાચા અર્થમાં ઈશ્વરની આરાધના-પ્રાર્થના સેવા છે. આપત્તિમાં મદદ કરવી, દુ:ખને હળવું કરવામાં ઉપયોગી થવું. આપણો ધર્મ કહે છે, ''સેવા કરવાથી પુણ્ય મળે છે ? પરંતુ પુણ્ય મળે કે ના મળે પણ પશ્ચાતાપ કે નુકશાન થતું નથી. સેવા લેનારને ફાયદો થાય કે ન થાય, પરંતુ સેવા કરનારને અલોકિક આનંદ-ઈશ્વરી કાર્ય કર્યાનો આત્મસંતોષ થાય છે. આજ સેવાની ફળશ્રૃતી છે.''

આપણે જન્મ્યા ત્યારે આ સમાજે, માતપિતાએ આપણા માટે કેટલી બધી સગવડો તેયાર રાખી હતી ? આપણે સમજણા થયા ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સમાજમાં યત્કિચિત સેવા કરીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ. આથી જ એક ચિંતક કહે છે ''બીજાઓની આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો પૃથ્વી પરના આપણા વસવાટનું ભાડું છે?''.

સંસ્કુતમાં એક ઉક્તિ છે, ''સેવા ધર્મ, પરમ ગહન: આનો અર્થ સેવા કરવાનું કામ બહુ જ કઠિન છે. સેવા કરનારે પોતાની જાતને રજકણથી પણ અલ્પ ગણવાની છે. કર્તાપણાના ભાવને છોડવાનો છે. હૃદયને ક્ષમાશીલ અને ઉદાર બનાવી સેવાનો ભાવ કેળવવાનો છે. આપણા સમાજમાં અનેક સંતો જેમ કે, જ્ઞાાનદેવ, તુકારામ, જલારામ બાપા, રણછોડ દાસજી બાપુ, મીરાબાઈ - જેવા અનેક મહાનુભાવોએ પોતાના સુખનો ત્યાગ કરી, માનવ જાતની સેવા કરી. જીવનને ધન્ય બનાવ્યું, આપણે પણ પથોચિત સમાજ ઉપયોગી સેવા કરી, આપણા જીવનને સાર્થક કરીએ. કારણ કે સંતો કહે છે

રૂડી રીતે રહેજો જગમાં, રૂડા કરજો કામ,

સાચા દિલથી સેવા કરતા, રિજે મારો રામ.

- મકવાણા વિનોદ

Tags :