'સત્સંગ અને સત્કર્મ' એ હિન્દુ-જૈન ધર્મ જનમાનસમાં રહેલાં પ્રિય અને મધુર ભક્તિભાવભર્યા જોડાં છે. આ બે સાત્વિકભાવોભર્યા કર્મો જોડાં સ્વરૂપે એકબીજાનાં પૂરક બની રહે છે. સરળ-સહજ સમજીએ તો સત્કર્મ એટલે 'સારું કર્મ - મંગલકાર્ય - શુભકાર્ય - કલ્યાણકારી કાર્ય' જે સૌને માટે સ્વીકૃત હોય - સત્વભર્યું હોય તેમજ માનવીનાં મનને-ચિત્તને શુદ્ધ કરે, શાંતિ-સુખ-આનંદ આપે. માનવીનું પ્રત્યેક કર્મ મન-ચિત્ત અને અંતરને અવશ્ય સ્પર્શી જાય છે, સ્પર્શતું રહે છે. વળી પ્રત્યેક કર્મને તેનું ફળ કે પરિણામ હોય જ - સારું કે અનિચ્છનીય ! સત્કાર્યે સિદ્ધિ-સફળતા-આનંદ-પ્રેમ પ્રસન્નતાની અવશ્ય અનુભૂતિનું સર્જન થાય જ્યારે દુષ્કર્મ-તમસવૃત્તિ-તામસી વિચારે દુ:ખ, પીડા, વ્યથા, વિષાદ અને વિવાદ નજરે ચઢે જ્યાં માનવસફર પીડાકારક બને !
વિશેષ જ્ઞાની અને ગુણી સંતો, મહંતો-ભગવંતો સાધુઓ (મૌખિકસ્વરૂપે) અને હિંદૂ-જૈન ધર્મગ્રંથોનું (વાંચન સ્વરૂપે) માનવીનું નિરંતર સાન્નિધ્ય કે સદ્ગુણોનું પાઠ-પઠન પાઠન દ્વારા કે પ્રવચન-ઉપદેશ સંદેશો આપી માનવીને નૈતિકતા, ધાર્મિકતા-માનવતા-નીતિમત્તા સદાચાર અને આધ્યાત્મિકતા શીખવે, શિક્ષા એ સંસ્કારોનું સિંચન કરે. જ્ઞાન અને ધર્મસમજ આપી 'શ્રેષ્ઠ માનવ'નું ઘડતર કરે, માનવજીવનમાં સુગંધ ભરે. આમ સત્સંગ પ્રેરે - સત્વનું આચરણ કરવું જ્યાં નિત્ય પ્રેમ-સ્નેહ-ભલાઈ-દયા-કરૂણાનું દર્શન થાય ! આમ સત્સંગ માનવજીવન સફર માટે પથદર્શક-દિશાદર્શક બની રહે !
આમ જ્યાં જ્યાં સત્સંગ છે, સદાચાર છે, સેવાકાર્યો છે - સહજ સત્કર્મની શીખ છે - પ્રેરણા છે, શુભકાર્યોનો ઉમંગ છે ત્યાં સત્કર્મ પ્રકટે છે. અહીં સત્સંગ શ્રેષ્ઠ બની રહે છે. સર્વોપરિ છે જેનાં અનુકરણે સત્કાર્યોનો ઉદય થાય છે !
- કમલેશ હરિપ્રસાદ દવે


