- પાણી કે પવન જતાં હોય તે દિશામાં જવાથી લાભ પણ થાય છે. કહેવાય છે કે 'જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવવા.'
આપણાં જીવનમાં સ્વીકાર કે સ્વીકૃતિની ભાવનાનું ખુબ જ મહત્વ છે. સ્વીકૃતિ કબુલ કરવું, હકારાત્મક બનવું. 'માણસ માત્ર ભુલને પાત્ર' તે કહેવત મુજબ આપણાથી જો કોઈ ભુલ થઈ જાય તો તેને સ્વીકારી લેવી ઘટે. અદાલતોની કાર્યવાહીમાં પણ ગુન્હેગાર ગુન્હાનો સ્વીકાર કરતો જોવા મળે છે. આપણા દરેક વ્યવહારમાં સ્વીકાર જરૂરી છે. પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખવાની આજે જરૂર છે આપણે આપણી ભુલનો સ્વીકાર ન કરીએ તો સામેવાળી વ્યક્તિ નારાજ પણ થઈ શકે છે. મનુષ્ય જીવનમાં દરેક વખતે જુદી જુદી પરિસ્થિતી નિર્માણ પામતા હોય છે. જેમ આપણે સુખનું સ્વાગત કરી સ્વીકારીએ છીએ તેમ દુઃખનો સ્વીકાર પણ કરવો જોઈએ. ઘણીવાર આપણે હકારાત્મક બનીને જો પરિસ્થિતીનો સ્વીકાર કરીએ તો અડધું દુઃખ ઓછું થઈ જાય છે.
આજકાલ યુવા પેઢી વડીલોની સલાહ શીખામણ કે માર્ગદર્શન સ્વીકારતી નથી. પરંતુ તે પાછળથી પસ્તાવાનો ભોગ બને છે. સ્વીકારવું ભલે સહેલું ન હોય પણ ઝગડો વિવાદ આગળ વધતો નથી. જે ગતિ કે દિશામાં પાણી કે પવન જતાં હોય તે દિશામાં જવાથી લાભ પણ થાય છે. કહેવાય છે કે 'જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવવા.'
આપણે જોઈએ છીએ કે ઘણા પરિવારોમાં પારણું ન બંધાય તો અને યુવાન વયે પરિવારના સદસ્યનું અવસાન થાય તો આપણે તે પરિસ્થિતિનો સ્વીકાર કરવો જ પડે છે. પરીક્ષાનાં પરિણામ કે નોકરીના ઇન્ટરવ્યુનાં પરિણામ પણ આપણે સ્વીકારવાં પડે છે. ઘણા લોકો એવું કહે છે કે સાચી વાત હંમેશાં સ્વીકારવી જોઈએ.
રજીસ્ટર્ડ ટપાલ કે કુરિયરમાં પહોંચ (રીસીપ્ટ) આપવાની પ્રથા છે બેંકમાં અન્ય સંસ્થામાં રકમ જમા કરીએ તો પાવતી (પહોંચ) આપવામાં આવે છે. દાનની પણ પહોંચ અપાય છે.
રામાયણ કાળમાં પ્રભુ શ્રી રામે સીતાજીની અગ્નિ પરીક્ષા કર્યા પછી તેમનો સ્વીકાર કર્યો જ હતો. ભગવાન પણ ભક્તની ભક્તિનો સ્વીકાર કરતા હોય છે.
શ્રી કૃષ્ણે મીરાંબાઈને પોતાનામાં સમાવીને તેમનો સ્વીકાર કર્યો હતો. તો સુદામાને મળવા ખુલ્લે પગે દોડી આવેલા અને તેમનું ભાવભીનું સ્વાગત કરી ચાદર સત્કાર કરી તેમની મિત્રતાનો સ્વીકાર કર્યો હતો.
સામાજિક સંદર્ભમાં જોઈએ તો લગ્ન પ્રસંગે ચાંદલા કે ભેટનો સ્વીકાર થતો જોવા મળે છે. યજ્ઞામાં આહૂતિનો અગ્નિ દેવતા સ્વીકાર કરે છે. રામાયણ આપણે નાનાં માણસો કે છેવાડાના માણસોનો સ્વીકાર કરવાનું શીખવે છે. શ્રી રામે શબરી, કેવટ કે અન્ય ભક્તો કે સેવકોનો સ્વીકાર કરી આદરતા પૂર્વક માન આપેલ.
સ્વીકારની ભાવના એ આપણી સંસ્કૃતિની પરંપરા છે. લડાઈમાં હારનારે હારનો સ્વીકાર કરવો પડે છે. રાવણે પણ પોતાની હાર સ્વીકારીને પોતાના દેહનો ત્યાગ કરેલ હતો. આમ સ્વીકારની ભાવના થકી સકારાત્મકતા આવે છે. નમ્ર અભિગમથી અભિમાન દુર થાય છે. આપણાં જીવનમાં સ્વીકારની ભાવના સદા જોડાયેલી રહે તો આપણું જ હિત થાય છે. આવો, આપણે પણ સ્વીકૃતિની ભાવનાને દૃઢ બનાવીએ અને આપણા પ્રશ્નો પર પૂર્ણ વિરામ મુકીએ.


