'સત્સંગ કરવાથી જ સુખી થવાય'
- શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન સંદેશ..
જેને સાચો સત્સંગ થયો હોય તેને કોઈ આકાશમાં ઉડી બતાવે કોઈ, ધન સંપત્તિ આપે કે પુત્ર આપે કે રોગ મટાડે તો પણ તેમાં પ્રતીતિ ન આવે. ભગવાન વિના બીજા મન લોભાય જ નહીં
આ પણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે, મનુષ્ય જન્મ તો દુર્લભ છે જ, પરંતુ મનુષ્ય જન્મ મળ્યા પછી સત્સંગ મળવો તે અત્તિ દુર્લભ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ફણ શિક્ષાપત્રી અને વચનામૃત આદિ ગ્રંથોમાં સત્સંગ ઉપર કરવા ઉપર બહુ જ ભાર મૂક્યો છે. તેઓ જ્યારે મનુષ્ય સ્વરુપે દર્શન આપતાં હતા ત્યારે જે જે સ્થળે જતાં ત્યાં 'સત્સંગ' ઉપર ભાર મૂકતાં હતા. તેમના અંતરની ઇચ્છા હતી કે,' જીવો કેમે કરીને સત્સંગ કરીને સુખિયા થાય.' તેમનો જીવન સંદેશ હતો કે,' સત્સંગ કરો, સંત્સંગ કરો.'
શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક ગામડાંઓમાં 'સત્સંગ' કરવા ઉપર કેવા પ્રકારનો ઉપદેશ આપ્યો હતો તેને અત્રે વાંચીએ, વિચારીએ અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ઇંગોરાળા ગામે પધાર્યા હતા ત્યાં તેમણે કહ્યું કે, સત્સંગીરૂપી પૂરમાં જેનો નિવાસ થયો તેને પીડા આપવા અધર્મી જન આશા છોડી દે છે કારણકે સત્સંગનો એવો પ્રતાપ છે કે, અધર્મ પગ મૂકતાં બળવા લાગે છે. સત્સંગમાં જે વાર્તા થાય છે તે સુદર્શન ચક્ર જેવી છે, હરિભક્તો તેને સાંભળીને અંતરમાં ઉતારે તેની સર્વ દોષો થકી રક્ષા થાય છે.
સારંગપુરમાં શ્રી હરિ એ વાત કરતા કહ્યું કે, સુખમાં તો સૌ સત્સંગ કરે પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ માટે ખરા અર્થમાં સત્સંગ કરવો.
મેથાણમાં એક વખત શ્રીજીમહારાજ પધાર્યા હતા ત્યારે કહ્યું કે, જીવને આ સંસારમાં ફરીથી માતા-પિતા મળે છે, પુત્ર, સ્ત્રી, રાજ્ય, ગજ, ઘોડા ભોગ સુખ આદિ એ બધું મળે છે પણ સત્સંગ મળવો એ કઠણ છે, સત્સંગ અને સંતનો સમાગમ મળવો એથી ઊંચુ કોઇ સુખ નથી એ સુખ અમે સૌને આપ્યું છે, આ વાત સૌ હૃદયમાં લખી રાખજો, વિસારી દેશો તો અર્થ નહીં કરે, ચિંતામણિ મળે પછી તેને સાચવવી, જો ખોવાઈ જાય તો પછી દુ:ખ જ રહે.
જૂનાગઢમાં શ્રી હરિએ સત્સંણનો મહિમા કહેતા કહ્યું કે, સત્સંગ વિના મોક્ષનો અંકુર ક્યારેય ફૂટતો નથી, કોઠીમાં અનાજ કરોડ વર્ષ સુધી ભર્યું રહે પણ પૃથ્વી અને જળના યોગ સિવાય તેમાં ક્યારેય અંકુર ફૂટે નહીં, તેમ કોઈ કાર્ય યોગ વિના બનતું નથી. આજે અથવા અનંત જન્મ પછી આવો યોગ મેળવ્યા સિવાય કામ થવાનું નથી. સત્સંગ થાય અને સંતના દર્શન થાય એટલો શુભકાળ એ વિના બધો અશુભ કાળ છે. સત્સંગ કરવાથી જીવ બીજી જ રીતનો થઈ જાય છે, જ્યાં હરિ કથા કીર્તન નિત્ય થતાં હોય ત્યાં જગતના વિષયોને સ્થાન ન હોય, ભગવાનનું વિસ્મરણ કરાવે એ બધો કુસંગ છે. તેથી સાવધાન રહેવું.
સત્સંગ ભગવાન પ્રત્યે પ્રેમ વધારે છે. મૂંઝવણમાં સાચો રસ્તો બતાવે છે. જીવન ભક્તિમાં તરબોળ રાખે છે. સત્સંગથી વાલિયા લૂંટારા વાલ્મિકી ઋષિ બની ગયા.
કુસંગ માણસને બરબાદ કરે છે અને સત્સંગ માણસને આબાદ કરે છે. જેમ કચરો કાઢવાથી ઘર ચોખ્ખું થાય છે. તેમ સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય છે. જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો તે નિયમ, ધર્મ, સેવા, ભક્તિ, પંચવર્તમાન પાળે અને સ્વભાવનો ભીડોએ સહન કરી શકે.
સત્સંગ વિના સંતનો યોગ થાય નહીં, સંત મળે ત્યારે જ ભવરોગ ટળે. સંત હરિના હાથમાં હાથ સોંપે છે માટે સંત કહે તેમ કરવું અન્ય કોઈ બીજું સુખ નથી જેને એવા સંતના સમાગમથી સદ્મતિ થાય છે, તેને તો અક્ષરધામનું સુખ અહી જ મનાય છે. સુખી થવા માટે પોતાની રુચિનો ત્યાગ કરીને ભગવાનની મરજી પ્રમાણે વર્તે ત્યારે સત્સંગ થયો ગણાય.
જેને સાચો સત્સંગ થયો હોય તેને કોઈ આકાશમાં ઉડી બતાવે કોઈ, ધન સંપત્તિ આપે કે પુત્ર આપે કે રોગ મટાડે તો પણ તેમાં પ્રતીતિ ન આવે. ભગવાન વિના બીજા મન લોભાય જ નહીં. રોમે રોમ કોટી વીંછીની વેદના થાય, તેવા રોગ કદાચ આવી પડે તો પણ એક ભગવાન વિના બીજે આસ્થા ના આવે તો સત્સંગથી સમજણ દ્રઢ કરી કહેવાય.
સત્સંગ પારસ તુલ્ય છે તેનો લોઢું સ્પર્શ કરે તો કુંદન થાય, જે કંઈ ઉત્તમ ગુણો છે તે સત્સંગમાં જ છે. સત્સંગ સિવાય ક્યાંય નથી તેથી દિવસ અને રાત્રી સત્સંગ કર્યા કરવો.
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રુપે વિચરણ કરતાં હતા, ત્યારે સત્સંગ કરી લેવો એ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. અનેક સ્થળઓએ તેમણે જે ઉપદેશ આપ્યો તે, શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલો છે. પરંતુ તેનો સાર એ જ છે કે, 'જ્યાં સુધી સત્સંગ નહીં કરો, ત્યાં સુધી લખચોરાસીનું દુ:ખ ચાલુ જ રહેશે. તેથી સત્સંગ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો.' તેથી આપણે 'સત્સંગ' ના કરતાં હોઈએ તો કરીએ, થોડો કરતાં હોઈએ તો વધુ કરીએ અને તો જ આપણે જેઠ સુદ-દશમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંતર્ધાન દિન પ્રસંગે તેમના ચરણોમાં ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ